ક્રાઇમ સિક્રેટ:આત્મહત્યાના પ્રયાસે 16 વર્ષ જૂનો કેસ ઉકેલ્યો
રાજ ભાસ્કર કુરાર કેસ - 2 13 ડિસેમ્બર, 2025ના રોજ મલાડના કુરાર પોલીસ સ્ટેશનમાં આઠ મૂકબધિર લોકો પહોંચે છે. તેમાંની એક મૂકબધિર મહિલાએ 16 વર્ષ પહેલાં તેના પર થયેલા બળાત્કારની ફરિયાદ ઈશારામાં કરી. ઇન્સ્પેક્ટર ગણેશ આવટેને ઈશારાની ભાષા સમજાઈ નહીં એટલે તેમણે સાઈન લેંગ્વેજ એક્સપર્ટ અને સામાજિક કાર્યકર્તા મધુ કૈનીને બોલાવ્યાં. આખરે 3 કલાકની મહેનત બાદ આખી કહાની સામે આવી કે, 16 વર્ષ પહેલાં મહેશ પવાર નામના વ્યક્તિએ એ યુવતીને ભોળવીને એના પર બળાત્કાર કર્યો હતો અને હજુ પણ એ અનેક છોકરીઓનું શોષણ કરી રહ્યો હતો. બહેરા-મૂંગાના એક ગ્રૂપમાં મહેશ પવારના સમાચાર વહેતા થયા એટલે આ છોકરીએ 16 વર્ષે ફરિયાદ કરવાની હિંમત કરી.
ઇન્સ્પેક્ટર ગણેશ આવટેએ એને પકડવા કમર કસી અને એક ટીમ બનાવી. પોલીસને મહેશના ઘરનું સરનામું અને એનો મોબાઈલ નંબર મળી ગયાં. જોકે, મોબાઈલ બંધ હતો એટલે મહેશના ઘરના સરનામે પોલીસ પહોંચી. ઘર પણ બંધ હતું. એ ક્યાં રહેવા ગયો હતો એની કોઈને ખબર નહોતી.
પોલીસે એનો મોબાઈલ સર્વેલન્સ પર લગાવી દીધો હતો. 4 જ દિવસ પછી એનો મોબાઈલ ઓન થયો અને પોલીસને એનું લોકેશન મળી ગયું. મહેશ વિરારના જ એક વિસ્તારમાં રહેતો હતો. પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી. વિરારની એ સોસાયટીના ફ્લેટમાં કુરાર પોલીસની ટીમ દાખલ થઈ, ત્યારે માહોલ શાંત હતો. સામે મહેશ પવાર બેઠો હતો, જે દેખાવે ભલો અને પારિવારિક માણસ લાગતો હતો. તેની પત્ની અને બાળક પણ ત્યાં જ હતાં. પોલીસને જોઈને મહેશે ઈશારામાં પૂછ્યું, ‘શું કામ છે?’
ફરીવાર પોલીસને ઝટકો લાગ્યો કે મહેશ પવાર પણ મૂંગો અને બહેરો હતો. એમણે એની પત્ની સામે જોયું. એ પણ ઈશારામાં વાત કરી રહી હતી એટલે એ પણ મૂકબધિર જ હતી. પોલીસે કંઈ પણ બોલ્યા વગર મહેશને એનું એરેસ્ટ વોરંટ બતાવ્યું. એ વાંચીને તેના ચહેરાનું નૂર ઊડી ગયું. એણે ઈશારાથી વિરોધ કર્યો. મહેશની માતા, જે બોલી શકતાં હતાં એમણે પોલીસને પૂછ્યું કે ‘શું થયું છે સાહેબ?’ પોલીસે આખી કહાની સમજાવી. એની માતા અને પત્ની રડવા લાગ્યાં અને પોલીસ તેને કુરાર પોલીસ સ્ટેશને લઈ આવી.
અંધારિયા ખંડમાં મહેશને બેસાડીને એની પૂછપરછ કરવામાં આવી. એના કાળા કામનો ચિઠ્ઠો એક પછી એક ખુલતો ગયો. આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસે મહેશ પવારનો મોબાઈલ જપ્ત કર્યો. મહેશ પવાર જે સમુદાયમાંથી આવતો હતો, એ જ મૂકબધિર સમુદાયની મહિલાઓ માટે તે એક ‘સીરિયલ પ્રિડેટર’ સાબિત થયો. વધુ તપાસ કરતા ખબર પડી કે જે યુવતીએ 16 વર્ષ પછી ફરિયાદ દાખલ કરી હતી એ 2009ની બળાત્કારની ઘટના તો માત્ર શરૂઆત હતી. પછી મહેશને ટેવ પડી ગઈ હતી.
