બ્લેક એન્ડ વ્હાઈટ:વિવાદોનો પણ ‘ધુરંધર’ છે રણવીર સિંહ!

Magazine6/10/2026, 12:35:00 AM
બ્લેક એન્ડ વ્હાઈટ:વિવાદોનો પણ ‘ધુરંધર’ છે રણવીર સિંહ!
આખની શરૂઆત થોડી ગંભીર રીતે કરવી પડે એમ છે એટલે પહેલાં જ કહી દઉં કે તમે ‘ધુરંધર’ ફિલ્મને કારણે ફિલ્મસ્ટાર રણવીર સિંહના ફેન બની ગયા હો (અથવા તો પહેલેથી જ તેના ફેન હો) તો તમારે આ લેખ ધ્યાનથી વાંચવાનો છે અને તમે ‘ધુરંધર’ ફિલ્મને કારણે રણવીરને ધિક્કારતા થઈ ગયા હો (અથવા પહેલેથી જ તમને તેના પ્રત્યે અણગમો હોય) તો તો તમારા માટે આ લેખ ‘મસ્ટ રીડ’ છે! ‘ધુરંધર’ની અકલ્પ્ય સફળતાને પગલે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા સુપરસ્ટાર બની ગયેલા રણવીર સિંહે ફરહાન અખ્તરની ‘ડૉન-3’ ફિલ્મ છોડી દીધી એ મુદ્દે એટલે કે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઇઝ (એફડબલ્યુઆઈસીઈ) દ્વારા રણવીર સામે અસહકારની નોટિસ જારી કરી અને આ લેખ લખવા બેઠો છું ત્યારે જ સમાચાર આવ્યા કે એ મુદ્દે ચોતરફથી વિરોધ થયો એટલે એ ફેડરેશને પારોઠનાં પગલાં ભરીને એ નોટિસ પાછી ખેંચી લીધી છે. આ વિવાદ વિશે તમે ઘણું વાંચી ચૂક્યા હશૉ અને વીડિયોઝ પણ જોઈ ચૂક્યા હશે એટલે એ વિશે લાંબી વાત નથી કરવી. ફેડરેશનના હોદ્દેદારોનું કહેવું છે કે ‘ફરહાન અખ્તરે એફડબલ્યુઆઈસીઈમાં ફરિયાદ કરી કે રણવીરે ફિલ્મ છોડીને મોટું આર્થિક નુકસાન કરાવ્યું છે એટલે એ મુદ્દે મધ્યસ્થી કરવા માટે અમે રણવીરને અનેક રિમાઈન્ડર આપ્યા છતાં તેણે સહકાર આપ્યો નહીં એટલે અમે ફેડરેશન સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને રણવીર સિંહના પ્રોજેકટ્સમાં કામ ન કરવાની સલાહ આપી.’ પહેલાં તો આપણે એફડબલ્યુઆઈસીઈ વિશે થોડી વાત જાણી લઈએ. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કોઈ વ્યક્તિ કે સંસ્થા આ ફેડરેશનનાં નિયમોનું ઉલ્લંઘન કરે એવા કિસ્સાઓમાં આ સંસ્થા સંબંધિત કલાકાર, ટેક્નિશિયન અથવા પ્રોડ્યૂસર વચ્ચે મધ્યસ્થી કરે છે અથવા તો રણવીર સિંહ સામે આડકતરી રીતે પ્રતિબંધ મૂક્યો એ પ્રકારની કાર્યવાહી કરે છે. આશ્ચર્યની વાત એ છે કે બીજી એવી ઘણી ઘટનાઓ છે જેમાં આ ફેડરેશને એટલો બધો ઉત્સાહ બતાવ્યો નથી, પણ રણવીરના કોઈ પણ પ્રોજેક્ટમાં સહકાર ન આપવા માટે જાહેરાત કરી દીધી! હવે રણવીર સિંહની વાત કરીએ તો એનું નામ વિવાદના પર્યાય સમાન છે. તેણે તેની 16 વર્ષની કરિઅર દરમિયાન કેટલાય વિવાદો ઊભા કર્યા છે એના વિશે તો આખી સિરીઝ લખી શકાય, પણ અહીં ટૂંકમાં વાત કરીએ. રણવીરની કરિઅરની હજી શરૂઆત હતી એ વખતે તેનો પ્રથમ વિવાદ ‘કોફી વિથ કરણ’ શૉમાં થયો હતો. રણવીર અને અભિનેત્રી અનુષ્કા શર્મા કરણ જોહરના એ શૉમાં સાથે ગયાં હતાં. એ શૉમાં રણવીરે અનુષ્કા શર્માને સંબોધતા જે ટિપ્પણી કરી હતી એના શબ્દો આ કોલમમાં લખી શકાય એવા નથી. અનુષ્કાએ તેના એ શબ્દોથી અકળાઈને કહ્યું હતું કે ‘મારી સાથે આવી રીતે વાત ન કરો.’ અનુષ્કાની જગ્યાએ કંગના રનૌત કે બીજી કોઈ ફાયર બ્રાન્ડ સ્ત્રી હોત તો તેણે કેમેરાની સામે જ રણવીર સિંહને કચકચાવીને લાફો ઝીંકી દીધો હોત! એ જ શૉમાં રણવીરે કરીના કપૂર વિરુદ્ધ પણ સેક્સ્યુઅલ ટોનવાળી કમેન્ટ કરી હતી. એ પછી રણવીર સિંહ અને અર્જુન કપૂરે કરણ જોહરના સંચાલનમાં યોજાયેલા ‘એઆઈબી નોક આઉટ’ શૉમાં ભાગ લીધો હતો એનો વીડિયો 28 જાન્યુઆરી, 2015ના દિવસે યુટ્યુબ પર અપલોડ કરાયો હતો. એ શૉમાં અત્યંત અશ્લીલ અને સેક્સ્યુઅલ ટોનવાળી જોક્સ, ગાળો, અને ઘણી વ્યક્તિઓ માટે અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ થયો હતો. એ વીડિયો થોડા જ કલાકોમાં મિલિયન્સ ઑફ લોકોએ જોઈ લીધો અને દેશભરમાંથી જબરદસ્ત વિરોધ થયો એને કારણે એ વીડિયો હટાવી લેવો પડ્યો હતો (‘ધુરંધર’ ફિલ્મને કારણે અત્યારે રણવીર સિંહને માથા પર ચડાવીને નાચતાં જમણેરી સંગઠનો અને રાજકીય નેતાઓ પૈકી કેટલાકે એ વખતે રણવીર, અર્જુન કપૂર અને કરણ જોહર સહિતના લોકો સામે અશ્લીલતાને મુદ્દે ઈન્ડિયન પીનલ કોડની જુદી-જુદી કલમો હેઠળ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી!) 2016માં રણવીર સિંહ ફેશન બ્રાન્ડ ‘જેક એન્ડ જોન્સ’ની જાહેરાતમાં દેખાયો હતો એમાં તે એક મહિલાને પોતાના ખભા પર ઊંચકીને લઈ જતા દેખાતો હતો. એ જાહેરાતમાં આ શબ્દો હતા: ‘ડોન્ટ હોલ્ડ બેક, ટેક યોર વર્ક હોમ!’ એ જાહેરાત સામે એટલો વિરોધ થયો કે દેશનાં 30થી વધુ શહેરોમાં લગાવાયેલાં હોર્ડિંગ્સ એક જ રાતમાં હટાવી દેવા પડ્યાં હતાં. 2022ના વર્ષમાં અમેરિકાના ‘પેપર’ મેગેઝિન માટે રણવીરે નિર્વસ્ત્ર થઈને ફોટો શૂટ કરાવ્યું હતું અને 21 જુલાઈ, 2022ના દિવસે તેણે બિન્ધાસ્ત રીતે પોતાની નગ્ન તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી હતી. એના ચાર દિવસ બાદ 25 જુલાઈએ મુંબઈના વકીલ વેદિકા ચૌબેએ એ તસવીરોને મુદ્દે મુંબઈના ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 29 ઓગસ્ટ, 2022ના દિવસે રણવીર સિંહે ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં જઈને બે કલાકથી વધુ સમય સુધી બેસીને પોતાનું નિવેદન લખાવવું પડ્યું હતું. એ વખતે તેણે પોલીસને કહ્યું હતું કે ‘એ મેગેઝિનમાં પ્રકાશિત થયેલી તસવીરોમાંથી એક તસવીર થર્ડ પાર્ટી દ્વારા (એટલે કે એ મેગેઝિન દ્વારા) ફેરફાર કરીને મોર્ફ કરાઈ હતી.’ જોકે, એ તસવીર પાછી તેણે બેધડક પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી! નવેમ્બર, 2025માં ગોવામાં યોજાયેલા ‘ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા’ના મંચ પર રણવીર સિંહે અભિનેતા ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા’ના એક દૃશ્યની નકલનો પ્રયાસ કરતી વખતે દેવીનું અપમાન કર્યું હતું. એ પછી તેની વિરુદ્ધ બેંગલુરુ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાઈ હતી. 2015માં રણવીરે એક ફેશન મેગેઝિનને ઈન્ટરવ્યૂ આપ્યો હતો એ દરમિયાન તેને પુછાયું હતું કે ‘તમને તમારા જન્મદિવસે મળેલી સૌથી શ્રેષ્ઠ ભેટ કઈ હતી?’ એ વખતે રણવીરે તેની બાજુમાં બેઠેલી દીપિકા પાદુકોણ સામે જોઈને કોઈ પણ પ્રકારના સંકોચ વિના બેધડક રીતે - નફ્ફટાઈપૂર્વક કહ્યું હતું કે ‘સેક્સ!’ પછી તેણે ઉમેર્યું હતું કે ‘જન્મદિવસે મળતો શારીરિક સંબંધ જન્મદિવસની સૌથી શ્રેષ્ઠ ભેટ હોય છે!’ રણવીર સિંહ વિવાદ ન હોય ત્યાંથી પણ ઊભા કરવા માટે સક્ષમ છે. સૌરાષ્ટ્રમાં જાણીતી કહેવત છે કે ‘એક તો ઊંટ હતું ને પાછું ઉકરડે ચડ્યું!’ એવું રણવીરના કિસ્સામાં બન્યું છે. રણવીર વિવાદો સર્જવા માટે જાણીતા છે જ, પણ ‘ધુરંધર’ને મળેલી અકલ્પ્ય સફળતાને કારણે તેની અભિનેતા તરીકેની બ્રાન્ડ એટલી મોટી થઈ ગઈ છે કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના લોકોનાં પેટમાં જાણે ઊકળતું તેલ રેડાયું છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને ત્રણ મુદ્દે રણવીર સિંહ સામે વાંધો પડ્યો છે. પ્રથમ કારણ તો એ કે રણવીરનો પાવર એટલો વધી ગયો છે કે જેની કોઈએ કલ્પના પણ કરી નહોતી. બીજું કારણ એ છે કે ‘ધુરંધર’ ફિલ્મની અકલ્પ્ય અને પ્રચંડ સફળતાને કારણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અત્યાર સુધી પાવરફુલ રહેલાં સજ્જનો અને સન્નારીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. અને ત્રીજું કારણ એ છે કે તે સજ્જનો અને સન્નારીઓ દૃઢપણે માને છે કે રણવીરને ‘દિલ્હી’ અને ‘નાગપુર’નું (ફોડ પાડીને કહીએ તો, કેન્દ્ર સરકાર અને આરએસએસનું!) બેકિંગ છે! સાર એ છે કે રણવીર સિંહ વિશે હજી નવા વિવાદો પણ થતા જ રહેવાના છે! તે પોતે વિવાદો સર્જવાના પાવરહાઉસ સમાન છે અને પોતાના તરફ ખેંચવાના પાવરફુલ લોહચુંબક સમાન પણ છે અને ઉપરથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના (અને બહારનાં પણ) સંખ્યાબંધ સજ્જનો અને સન્નારીઓનાં પેટમાં દુખે છે તે બધાં માથાં કૂટતાં રહેવાનાં છે! એડવાન્ટેજ રણવીર સિંહ!
Read Original Article →