રેઈનબો:રવીન્દ્રનાથ ટાગોર : અમર ગાન અને અતળ જ્ઞાન

Magazine5/6/2026, 12:35:00 AM
રેઈનબો:રવીન્દ્રનાથ ટાગોર : અમર ગાન અને અતળ જ્ઞાન
રક્ષા શુક્લ ર વીન્દ્રનાથ ટાગોરને ખરા બપોરે મળવા પહોંચેલા કાકા કાલેલકરે લખ્યું છે કે... શાંતિનિકેતનમાં ઉનાળાના દિવસો હતા. ખરે બપોરે કવિશ્રીને (રવીન્દ્રનાથ ટાગોરને) મળવા ગયો હતો. મેં એમને કહ્યું: ‘કઅવસરે આવીને આપને તકલીફ આપું છું.’ એમણે કહ્યું: ‘તમે પણ તકલીફ ઉઠાવી છે સ્તો.’ મેં કહ્યું: ‘ના, મને તો તડકો ગમે છે; હું તો એનો આનંદ લૂંટું છું.’ આ સાંભળતાં વેંત કવિશ્રી એકાએક પ્રસન્ન થયા અને કહે, ‘હેં, તમને પણ તડકામાં આનંદ આવે છે? હું તો ખૂબ તડકો હોય છે ત્યારે બારી આગળ આરામખુરશી નાખીને લૂમાં નાહું છું. મને એમાં ખૂબ જ આનંદ આવે છે. પણ હું તો માનતો હતો કે એવો શોખીન હું એકલો જ છું.’ ટાગોર માને છે કે પરમાત્મા મોટાં સામ્રાજ્યોથી વિમુખ થઈ શકે છે, પણ નાનાં-નાનાં પુષ્પોથી નહીં. કહેવાય છે કે ટાગોર ઈશ્વર પીધેલા કવિ છે. તેઓ કહે છે કે ‘દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા ખોઈ નથી.’ આમ પણ જેની સાથે ઈશ્વર છે તે માણસ બહુમતીમાં હોય છે. દુઃખ પણ જો ઈશ્વરના હસ્તાક્ષર સાથે આવે તો કવિને કબૂલ છે. ટાગોર કહે છે કે ઈશ્વરની ઉપાસના ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે નથી હોતી, પોતાની જાતને દાન કરવા માટેની હોય છે. સેવા, ક્ષમા, સંતોષ કે ભક્તિ દ્વારા પ્રેમ અને મંગલ ફેલાવી જાત ઓગાળવાની એ વાત છે. હે ઈશ્વર, તમારી વાણી તો સરળ છે પરંતુ જેઓ તમારા વિષે જણાવે છે તેઓની વાણી સરળ નથી હોતી. મૃત્યુ વિશેની એમની આ વાત કેટલી અદભુત છે... ‘Death is not extinguishing the light; it is only putting out the lamp because the dawn has come.’ રવીન્દ્રનાથ ટાગોરે ‘ગીતાંજલિ’ માટે 1913માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક મેળવ્યું. આ નોબેલ પારિતોષિક મેળવનારા તેઓ સૌપ્રથમ એશિયન હતા. ‘ગીતાંજલિ’ શબ્દ ગીત અને અંજલિ એમ બે શબ્દ મળીને બને છે, જેનો અર્થ છે - ગીતોનો ઉપહાર (ભેટ). જેમાં મોટેભાગે ભક્તિમય રચનાઓ સામેલ હતી. તેનો અનેક ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે. નગીનદાસ પારેખે ‘ગીતાંજલિ’નો સૌથી શ્રદ્ધેય ગણાતો એવો સુંદર અનુવાદ 1942માં કાકા કાલેલકરની પ્રસ્તાવના સાથે પ્રકાશિત કર્યો હતો. ગીતાંજલિમાં લખેલ કવિતાઓની સાથે સાથે ‘ગીતબિતાન’ની રચનાઓમાં પણ કવિવરે પરમાત્મા તરફનો તેમનો ઉત્કટ પ્રેમ સતત વહેતો મૂકેલ છે. ‘ગીતબિતાન’ એક બંગાળી શબ્દ છે જેનો અર્થ થાય છે ‘Garden of Songs’ અર્થાત ગીતોનું ઉપવન. આ એક એવું ઉપવન છે જે શબ્દોની સમૃદ્ધિથી મલકાય છે અને જેમાંથી સપ્તકના સાત સ્વરોની સૂરાવલિ રેલાય છે. ‘ગીતબિતાન’ એટલે