મહેશ પવાર નિર્દોષ મહિલાઓને વિશ્વાસમાં લેતો, પછી તેમને નશીલા પદાર્થો ખવડાવીને તેમની સાથે અશ્લીલ કૃત્યો કરતો અને વીડિયો ઉતારી લેતો. એ વીડિયોના સહારે તે મહિલાઓને બ્લેકમેઈલ કરતો. તે તેમને નગ્ન વીડિયો કોલ કરવા મજબૂર કરતો અને જો તેઓ ના પાડે તો વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી આપતો. આ ડરથી અનેક મહિલાઓએ તેને પોતાની મહેનતના લાખો રૂપિયા, સોનાના દાગીના અને મોંઘા મોબાઈલ ફોન આપી દીધા હતા.
ઇન્સ્પેક્ટર ગણેશ આવટે સામે સૌથી મોટો પડકાર પુરાવાઓનો હતો. 16 વર્ષ જૂની એ ઘટનાનો કોઈ મેડિકલ પુરાવો હવે શક્ય નહોતો, પણ સાઈન લેંગ્વેજ એક્સપર્ટ મધુ કૈનીની મદદથી પોલીસે એવી કડીઓ જોડી જે મહેશ પવારને જેલભેગો કરવા માટે પૂરતી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મહેશ પવારના અત્યાચારથી કંટાળીને એક મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. એ આત્મહત્યાના પ્રયાસે જ વર્ષોથી મૌન સેવીને બેઠેલી આ 34 વર્ષની પીડિતાને ફરિયાદ કરવાની હિંમત મળી હતી. પીડિતાએ સાઈન લેંગ્વેજ એક્સપર્ટ દ્વારા એ રાતની આખી કહાની કહી. તેણે જણાવ્યું કે કેવી રીતે તેને સમોસા અને ડ્રિંક આપીને બેભાન કરવામાં આવી હતી.
આ કેસમાં સૌથી મોટી વાત એ હતી કે, આ માણસે પીડિતાના મૌનનો ફાયદો ઉઠાવ્યો હતો. તેને એમ હતું કે આ મહિલાઓ તો બોલી અને સાંભળી શકતી નથી એટલે એ ક્યારેય પોલીસ સ્ટેશન જવાની હિંમત નહીં કરે. એટલે એ મૂકબધિર મહિલાઓને જ ટાર્ગેટ કરતો હતો, પણ એનો અંદાજ ખોટો પડ્યો. બહેરા અને મૂંગા હોય તો શું થઈ ગયું? લાગણીની ભાષા અને સંવેદનાના સૂર તો હતાં જ ને! એક મહિલા હિંમત કરીને પોલીસ સ્ટેશને ગઈ અને મહેશ પવારનો ભાંડો ફોડી નાખ્યો.
પોલીસ પાસે હવે ટેકનિકલ પુરાવા પણ હતા. મહેશના મોબાઈલમાંથી મળેલી ડિલીટ થયેલી ફાઈલો અને અન્ય પીડિત મહિલાઓનાં નિવેદનોએ તેની વરવી ઓળખ છતી કરી દીધી. પોલીસની પ્રાથમિક તપાસમાં 7 મહિલાઓ તો એવી હતી જેમના સજ્જડ પુરાવાઓ અને વીડિયો ક્લિપ્સ મહેશના મોબાઈલના ડેટામાંથી રિકવર થયા હતા. આ સાતેય મહિલાઓએ હિંમત કરીને પોલીસ સામે ઈશારામાં પોતાનાં નિવેદનો પણ નોંધાવ્યાં હતાં.
હજુ કેસ ન્યાયિક તપાસમાં છે, પણ આ કેસ બહેરા-મૂંગાની વેદના અને સંવેદનાનો ભારતનો એક અનોખો કેસ બની રહ્યો છે, જ્યાં મૂકબધિરની વાચા ઊઘડી, કાયદાએ સાંભળી અને આરોપી જેલમાં બંધ થયો.
Read Original Article →