નીલે ગગન કે તલે:રામ ગલી, રહેમાન ગલી

Magazine5/27/2026, 12:35:00 AM
નીલે ગગન કે તલે:રામ ગલી, રહેમાન ગલી
પ્રાત:સ્મરણીય પ્રબોધ ચોક્સી કહેતા કે એબીસી ટ્રાયેન્ગલ તે વિનોબાજીનું સ્વપ્ન હતું. એ, બી, સી: અફઘાનિસ્તાન, ભારત અને સિલોન! આ લીટીઓના લખનાર ગગાભાઈ ગગનવાલાને પણ તમન્ના છે કે કમ સે કમ પાકિસ્તાન (પ્લસ બંગલાદેશ) અને ભારત પણ ભલે ફરીથી એક દેશ ન બને પણ જાની દુશ્મનીને બદલે જિગરજાન દોસ્ત બનીને રહે તો તો અધધધ દિલ કા હાલ સુને દિલવાલાહ! આ વાત ધર્મઝનૂની લોકોને નહીં ગમે! ધર્મ નંબર વનવાળા કહેશે કે ધર્મ નંબર ટુ આતંક ફેલાવે છે. સામેવાળા કહેશે કે ધર્મ નંબર ટુવાળાઓને અંગ્રેજોએ અને કોન્ગ્રસીઓએ ચડાવ્યા છે, ને તે ફાટીને ધુમાડે ગયા છે. પરંતુ પૂર્વજોનાં પાપને ફણગાવ્યા કરવાને બદલે આપણે એમ વિચારવું શરૂ કરીએ કે ધર્મ તે અંગત વસ્તુ છે, અને જગતમાં સૌથી વધુ અગત્યનું છે પ્રજાજીવનનું ચેન અને અમન ને! તો? ચાલો ચાલો થોડીક તહકીકાત કરીએ! અમે સાંભળેલું કે ભારતના ક્રિકેટરો પાકિસ્તાન મધ્યે રમવા જાય તો ત્યાંના રિક્ષાવાળા પણ હરખાય ને તે મેચ જોવા આવનારાંનાં ધાડેધાડાં પાસેથી રિક્ષાભાડું ન સ્વીકારે, આપ તો હમારે મહેમાન હંય! મુંબઈ દિલ્હીની શેઠાણીઓ પાકિસ્તાની સિરિયલોમાં ગુલતાન છે ને હિન્દુસ્તાની સિનેમા, હિન્દુસ્તાની મ્યૂઝિક વગેરે પાકિસ્તાનને પાગલ બનાવે છે. સાહેબાન જરાક પોપચાં બંધ કરીને સોચો કે ભારતનું ડિફેન્સ બજેટ અંદાજે $80 અબજ, અને પાકિસ્તાનનું $10 અબજ જો એ $90 અબજ પરદેશથી હથિયારોને ખરીદવાને બદલે હોસ્પિટલો, શાળાઓ, અને અન્ય જનકલ્યાણનાં કાર્યોમાં વપરાય તો! અને સાહેબ, બેય દેશોનો સામસામો વેપાર હાલના $3 અબજથી સીધો $40–50 અબજ સુધી પહોંચી શકે. વાઘા બોર્ડર ઉપર ભજવાતા ઘુરકિયાંભર્યા સૈન્ય પ્રદર્શનનું રૂપાંતર વાણિજ્યથી છલછલતા માર્ગમાં થાય. ભારતીય ટેક્નોલોજી અને ઉત્પાદન પાકિસ્તાનના બજારમાં પ્રવેશે, જ્યારે પાકિસ્તાની માલ ભારતના બજારમાં ધમધોકાર ગતિથી વહે. અને યારો, મુંબઈ–કરાચી, દિલ્હી–લાહોર, અમૃતસર–લાહોર વચ્ચેનું માત્ર 50 કિ.મી.નું અંતર રેલવેથી અને રોડેરોડે ફરી જોડાય. મધ્ય એશિયાથી પાકિસ્તાન મારફતે ભારત સુધી ગેસ પાઇપલાઇન ઊર્જા ખર્ચ ઘટાડે. પરસ્પરના દેશોમાં ચિક્કાર પર્યટન ફાટી નીકળે — લાખો ભારતીયો પોતાના પૂર્વજોનાં ગામો જોવા જાય, ને પાકિસ્તાની પ્રવાસીઓ આગ્રા–જયપુર–દિલ્હીમાં પોતાના પૂર્વજોનાં પગનાં નિશાન ફરી શોધે. હેલ્લ, સિનેમા, ટેલિવિઝન અને મનોરંજનની નહેરો ઊમટે, બોલિવૂડ–લોલિવૂડ સહ-ઉત્પાદન કરે. પાકિસ્તાની સંગીતકારો ખુલેઆમ ભારત પ્રવાસ કરે. વિદ્યાર્થીઓ, કલાકારો, વિદ્વાનો સરહદ પાર કરી સંયુક્ત ઉત્સવોમાં જોડાય. પંજાબી–ઉર્દૂ–સિંધીનો