પ્રસંગકથા:નિરંતર સેવાપરાયણ રવિશંકર મહારાજ

Magazine5/27/2026, 12:35:00 AM
પ્રસંગકથા:નિરંતર સેવાપરાયણ રવિશંકર મહારાજ
નટવર આહલપરા વિનોબા ભાવેના રવિશંકર મહારાજ માટેના શબ્દો આજે પણ આપણને સૌને ઉજાગર કરે છે, ‘મહારાજનો પ્રભાવ એટલો વ્યાપક છે કે તેમના ગયા પછી પણ તેમનો પ્રભાવ રહેશે. તેઓ નિરંતર સેવા પરાયણ, સેવા સિવાય પોતાના માટે કશું ઈચ્છતા પણ નહોતા. દેશભરમાં આવી યોગ્યતા ધરાવતી વ્યક્તિ ભાગ્યે જ દેખાય છે. અત્યંત નિરપેક્ષ, ભક્તિ પરાયણ વ્યક્તિ.’ મહારાજનું જીવન એટલું બધું સમૃદ્ધિથી ભરપૂર. નિઃસ્પૃહતા જાળવ્યા છતાં બધા પ્રત્યે સમભાવ અને મીઠાશ બતાવવાની કલામાં તો ગાંધીજી પછી એમનું જ સ્થાન છે ને સદા રહેશે. ગરીબો માટે ન્યાય અને રાહત મેળવવા પાછળ કેવળ નરી ન્યાય નિષ્ઠાથી જ પ્રેરિત થવાને બદલે પ્રેમ, બંધુતા અને માનવતાથી, નિષ્ઠાથી જ તેઓ સમાજ સેવામાં પ્રવૃત્ત થયા હતા. નિબંધ પણ માર્ગદર્શક. ગુજરાતના જાગૃત, અડીખમ સેવક અને રખેવાળ. ગુજરાતના વટવૃક્ષ. વ્યક્તિ અને સમાજનું અહિત થનાર પ્રવૃત્તિને અટકાવવા માટે પળેપળ જાગૃત અને પ્રવૃત્ત. નાના–મોટા વર્ણ–જાતિ–રંગ કોઈ ભેદભાવ વગર સૌની પાસે વત્સલભાવે પહોંચી જઈને એને મદદરૂપ થતા હતા. ગરીબ, પીડિત અને દુઃખીની વહારે થનાર રવિશંકર મહારાજે કોઈ સંસ્થા સ્થાપી નહોતી. પોતે જ એક સંસ્થારૂપ હતા. તેઓ માનવજાત, પ્રાણી માત્રની સેવા કરનાર તમામ સંસ્થાને પ્રેરક જ નહીં, પણ આપ્તજ બની ગયા હતા. પુણ્ય શ્લોક રવિશંકર મહારાજ માનવસેવાના વ્રતધારી હતા. એક પ્રસંગ એમ છે કે, એકવાર શિક્ષક મંડળે દાદાનું સન્માન કરવાનું નક્કી કર્યું ને દાદાને પૂછ્યું, ‘દાદા અમારે આપનું સન્માન કરવું છે.’ દાદાએ ના પાડી અને કહ્યું, ‘ભાઈઓ સન્માન નહીં, ચાલો સેવાની જ્યોતને પ્રગટાવીએ. આપણે સૌ અજાતશ લોકશિક્ષક બનીએ. સાથીઓના સાથીને પ્રેમ અને ભક્તિભાવથી વશ થઈએ. ગરીબ અને અમીર સૌ મિત્ર નાના કામને પણ મોટું ગણીએ. કોઠાસૂઝ, દૃઢ નિરાગ્રહી, અનાસક્ત, નિઃસ્પૃહી બની જે કામ ઉપાડીએ તેમાં દિનરાત એક થઈએ. પરદુઃખ ભંજન અને પરોપકારી બનીએ અને હા ખાસ તો વ્યસન મુક્તિના હિમાયતી અને પ્રચારક બનીએ.’ રવિશંકર દાદાનું વ્યક્તિત્વ જ અનોખું હતું. અંતઃપ્રેરણાને આધીન થઈ કર્મ પ્રવૃત્ત થતા. એકલો જાને, એકલો જાને, તારી હાક સુણી કોઈ ના આવે તો આ બુલંદ શબ્દો હૈયે ધરી એકલા નીકળી પડતા હતા. જીવન ઘડતરના ઘડવૈયા એટલે જે કોટિના તુકારામ હતા, તે જ કોટિના આપણા રવિશંકર મહારાજ.
Read Original Article →