ક્રાઇમ સિક્રેટ:એણે પત્નીની હત્યા કરવા માટે સાપ ખરીદ્યો

Magazine6/10/2026, 12:35:00 AM
ક્રાઇમ સિક્રેટ:એણે પત્નીની હત્યા કરવા માટે સાપ ખરીદ્યો
રાજ ભાસ્કર ઉત્તરા મર્ડર કેસ - 1 ક્રાઈમની આ કહાનીના સેન્ટ્રલમાં સાપ છે. એક કાતિલને પકડવા માટે કોર્ટ, પોલીસ, ઇન્વેસ્ટિગેશન એજન્સી વગેરેની તપાસમાં સાપનો કેવી રીતે ઉપયોગ થાય છે તેની આ અજીબો-ગરીબ ઘટના છે. કેરળ રાજ્યના કોલ્લમ જિલ્લામાં અંચલ નામનું એક ગામ છે. અહીં એક પરિવાર રહેતો હતો. તેમાં એક દીકરી હતી, તેનું નામ ઉત્તરા અને ઉંમર 25 વર્ષ. વર્ષ 2019માં ઉત્તરાનાં લગ્ન પાસેના જ ગામના સૂરજ એસ. કુમાર સાથે થયાં. સૂરજ મધ્યમવર્ગીય હતો. ઉત્તરાનાં માતા-પિતા આર્થિક રીતે સધ્ધર હતાં. એમણે લગ્નમાં દીકરીને કાર, સોનું-ચાંદી, ટીવી, વોશિંગ મશીન બધી જ વસ્તુઓ અને 1 કરોડની પોલિસી પણ આપી. એક વર્ષ બાદ ઉત્તરાએ દીકરાને જન્મ આપ્યો. સૂરજ લાલચુ હતો. એને વિચાર આવી રહ્યા હતા કે જો ઉત્તરાનું મોત થઈ જાય તો પોલિસીના કરોડ રૂપિયા અને બીજી મિલકતો પોતાને નામ થઈ જાય. પછી બીજાં લગ્ન કરી લેવા. સૂરજ ઉત્તરાને મારવાના વિવિધ રસ્તાઓ વિચારી રહ્યો હતો. એક દિવસ એને સાપના ડંખથી કતલ કરવાનો આઈડિયા મળ્યો. માર્ચ-2020માં એને સુરેશ મદારી મળી ગયો. એણે 10 હજાર રૂપિયામાં ઝેરી સાપ લાવી આપ્યો અને કેવી રીતે રૂમમાં છોડવો વગેરે ટ્રેનિંગ પણ આપી. સૂરજ કરંડિયામાં સાપ ઘરે લાવ્યો અને ઉપરના રૂમમાં છોડી દીધો. ઉત્તરા ઉપર ગઈ તો એણે સાપ જોયો અને રાડારાડ કરી મૂકી. પરિવારના બીજા લોકો સાથે સૂરજ પણ ઉપર દોડી ગયો અને આખરે સાપને પકડીને નાખી દેવો પડ્યો. પહેલો પ્લાન ફેઈલ ગયો. બીજી વાર પણ આવું કર્યું તો ઉત્તરા અચાનક જાગી ગઈ. સાપે એને ડંખ મારી દીધો, પણ ઉત્તરા દર્દથી ચીસ પાડવા લાગી એટલે સૂરજે એને હોસ્પિટલ લઈ જવી પડી. આ પ્લાન પણ ફેઈલ ગયો. આ ઘટનાથી ડરી ગયેલી ઉત્તરા થોડા દિવસ બાદ એના પિયરે ચાલી ગઈ. સૂરજ ફરી મદારીને મળ્યો અને આ વખતે એણે 15 હજાર રૂપિયામાં સૌથી ઝેરી કોબ્રા ખરીદ્યો. ફરીવાર એણે કોબ્રાનું મોં પકડીને કેવી રીતે ડંખ મરાવવો વગેરે બધું શીખી લીધું. મદારીએ એને ફૂલ સ્લીવ જેકેટ અને હાથમાં ચામડાનાં મોજાં પહેરવાનું ય કહ્યું. તારીખ હતી 7 મે-2022. સૂરજે જાળીવાળા કરંડિયાને કપડાં ભરવાના એક થેલામાં મૂક્યો. એ થેલામાં ન જોઈ શકાય તેવાં ઝીણાં કાણાં હતાં, જેથી કોબ્રાને હવા મળી રહે. એ થેલો લઈને એ સવારના પહોરમાં જ સાસરિયામાં પહોંચી ગયો. સાસરિયાઓને તો ખબર જ નહોતી કે એ દિવસે તેમના ઘરે જમાઈના