આઠમી અજાયબી:રાજા રવિ વર્મા : ભારતના પ્રથમ ઈન્ફ્લુએન્સર
માયા ભદૌરીયા
આજે આપણે જેમને ઈન્ફ્લુએન્સર કહીએ છીએ, તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો લોકોના વિચારો અને પસંદગી પર અસર પાડે છે, પણ આજથી સવા સો વર્ષ પહેલાં ઇન્ટરનેટ કે ટેલિવિઝન નહોતાં, ત્યારે ભારતના પ્રથમ સાચા ઈન્ફ્લુએન્સર રાજા રવિ વર્મા હતા. ભારતીય ચિત્રકલાના ઇતિહાસમાં રાજા રવિ વર્મા એ વ્યક્તિ છે જેમણે દેવી-દેવતાઓને મહેલોના વૈભવ અને મંદિરોનાં ગર્ભગૃહમાંથી બહાર કાઢીને સામાન્ય માણસનાં ઘર સુધી પહોંચાડ્યાં. રસપ્રદ વાત એ છે કે, તેઓ કોઈ રજવાડાના શાસક નહોતા. પણ કલાક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાનને જોઈને તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝને તેમને ‘કેસર-એ-હિન્દ’ સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. આ સન્માનની સાથે જ તેમના નામની આગળ ‘રાજા’નો ખિતાબ જોડવામાં આવ્યો. કલા સાધનાની શરૂઆત
કેરળના કિલિમાનુર પેલેસમાં 29 એપ્રિલ, 1848ના રોજ રાજા રવિ વર્માનો જન્મ થયો. તેમના પિતા એઝુમાવિલ નીલકંઠન ભટ્ટાતિરીપાદ સંસ્કૃતિ અને આયુર્વેદના વિદ્વાન હતા અને માતા ઉમયમ્બા થંપુરટ્ટી કવયિત્રી હતાં. તેમણે ‘પાર્વતી સ્વયંવરમ્’ નામની કૃતિની રચના કરી હતી. બાળક રવિ બાળપણથી જ મહેલની દીવાલો ઉપર કોલસાથી ચિત્રો દોરતા. મામા રાજા રાજ વર્માએ બાળ ચિત્રકારની પ્રતિભા ઓળખીને તે સમયની પરંપરાગત ભારતીય ચિત્રશૈલી અને રંગો બનાવવાની કલા શીખવી. 1862માં રવિ વર્મા તેમના મામા સાથે મહારાજા આઈલ્યમ તિરુનાલના દરબારમાં પહોંચ્યા. મહારાજાની છત્રછાયામાં રહીને તેમણે ઇટાલિયન પુનરુજ્જીવન શૈલીનાં બારીક પાસાંઓ અને તમિલનાડુના કુશળ કલાકારોની પરંપરાગત શૈલીનો ગહન અભ્યાસ કર્યો. શિક્ષણ અને કલાશૈલીનો સંગમ
1868માં ડચ ચિત્રકાર થિયોડોર જેન્સેન ત્રિવેન્દ્રમ પેલેસ આવ્યા હતા. રવિ વર્મા તેમની પાસે ઓઇલ પેઇન્ટિંગની તકનીક શીખ્યા. રાજપરિવારનાં ચિત્રો તેમણે નવી શૈલીમાં બનાવ્યાં. તેમનું પેઈન્ટિંગ ‘મુલ્લાપ્પુ ચિડયા નાયર સ્ત્રી- ચમેલીનાં ફૂલ ધારણ કરેલી સ્ત્રી’થી રવિ વર્મા પ્રખ્યાત થયા. આ માટે 1873માં ચેન્નઈ અને પછી ઓસ્ટ્રિયાના વિયેનામાં પુરસ્કાર મળ્યો. 1876માં તેમનું શકુંતલા પેઈન્ટિંગ વિશ્વસ્તરે વખણાયું. તેમણે પશ્ચિમી ચિત્રકલાની ટેકનિકનો ભલે ઉપયોગ કર્યો, પણ વિષયો ભારતીય પૌરાણિક કથાઓ, રામાયણ અને મહાભારતમાંથી લીધા. આ કારણે તેમના ચિત્રો જીવંત લાગતાં હતાં. વડોદરા સાથેનો અતૂટ નાતો