વિશ્વકવિ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા રચાયેલી 2200થી વધુ રચનાઓનો અમૂલ્ય સંગ્રહ. જેમાંની 700થી વધુ રચનાઓનું સ્વરાંકન પણ ગુરુદેવે કરેલ છે અને આ ગીતો થકી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની જે આખી શૈલી અસ્તિત્વમાં આવી તે રવીન્દ્રસંગીત. જયંત મેઘાણીએ રવીન્દ્રનાથના અનુવાદ કરેલા મૌક્તિકો ‘તણખલાં’ અને ‘સપ્તપર્ણી‘ રૂપે આપણી સામે આવે છે, જે વાંચતા આપણે રવીન્દ્રવાણીથી તર-બ-તર થઈએ છીએ. ઈશ્વરની કૃપાનું અવિનાશી ગાન અને મૌન પ્રકૃતિનો મહિમા કરતી અઢળક ‘કબિતિકાઓ’ ભાવકને સર્જનહાર પ્રત્યે અહોભાવથી નતમસ્તક બનાવે છે. 1899માં ટાગોરની લઘુ પદ્યરચનાઓનો સંગ્રહ ‘કનિકા’નું પ્રકાશન થયું. વિશિષ્ટ એવી પાંચ-સાત પંક્તિની એ કાવ્યકણિકાઓને કવિવરે પ્રીતિપૂર્વક ‘કબિતિકા’ નામ આપેલું. કવિનો વસુંધરાપ્રેમ એમના આ નાના પદ્યોમાં ફોરે છે. ઈશ્વર અને પ્રેમ ઉપરાંત તૃણ, પર્ણો, વાદળ, વૃક્ષો, આકાશ, તારા, ઝરણા કે પહાડો કશું જ એનાથી દૂર નથી. એ કહે છે કે ‘સવાર રોજ પ્રગટ થાય છે એટલે એમાં માણસને આનંદ નથી આવતો. સવાર ટેવ બની જાય છે. આપણી નજરમાં એ જીર્ણ થઈ ગઈ છે. પ્રભાત ફિક્કું લાગે છે. હંમેશાં સામે રહેતી પૃથ્વી જૂની લાગે છે. આપણાં મનની આવી તુચ્છતા બધું જ તુચ્છ બનાવી દે છે. આથી જો ભીતરની ચેતના જાગૃત હશે તો દરેક સવાર નવશક્તિ લઈને આવશે. નાનકડી કેડીના કિનારે ઊગેલું ટચૂકડું ફૂલ પણ વિસ્મય સાથે પ્રસન્નતા આપી જશે.’ તેઓ કવિ સાથે વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નવલકથાકાર, સમાજ સુધારક, નેશનાલિસ્ટ, બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર 19મી અને 20મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે. તેમના લખેલાં અનેક ગીતોમાંથી બે ગીતો - ‘આમાર શોનાર બાંગ્લા’ અને ‘જન ગણ મન’, જે અનુક્રમે બાંગ્લાદેશ અને ભારત દેશનાં રાષ્ટ્રગાન બન્યાં છે. તેમની કૃતિઓ કોઇ કાર્ય પર નહીં, પરંતુ લાગણી પર આધારિત હતી. તેમણે નવલકથાઓ, નિબંધો, ટૂંકી વાર્તાઓ, પ્રવાસ વર્ણનો, નાટકો અને હજારો ગીતો લખ્યાં છે. 1915માં ટાગોરને બ્રિટન સરકાર દ્વારા નાઈટનો ખિતાબ આપવામાં આવ્યો હતો. પરંતુ 1919માં જલિયાંવાલા બાગ હત્યાકાંડ મામલે તેમણે આ ખિતાબ પરત કરી દીધો હતો. 60 વર્ષની ઉંમરે ટાગોરે પેઇન્ટિંગનું કામ શરૂ કર્યું હતું, જેનાં યુરોપભરમાં પ્રદર્શનો યોજાયાં હતાં. રવીન્દ્રસંગીત બંગાળી સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. બંગાળમાં ગામડાંનાં અભણ લોકો પણ ટાગોરનાં ગીતો ગાય છે. પાનના ગલ્લે પણ રવીન્દ્રનાથનો ફોટો જોવા મળે. ઈતિ હે પ્રભુ! હું મારા શત્રુઓથી સાવધ રહી શકું છું પણ મારા મિત્રોથી મને બચાવ. - મેકિયાવેલી (ફ્લોરેન્ટાઈન રાજકીય ચિંતક)
Read Original Article →