સાંસ્કૃતિક વારસો ઊજવાય. ક્રિકેટ શ્રેણીઓ ફરી શરૂ થાય—અને બલ્લેબાજી વિશ્વની સૌથી વધુ લોકપ્રિય રમત બની શકે. અને જલતરંગ! સિંધુ જળ સંધિ ઠંડા કાનૂની દસ્તાવેજથી સહકારના જીવંત માળખામાં ફેરવાઈ જાય. પર્યાવરણ પરિષ્કાર બને, પ્રદૂષણ અને જળવાયુ પરિવર્તન અને પૂર–ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ સામે સંયુક્ત પગલાં લેવાય! સામસામી દુશ્મનીનો બુરખો ઊતરી જાય, જેણે વિભાજનનાં લોહિયાળ હુલ્લડો જોયાં નથી કે નથી તેની કશીય અસર તેવી નવા યુગની પ્રજા એકબીજાના ઇતિહાસને સહાનુભૂતિથી શીખે. સામસામાં લશ્કરી અને રાજદ્વારી નેતાઓના કાવતરાંથી ખેલાયેલાં 1947, 1965, 1971, 1999નાં યુદ્ધોની યાદના ઘા ઊંડા છે. પરંતુ તે પારકા લોકોની કપટલીલાનાં ફળ હતાં તે જાણીને આજના યુવાનો તર્કટી ઝનૂનને બદલે શાંતિપૂર્ણ જીવન ઝંખે. અલબત્ત કાશ્મીર કોનું? એ વિવાદ સળગતો રાખવાને બદલે કાશ્મીર જ નહીં આખું પાકિસ્તાન, આખું બંગલાદેશ આપણને મળે છે તેમ જ પાકિસ્તાન જો એમ વિચારે કે આખું હિંદુસ્તાન આપણને મળે છે તો કાશ્મીર કોનું એવો ‘ફોની’ યાને તર્કટી વિવાદ જીવતો ન રહે. આપણા આ બે દેશોની મિત્રતાપૂર્ણ ભારત–પાકિસ્તાન માત્ર મનસ્વી કલ્પના નથી — તેમ થાય તો લાખો કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ઇંડિયા દુનિયાની ખૂંખાર મહાસત્તા બની જાય! અને ગયા અઠવાડિયા લગભગ સ્વપ્ન હોય તેમ છાપામાં આવ્યું કે કોઈ ગેબી કારણસર પાછલા બારણેથી કેટલાક ડાહ્યા લોકો બંને દેશોની ભાષા, વેશભૂષા, ભોજન અને મનોરંજનની સમ્યકતાને ફરી યાદ કરી એકબીજાનાં મોંમાં કસ્તુરી કિમામવાળાં પાનનાં બીડાં મૂકી રહ્યા છે. અને NDTV જણાવે છે કે પાકિસ્તાનના કેટલાક ઇલાકાઓને બળજબરી અપાયેલાં ઇસ્લામી નામો હવે ફરી અસલ હિંદુ કે શીખ નામો અપાઈ રહ્યાં છે, યથા બાબરી મસ્જિદ ચૌક ફરીથી કહેવાય છે જૈન મંદિર ચૌક એવમ ‘રહેમાન ગલી’ ફરીથી બને છે ‘રામ ગલી.’ પાકિસ્તાનના સૌથી પ્રખ્યાત The Friday Timesના એડિટર-ઇન-ચીફ નજમ સેઠીએ જાહેરમાં કહ્યું છે કે ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધો માટે આ જ યોગ્ય સમય છે. લિબરલ કોલમનિસ્ટ અને બ્રોડકાસ્ટર રઝા રૂમી, ભૂતપૂર્વ રાજદૂત અને ચાર વડાપ્રધાનોના સલાહકાર પ્રખ્યાત પત્રકાર હુસૈન હક્કાની, એવમ સિનિયર ટીવી એન્કર જેમણે વાજપેયીના ભારત–પાકિસ્તાન વચ્ચે શાંતિના સ્વપ્ન વિશે લખ્યું છે તે હમીદ મીર આ સર્વે અગ્રગણ્ય વિચારકો તથા પત્રકારોએ બે દેશની સુખાકારી માટે શત્રુતા નહીં મૈત્રીની હિમાયત કીધી છે. ઉર્દૂ કવિ ફૈઝ અહમદ ફૈઝે લખ્યું હતું: ‘વહ સુબહ તો આયેગી’ — તે સુનહરું પ્રભાત એક દિવસ અવશ્ય આવશે. જય ફૈઝ અહમદ ફૈઝ!
Read Original Article →