1881માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ તેમને આમંત્રિત કર્યા હતા. મહારાજાએ તેમને લક્ષ્મી વિલાસ પેલેસના સંકુલમાં એક વિશાળ સ્ટુડિયો બનાવી આપ્યો હતો. અહીં રહીને તેમણે રામાયણ અને મહાભારતના પ્રસંગો પર આધારિત તેમની જગવિખ્યાત ચિત્રશ્રેણીઓ કંડારી હતી. આજે પણ વડોદરાના મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં રવિ વર્માના તૈલી ચિત્રોનો વિશ્વનો સૌથી મોટો સંગ્રહ સચવાયેલો છે. ઘેર ઘેર ભગવાન
રાજા રવિ વર્માને જ્યારે સમજાયું કે તેમનાં તૈલી ચિત્રો માત્ર રાજવી મહેલોની શોભા બનીને રહી ગયાં છે, ત્યારે તેમણે સામાન્ય માણસના પૂજાઘર સુધી ભગવાનને પહોંચાડવા માટે 1894માં મુંબઈમાં રાજા રવિ વર્મા લિથોગ્રાફિક પ્રેસની સ્થાપના કરી. જર્મનીથી ખાસ મંગાવેલાં અત્યાધુનિક મશીનો દ્વારા તૈયાર થયેલી આ સસ્તી અને સુંદર રંગીન પ્રતિકૃતિઓ ‘ઓલિઓગ્રાફ’ તરીકે ઓળખાઈ. આ પ્રેસે સાચા અર્થમાં કલાનું લોકશાહીકરણ કર્યું. આજે આપણે લક્ષ્મીમાતા, સરસ્વતીમાતા, રામ-સીતાનાં જે ચિત્રો ઘેર ઘેર જોઈએ છીએ તે રવિ વર્માની કલ્પનાની જ દેન છે. રસપ્રદ વાત એ છે કે, ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકેએ પણ આ જ પ્રેસમાં લિથોગ્રાફર તરીકે કામ કર્યું હતું, જ્યાંથી પ્રેરણા લઈને તેમણે ભારતની પ્રથમ ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી. વિવાદ અને અભિવ્યક્તિની આઝાદીનો જંગ
સ્ત્રી સુંદરતાને અત્યંત વાસ્તવિક રીતે કંડારવા અને દેવીઓને માનવીય લાલિત્ય સાથે રજૂ કરવા બદલ રાજા રવિ વર્માને તે સમયના રૂઢિચુસ્ત સમાજના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેમની સામે અશ્લીલતા ફેલાવવાના ગંભીર આરોપો સાથે અદાલતી કેસ થયા હતા. રવિ વર્માએ કોર્ટમાં ખજૂરાહો અને કોણાર્ક જેવાં પ્રાચીન મંદિરોનાં શિલ્પોનાં ઉદાહરણો ટાંકીને કહ્યું, ‘નગ્નતા એ અશ્લીલતા નથી, પરંતુ તે ભારતીય શાસ્ત્રીય કલાનું એક અભિન્ન અને પવિત્ર અંગ છે.’ આ કાયદાકીય જીત ભારતમાં ‘આર્ટ ફ્રીડમ’નો પાયો બની, જેણે ભવિષ્યના કલાકારો માટે મુક્ત સર્જનનો માર્ગ સરળ કર્યો. સાડીને આપી વૈશ્વિક ઓળખ
એ સમયે ભારતના દરેક પ્રદેશમાં સાડી પહેરવાની રીત અલગ હતી, પણ રવિ વર્માએ તેમના ચિત્રોમાં ‘નિવી ડ્રેપ’ (આધુનિક સાડી પહેરવાની રીત)ને લોકપ્રિય બનાવી. તેમણે દક્ષિણ ભારતીય કલાની ગરિમા, ઉત્તર ભારતીય ડ્રેપિંગની નજાકત અને મહારાષ્ટ્રીયન શૈલીના સમન્વયથી એક એવી શૈલી વિકસાવી, જે આજે ‘સાર્વત્રિક ભારતીય સાડી’ તરીકે વૈશ્વિક સ્તરે ઓળખાય છે.
Read Original Article →