ક્રાઇમ સિક્રેટ:પુરાવા છતાં જજે હત્યારાને સજા કેમ ન આપી?

Magazine6/3/2026, 12:35:00 AM
ક્રાઇમ સિક્રેટ:પુરાવા છતાં જજે હત્યારાને સજા કેમ ન આપી?
રાજ ભાસ્કર એરોડ્રામ કેસ-2 1958ની આ ઘટના. ઓડિશાના બાલેશ્વર જિલ્લાના એક ગામમાં અંગ્રેજોના જમાનાનું અવાવરું એરોડ્રામ હતું. કોલકાતાના વેપારી જગત બંધુ ચેટર્જી તેનો ભંગાર અને જમીન ખરીદવા ત્યાં આવ્યા, પણ સ્થાનિકોમાં ચર્ચા હતી કે એ એરોડ્રામ પર ભૂત થાય છે. આ વાતોની ખરાઈ માટે જગત બંધુ, તેમનો નોકર રામ બહાદુર, મિત્ર કૃષ્ણ ચંદ્ર અને સ્થાનિક ચંદ્ર માઝી રાત્રે એરોડ્રામ પર પહોંચ્યા. તેમને દૂર અંધકારમાં આછો પ્રકાશ અને હવામાં લહેરાતી સ્ત્રીઓ દેખાઈ. ભયભીત થયેલો રામ બહાદુર પોતાના માલિકને બચાવવા માટે દોડ્યો અને એ તરફ અંધાધૂંધ ખુકરી વીંઝવા લાગ્યો. ચીસાચીસ થતાં જ બધાએ ટોર્ચ ચાલુ કરીને અજવાળું કર્યું. જોયું તો ત્યાં સ્ત્રીઓ હતી, જેમાંથી એકનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થઈ હતી. પોલીસે રામ બહાદુરની ધરપકડ કરી. તેના પર આઈપીસીની કલમ 302 (હત્યા), 324 અને 326 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આ ચારેય લોકો જેને ભૂત કે ડાકણો સમજી બેઠાં હતાં, તે વાસ્તવમાં આદિવાસી માઝી જ્ઞાતિની મહિલાઓ હતી. એ રાત્રે તેઓ લાલટેન લઈને આછા પ્રકાશમાં મહુડાનાં ફૂલ વીણવા આવી હતી. પવનને કારણે તેમની સફેદ અને આછી સાડીઓ હવામાં લહેરાતી હતી, જેને કારણે રામ બહાદુરે તેમને ડાકણો સમજીને ખુકરીથી હુમલો કરી દીધો. ત્રણમાંથી ગંગા નામની મહિલાનું રામ બહાદુરના વારથી મોત થયું. બાકીની બે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હતી. કેસ બાલેશ્વરની સેશન્સ કોર્ટમાં પહોંચ્યો. સરકારી વકીલોએ ધારદાર દલીલો કરી, ‘આરોપી પાસે ટોર્ચ હતી. તેણે ટોર્ચ ચાલુ કરીને જોવાનું હતું, પણ તેણે એવું ન કર્યું અને અંધાધૂંધ હથિયાર વીંઝ્યું. આ તેની ગંભીર બેદરકારી અને ગુનાહિત માનસિકતા દર્શાવે છે. નિર્દોષ મહિલાનું મોત થયું છે, માટે તેને ફાંસી અથવા આજીવન કેદની સજા થવી જ જોઈએ.’ પરંતુ, સેશન્સ કોર્ટના જજ સાહેબે રામ બહાદુરની માનસિક સ્થિતિ, આસપાસના સંજોગો અને એ રાતની ભયાનકતાનો ઊંડો અભ્યાસ કર્યો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમણે રામ બહાદુરને નિર્દોષ છોડી મૂક્યો, પણ આ ચુકાદાએ કાયદાકીય જગતમાં ભૂકંપ લાવી દીધો. પોલીસ અને પીડિત પક્ષે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. આમ, આ મામલો ઓડિશા હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો અને ‘સ્ટેટ ઓફ ઓરિસ્સા વિરુદ્ધ રામ બહાદુર થાપા - 1960’ તરીકે પ્રખ્યાત થયો. ઓડિશા હાઈકોર્ટમાં જસ્ટિસ આર. નરસિંહમ સમક્ષ આ કેસ ચાલ્યો. બચાવ પક્ષના વકીલ પણ મેદાને પડ્યા. તેઓ કાયદાની એવી કલમ સામે