ક્રાઇમ સિક્રેટ:ક્રિકેટમેચથી કેવી રીતે ઉકેલાયો 13 વર્ષ જૂનો કેસ?

Magazine4/8/2026, 12:35:00 AM
ક્રાઇમ સિક્રેટ:ક્રિકેટમેચથી કેવી રીતે ઉકેલાયો 13 વર્ષ જૂનો કેસ?
રાજ ભાસ્કર વિશ્વનાથ કેસ-2 ક ર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના પુત્તુરમાં ફાઈનાન્સર વિશ્વનાથ રાયની હત્યા તેમના જ નામધારી મેનેજર વિશ્વનાથ શેટ્ટી 2001માં કરે છે. 11 વર્ષ સુધી તેનો કોઈ પત્તો નથી મળતો, પણ 2012માં નવા આવેલા ઇન્સ્પેક્ટર સુરેશ કુમાર કેસ રી-ઓપન કરાવે છે. શરૂઆતના એક મહિના સિવાય આ 11 વર્ષમાં શેટ્ટીની પત્ની એક પણ વાર પોતાના પતિનું શું થયું એ પૂછવા પોલીસ સ્ટેશને આવી નહોતી. શેટ્ટીનો દીકરો સ્થાનિક સ્તરે સારો ક્રિકેટર છે. પોલીસે એક યુવા કોન્સ્ટેબલને તેની ટીમમાં મોકલ્યો. એને શેટ્ટીના દીકરા સાથે પાકી દોસ્તી થઈ ગઈ, બે વર્ષ સુધી કંઈ મળ્યું નહીં. એક દિવસ શેટ્ટીનો દીકરો એક ટુર્નામેન્ટમાં રમી રહ્યો હતો. તેની કિટ કોન્સ્ટેબલ મિત્ર પાસે હતી અને કોન્સ્ટેબલ જોઈ ગયો કે તેની પાસે બે મોબાઈલ હતા. એ પછી કોન્સ્ટેબલે એ નંબર અને તેની કોલ ડિટેઈલ જાણી. પોલીસે તપાસ શરૂ કરી. આખા વર્ષનો ડેટા ખંગાળવામાં આવ્યો ત્યારે ઇ. સુરેશ કુમારની આંખો ચમકી. એક ચોક્કસ નંબર એવો હતો જેના પરથી દર બે મહિને એક વાર કોલ આવતો હતો. વર્ષમાં માત્ર 6 જ વાર કોલ આવતા હતા અને નવાઈની વાત એ હતી કે જ્યારે પણ એ કોલ આવતો, ત્યારે વાત 20થી 30 મિનિટ સુધી ચાલતી. ઇન્સ્પેક્ટરે આ નંબરનું લોકેશન ટ્રેસ કર્યું, તો તમિલનાડુના ઇરોડ વિસ્તારના ગાઢ જંગલોની નજીકના એક નાનકડા ગામનું લોકેશન હતું. આ એ જ વિસ્તાર હતો જ્યાં સત્યમંગલમ્ નામનું ગાઢ જંગલ હતું અને એક સમયે કુખ્યાત ચંદન તસ્કર વીરપ્પનનું સુરક્ષિત ઠેકાણું ગણાતું હતું. ઈ. સુરેશ કુમારે સ્પેશિયલ ટીમ બનાવી. તેમાં બે કોન્સ્ટેબલો અને એક ખબરીને સામેલ કર્યા. ટીમ સિવિલ ડ્રેસમાં તમિલનાડુ રવાના થઈ. પોલીસ પાસે શેટ્ટીનો 13 વર્ષ જૂનો ફોટો હતો. ઇરોડમાં જઈને પોલીસે ખાનગીમાં તપાસ શરૂ કરી. જંગલની આસપાસનાં ગામડાંઓમાં ભટકીને લોકો સાથે વાતચીત કરતા. એક દિવસ એક ગામના રહેવાસીએ ફોટો જોઈને કહ્યું, ‘અરે સાહેબ, તમે જેને શોધો છો એનું નામ વિશ્વનાથ શેટ્ટી નથી, એનું નામ તો રાજ છે અને અહીં તેમની ‘રાજ ફાઈનાન્સ’ નામની કંપની પણ છે.’ પોલીસ સમજી ગઈ કે કાતિલ મેનેજર હવે ફાઈનાન્સર બની ગયો હતો. એ પછી ચામરાજનગરમાં પણ તપાસ થઈ. ત્યાંથી માહિતી મળી કે એ ચાર-છ મહિને એક મહિલાને લઈને આવતો હતો અને એક સ્પેશિયલ હોટેલમાં રોકાતો હતો. પોલીસને તેના ઘરનું સરનામું પણ મળી ગયું. મહિનાઓની મહેનત બાદ આ બધું એકઠું થઈ ગયા પછી ઇ. સુરેશ કુમાર પોતે તમિલનાડુ પહોંચી ગયા. ઓગસ્ટ 2014ની એક સવારે પોલીસે શેટ્ટી ઉર્ફે રાજના ઘરે દરોડો પાડ્યો. ઘંટડી વગાડી, દરવાજો ખુલ્યો અને સામે 13 વર્ષ જૂનો એ જ ચહેરો તરવરી ઊઠ્યો. પોલીસને સામે જોઈને વિશ્વનાથ શેટ્ટીના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસ તેને પુત્તુર લાવી. શેટ્ટીએ કબૂલ કરતા કહ્યું, ‘સાહેબ, રાયની હત્યા કર્યા પછી હું કેરળના પલક્કડ ભાગી ગયો હતો. ત્યાં એક ડોક્ટરના ફાર્મ હાઉસ પર નોકરી કરી. ડોક્ટર મારા કામથી એટલા ખુશ થયા કે તેઓ મને તમિલનાડુના ઇરોડમાં લઈ આવ્યા. ત્યાં મેં મારું નામ બદલી નાખ્યું અને તેમનું ફાઈનાન્સ સંભાળવા લાગ્યો. ધીરે ધીરે મેં મારો રુતબો બનાવ્યો અને પોતાની રાજ ફાઈનાન્સ કંપની શરૂ કરી દીધી. ત્યાં બધા મને એક ઇજ્જતદાર બિઝનેસમેન તરીકે ઓળખવા લાગ્યા.’ ઇન્સ્પેક્ટરે પૂછ્યું, ‘13 વર્ષ સુધી તું પરિવારના સંપર્કમાં કેવી રીતે રહ્યો?’ શેટ્ટીએ હસતાં હસતાં કહ્યું, ‘સાહેબ, હું બહુ સાવધ હતો. મને ખબર હતી કે પોલીસ મારી પત્ની અને દીકરા પર જરૂર નજર રાખશે જ. એટલે જ મેં તેમને એક નવું સીમકાર્ડ અને ફોન લઈ આપ્યાં હતાં, જેની ખબર કોઈને નહોતી. હું વર્ષમાં માત્ર બે કે ત્રણ વાર મારી પત્નીને અહીં બોલાવતો, એ પણ મારા ઘરે નહીં, કર્ણાટકની એક હોટેલમાં. ત્યાં અમે ત્રણ-ચાર દિવસ સાથે રહેતાં અને એ ચાલી જતી. દીકરા સાથે વાત કરવા માટે પણ મેં નિયમ બનાવ્યો હતો – દર બે મહિને માત્ર એક જ વાર હું ફોન કરતો. મને એમ હતું કે આટલી સાવચેતી પછી કોઈ મને પકડી નહીં શકે, પણ તમે કહ્યું તેમ આ ક્રિકેટની મેચે મારો ખેલ બગાડી નાખ્યો!’ શેટ્ટી પર કેસ ચાલ્યો, પણ 2014માં પકડાયા પછી એક વર્ષમાં જ તે જામીન પર બહાર આવી ગયો, જેથી મલ્લિકા રાય અને પોલીસને આંચકો લાગ્યો. ઇ. સુરેશ કુમારે મક્કમ નિર્ધાર કર્યો હતો કે તેઓ આ વખતે પુરાવાઓમાં કોઈ કમી નહીં રહેવા દે. લોઅર કોર્ટમાં કેસ ચાલતો રહ્યો. સાક્ષીઓ અને પુરાવાઓની હારમાળા સર્જવામાં આવી. 13 વર્ષ પહેલાંના એ લોહીલુહાણ શર્ટના લેબલથી લઈને સુભાષ ચંદ્રાની જુબાની સુધી બધું જ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યું. આખરે, 13 ડિસેમ્બર 2021ના રોજ ઐતિહાસિક ચુકાદો આપતા ન્યાયાધીશે નોંધ્યું કે ‘આ માત્ર એક હત્યા નથી, પણ હત્યા કર્યા પછી જે રીતે ગુનેગારે 13 વર્ષ સુધી કાયદાને હાથતાળી આપી અને જે શાતિર સાજિશ રચી, તે દર્શાવે છે કે આ માણસ સમાજ માટે કેટલો ખતરનાક છે. તેનું મગજ એટલું શાતિર છે કે તે ગમે ત્યારે ફરીથી આવો ગુનો કરી શકે છે. આવા ગુનેગાર પ્રત્યે દયાની કોઈ ગુંજાઈશ નથી.’ આવી ટિપ્પણી સાથે અદાલતે વિશ્વનાથ શેટ્ટીને આજીવન કારાવાસની સજા ફટકારી.
Read Original Article →