રિફ્લેક્શન:જો રડવું આવે છે તો હજી આપણે જીવંત છીએ!

Magazine4/22/2026, 12:35:00 AM
રિફ્લેક્શન:જો રડવું આવે છે તો હજી આપણે જીવંત છીએ!
નમ્રતા દેસાઈ હ મણાં થોડા સમયથી જાણવા મુજબ જનરેશન Z અને Mને પોતાનું રડવું નિરર્થક લાગે છે. આ પેઢીનો મંત્ર છે: ‘Be strong, Move on એન્ડ Don’t be dramatic.’ સેલ્ફ હેલ્પ પુસ્તકો અને મોટિવેશનલ વક્તાઓના પણ ‘બી સ્ટ્રોંગ’ વિશેનાં વક્તવ્યો ઝેન-ઝી અને મિલેનિયમ બંને પેઢીમાં લોકપ્રિય થઈ રહ્યાં છે. હવે પ્રેમમાં બ્રેકઅપ થાય તો કોઈને રડવું નથી આવતું. ઉપરથી બ્રેકઅપ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. લગ્ન કરતી કોડીલી કન્યાઓ સાસરે જાય ત્યારે હવે ખાસ રડતી નથી. હવે ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જતાં સંતાનોને ઘર-પરિવાર વગર એકલા રહેવામાં રડવું નથી આવતું. ક્યાંક કોઈ સાથે અણબનાવ થાય, કે ડિવોર્સ જેવા મોટા કિસ્સામાં લોકો હવે રડતાં નથી પણ એની ઉજવણીમાં સોલો ટ્રિપ પર જાય છે! શું ક્યાંક ને ક્યાંક નવા ડિજિટલ યુગમાં આપણને આપણી જ લાગણીઓનો હવે ભાર લાગવા માંડ્યો છે? આપણી ભાવનાત્મક અસર ઓછી થવા લાગી છે? સોશિયલ મીડિયા પર હંમેશાં સ્માર્ટ, હેપ્પી અને કોન્ફિડન્ટ દેખાવાની દોડમાં Instagram અને reels પર પરફેક્ટ લાઈફનું પ્રેઝન્ટેશન કરવામાં લાગણીઓની સાચી અભિવ્યક્તિ પાછળ ધકેલાઈ રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં જો પુત્ર હોય તો નાનપણથી જ એના રડવા પર રોક લગાવવાની શરૂઆત થઈ જાય. ‘તું કંઈ છોકરી છે કે આમ રડે!’ એમાં કેટલાક તો મોટા થઈને પણ ‘મેં મર્દ હૂં’ એ માનસિકતામાં કપરી પરિસ્થિતિમાં પણ રડવાનું દબાવી રાખે અને ગાંભીર્ય તથા કરડાકીવાળું મુખારવિંદ લઈને ફર્યા કરે! જ્યારે સ્ત્રીઓનો તો રડવું એ જન્મસિદ્ધ અધિકાર છે. છતાં આ જનરેશનની યુવતીઓ રડવાથી દૂર ને દૂર થતી જાય છે. હવે સ્વજનોના મોતનો મલાજો જ નથી જળવાતો ત્યાં હવે રડવાનું તો ક્યાં? પરિવારના સભ્યો પણ બે-ત્રણ દિવસ અશ્રુ વહાવે પછી સૌ પોતપોતાની વ્યસ્તતામાં! પ્રેક્ટિકલ બનવું પડે આજના સમયમાં એવું આપણે સતત સાંભળીએ છીએ પણ ક્યાં કશું આપણા વિના અટકી પડે છે? મૃત્યુ પામનાર આપણી સામે ચિતા પર બધું જ અહીં છોડીને જાય છે. એ જોવા છતાં પણ આપણે સ્મશાનમાં પણ રડવાને બદલે યુદ્ધ અને શેરબજારની ચર્ચા કરવામાં મશગૂલ રહીએ છીએ. ઝેન-ઝી અને મિલેનિયલ જનરેશનને દુઃખ હોય તો પણ સ્ટેટસ પર સ્માઈલ! અંદરથી તૂટેલા હોવા છતાં બહારથી ‘I’m fine!’ આ સંસ્કૃતિમાં રડવું ઇમોશનલ વીકનેસ ગણાય છે. આ પેઢી ખૂબ જ સ્વતંત્ર, આત્મનિર્ભર અને સ્પષ્ટ છે. તેઓ સમસ્યાનો ઉકેલ ઝટ શોધવામાં માનતા હોય છે, ભાવુક થવામાં નહીં. પરંતુ લાગણીઓને સ્વીકારવી પણ એટલી જ જરૂરી હોય છે, કારણ કે રડવાનું પણ એક વૈજ્ઞાનિક મહત્ત્વ છે. મનોવિજ્ઞાન મુજબ રડવાથી શરીરમાં ભરાયેલો તાણ ઓછો થાય છે. અશ્રુઓમાં સ્ટ્રેસ હોર્મોન બહાર નીકળે છે, જે મનને હળવું બનાવે છે. અને આ અશ્રુ એટલે માનસિક ડિટોક્સ. અને જો આપણે રડવાનું રોકીએ, તો અંદર જમા થતો તણાવ ચિંતા, ગુસ્સો અથવા ડિપ્રેશન સ્વરૂપે ક્યારેક ને ક્યારેક બહાર આવી શકે છે. એટલે તો મેટ્રો સિટીમાં હવે ખાસ રડવાના વર્ગો ચાલે છે. જેમ લાફિંગ ક્લબ એવી જ ક્રાઈંગ ક્લબ. હજી 1990ની સાલ પહેલાંની કેટલીય દીકરીઓ, બહેનો અને માતાઓ હજી પણ પિયરમાંથી કોઈનો ફોન આવે કે કોઈ પિયરનું ઓળખીતું મળે, કોઈ જૂના મિત્રો, સ્વજનો કે જૂના પાડોશીઓ મળે તો પણ હર્ષમાં આંખોમાં ઝળઝળિયાં આવી જાય છે! હવે બધું બદલાઈ રહ્યું છે, એવું સતત આપણે બોલતાં રહીએ છીએ. પણ શું બદલાયું? ક્યારે બદલાયું? અને શું કામ બદલાયું? એની ઊંડાણમાં ભાગ્યે જ કોઈ જાય છે. જેમ આહાર, નિદ્રા અને હવા-પાણી જેટલાં જીવવા માટે અગત્યનાં છે, એટલાં જ હાસ્ય, અશ્રુ કે ક્રોધ અને નારાજગી જેવાં આંતરિક પરિબળો આપણાં જીવન માટે મહત્ત્વનાં છે. કોઈ પણ ક્ષેત્ર હોય, સ્વતંત્રતા અને સલામતી બંને સાથે નથી મળતી. સ્ટ્રોંગ બનવાનો સાચો અર્થ મજબૂત વ્યક્તિ એ નથી જે ક્યારેય રડે નહીં, મજબૂત વ્યક્તિ એ છે જે પોતાની લાગણીઓને ઓળખે, સ્વીકારે અને આગળ વધે. રડવું એ અંત નથી; તે નવી શરૂઆત છે. ઝેન-ઝી અને મિલેનિયલ પેઢી પાસે બુદ્ધિ, ટેક્નોલોજી અને આત્મવિશ્વાસ છે. જો તેની સાથે લાગણીઓની સ્વીકૃતિ પણ જોડાય, તો આ પેઢી વધુ સંવેદનશીલ અને સંતુલિત બની શકે.
Read Original Article →