લાવ્યા જે સાંભળીને સૌ ચોંકી ગયા. એ કલમ હતી: આઈપીસીની કલમ 79. એટલે કે ‘Mistake of Fact’ (તથ્યની ભૂલનો કાયદો). આ કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ એવું કોઈ કામ કરે જે તે સમયે તેને કાયદેસર રીતે યોગ્ય લાગતું હોય, અને તે કાર્ય તેણે તથ્યની ભૂલને કારણે કર્યું હોય, તો તે ગુનો બનતો નથી. શરત માત્ર એટલી જ કે તે કાર્ય સદભાવનાથી થયેલું હોવું જોઈએ. ત્યારબાદ જસ્ટિસ નરસિંહમે સદભાવના શબ્દનું ઊંડું વિશ્લેષણ શરૂ કર્યું. કાયદાની પરિભાષા મુજબ, સદભાવના એટલે જે કાર્ય પૂરી સાવધાની અને પૂરતા ધ્યાનથી કરવામાં આવ્યું હોય. હવે કોર્ટ સામે મોટો સવાલ એ હતો કે, શું રામ બહાદુરે પૂરતી સાવધાની રાખી હતી? જો રાખી હતી, તો તેણે ટોર્ચ કેમ ન સળગાવી? આ પ્રશ્નના જવાબ માટે વેપારી જગત બંધુની ફરીથી જુબાની લેવામાં આવી. તેમણે કોર્ટમાં જણાવ્યું: ‘એ સમયે વાતાવરણ ખૂબ ભયાનક હતું અને પવનના સુસવાટા વચ્ચે એ પ્રકાશ રહસ્યમય લાગતો હતો. આથી અમને બધાને—મને, કૃષ્ણ ચંદ્ર પાત્રને અને ચંદ્ર માઝીને પણ 100 ટકા ખાતરી થઈ ગઈ હતી કે એ ભૂત જ છે. મારો નોકર રામ બહાદુર તો માત્ર અમારી રક્ષા કરવા માટે જ દોડ્યો હતો.’ એ પછી કૃષ્ણ ચંદ્ર પાત્ર અને ચંદ્ર માઝીની પણ ફરી જુબાની લેવાઈ અને બંનેનો સૂર પણ આ જ હતો. કોર્ટમાં દલીલો થઈ, પુરાવાઓ રજૂ થયા અને બંને પક્ષોએ કાયદાકીય મુદ્દાઓ મૂક્યા. તમામ પાસાંઓની બારીકાઈથી તપાસ કરીને જસ્ટિસ નરસિંહમે ઐતિહાસિક ચુકાદો આપ્યો. ચુકાદો આપતાં પહેલાં તેમણે નોંધ્યું કે: ‘જ્યારે કોઈ વ્યક્તિ ભય અને લાગણીઓના ભારે દબાણ હેઠળ હોય છે, ત્યારે તેનું મગજ તાર્કિક રીતે વિચારવાનું બંધ કરી દે છે. રામ બહાદુર એ વિસ્તારમાં નવો હતો. તેને સતત એવી વાતોથી ડરાવવામાં આવ્યો હતો કે આ જગ્યાએ ભૂત રહે છે. જ્યારે તેણે પેલી લાલટેન જોઈ, ત્યારે તેના મગજે તેને માણસ તરીકે સ્વીકારવાને બદલે ભૂત તરીકે જ જોયું.’ ‘જગત બંધુ ચેટર્જી જેવા શિક્ષિત વેપારી અને અન્ય ભણેલા લોકો પણ તે સમયે ડરી ગયા હતા અને તેમણે પોતાના નોકરને રોક્યો નહોતો. એનો અર્થ એ છે કે પરિસ્થિતિ ખરેખર એવી હતી જેમાં કોઈ પણ સામાન્ય માણસ ભ્રમિત થઈ શકે. તેથી રામ બહાદુરનો ઈરાદો કોઈ સ્ત્રીની હત્યા કરવાનો નહોતો, પરંતુ ભૂત જેવી આફત સામે પોતાના માલિકનું રક્ષણ કરવાનો એટલે કે સદભાવનાનો હતો. તેણે ટોર્ચ ન સળગાવી એ તેની બેદરકારી નહોતી પણ તેનો દૃઢ વિશ્વાસ હતો કે સામે ભૂત જ છે. એટલે કે આ તથ્યની ભૂલ હતી અને એ ભૂલ તેને કાયદાકીય રક્ષણ પૂરું પાડે છે.’ આખરે ઓડિશા હાઈકોર્ટે ફાઈનલ ચુકાદો આપ્યો, ‘રામ બહાદુર થાપા તથ્યની ભૂલનો શિકાર બન્યો છે. આ કોર્ટ સેશન્સ કોર્ટના અગાઉના ચુકાદાને માન્ય રાખે છે અને રામ બહાદુરને તમામ આરોપોમાંથી સન્માનપૂર્વક મુક્ત કરે છે.’
Read Original Article →