રૂપમાં જમ આવ્યો હતો. રાત્રે સૂરજ ઉત્તરાના રૂમમાં સૂવા માટે ગયો. ગઈ વખતે સાપે ડંખ માર્યો ત્યારે તરત જ ઉત્તરા જાગી ગઈ હતી, એટલે આ વખતે સૂરજે રાત્રે પાણીમાં બેહોશીની દવા મિલાવીને ઉત્તરાને પીવડાવી દીધી હતી. થોડી જ વારમાં ઉત્તરા ઊંઘી ગઈ. રાત્રે સૂરજ ઊભો થયો. આખી બાંયનું જેકેટ અને હાથમાં લેધરનાં મોજાં પહેર્યાં. સાવચેતીથી થેલામાંથી ઝેરી કોબ્રા કાઢ્યો. એને રૂમમાં છોડીને પોતે એક સેઈફ જગ્યાએ ખુરશી ઉપર ઊભો રહીને તમાશો જોવા લાગ્યો. લગભગ અડધો કલાક જેવો સમય થઈ ગયો. ઝેરી કોબ્રા આમ-તેમ આંટા મારતો હતો પણ બિસ્તર પર જઈને ઉત્તરાને ડંખ નહોતો મારતો. સૂરજની ધડકનો વધી ગઈ હતી અને એને ગુસ્સો ચડી રહ્યો હતો. આથી એણે સિફતપૂર્વક કોબ્રાને ગરદનમાંથી પકડી લીધો અને એનું મોં ઉત્તરાના કાંડા પાસે લઈ ગયો. કોબ્રા બરાબરનો છંછેડાયો હતો, એણે ઉત્તરાના કાંડે ડંખ માર્યો. ઉત્તરા દવાના ઘેનમાં હતી છતાં છટપટાઈ અને પછી શાંત થઈ ગઈ. એ પછી સૂરજ કોબ્રાવાળો કરંડિયો લઈને ઘરની પાછળના દરવાજે થઈને ચૂપચાપ અડધોએક કિલોમીટર દૂર ઝાંડી-ઝાંખરાવાળા સ્થાને ચાલ્યો ગયો. ત્યાં એણે કોબ્રાનું માથું કચડીને એને મારી નાખ્યો અને પાછો આવીને ચૂપચાપ ઊંઘી ગયો. સવારે ઉત્તરા ઊઠી નહીં. ઘરનાં લોકો એને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયાં, જ્યાં એને મૃત જાહેર કરવામાં આવી. પરિવારમાં ધરતીકંપ ઊઠ્યો. ઉત્તરાની લાશનું પોસ્ટમોર્ટમ થયું. પ્રાથમિક ધોરણે ડોક્ટરે કહ્યું કે ‘ઝેરી સાપ કરડવાથી ઉત્તરાનું મોત થયું છે.’ ભારે હૈયે ઉત્તરાના અગ્નિસંસ્કાર થયા. સૂરજના આનંદનો કોઈ પાર નહોતો, એનું કતલ અકસ્માતમાં ખપી ગયું હતું, પણ એ આનંદ હવે બહુ લાંબો સમય ટકવાનો નહોતો. પોલીસ સ્ટેશનના એક સુપર કોપ ઉત્તરાનો રિપોર્ટ ધ્યાનથી વાંચી રહ્યા હતા. તેમાં લખ્યું હતું કે ‘ઉત્તરાનું મોત ઝેરી સાપના કરડવાથી થયું છે અને સાથે સાથે એના શરીરમાંથી બેહોશીની દવાના અંશો (સિમ્પટમ્સ) પણ મળ્યા છે.’ તેમના દિમાગમાં શંકાનો સાપ સળવળ્યો. એ બીજા જ દિવસે ઉત્તરાના ઘરે પહોંચ્યા અને ઉત્તરાના રૂમની તપાસ કરી. એ રૂમમાં એવી કોઈ જગ્યા જ નહોતી કે ઓરડો બંધ હોય તો આટલો મોટો સાપ અંદર આવી શકે, પણ તેઓ કશું જ કહ્યા વિના ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા. આ તરફ સૂરજ પોતાના પ્લાન પર મુસ્તાક થઈને બેઠો હતો, પણ પેલી તરફ એના પ્લાનની પોલ ખોલવા માટે કેરળ પોલીસ કામે લાગી ગઈ હતી. સાપની અને કાતિલની એ સનસનીખેજ કહાની આવતા અઠવાડિયે. (ક્રમશ:)
Read Original Article →