નીલે ગગન કે તલે:રોબિ ઠાકુર
રા. રા. શ્રી કનુભાઈ સૂચક તથા શ્રીમતી સૂચક દર ગુરુવારે સાહિત્ય સંસાદ નામે એક લવલી સંસ્થા ચલેવે છે જેમાં દર ગુરુવારે એમના નિવાસસ્થાને પચીસત્રીસ જણ સામે સાહિત્યને લગતી કશીક ગતિવિધિ કરે છે. આ ગુરુવારે રા. રા. શ્રી પ્રબોધ પરીખ રબીન્દ્રનાથ ઠાકુર વિશે સંસદને માહિતગાર કરવાના હતા કેમકે 7મી મે રોબિ ઠાકુરનો જન્મદિવસ છે. કલકત્તા અને પશ્ચિમ બંગાળ હાલ ગરમાગરમ છે, ઝાલમુડિ અને ડબલ ઝાલ ચૂંટણી સમાચારથી ફોન જાણે ધગી ઊઠ્યો છે. પરીખ સાહેબ કશાક કારણસર દિલ્હી ગયેલા ને થાકીને આવ્યા હતા એટલે એમણે 7મી મેના રોજ રોબિ ઠાકુર વિશે બોલવા મુદ્દત માગી અને અમારો નંબર લાગી ગયો રા. રા. શ્રી કનુભાઈ સૂચકના ડેરા ઉપર રોબિ ઠાકુર નહીં તો મોધુ ઠાકર.
અમે 18 વરસના હતા ત્યારે કલકત્તાના શ્યામબાજાર એરિયામાં મિનાર સિનેમામાં દસ આનાની લાઇન લગાડીને રોબિ ઠાકુરની વાર્તા દેબીની સત્યજિત રાયે ઉતારેલી ફિલ્મ જોવા ગયેલા, ને આહ! આંખો ફાડીને છબિ બિશ્વાસના મગજને મુઠ્ઠીમુઠ્ઠી ઉન્માદ તરફ વકરતા જતું જોવું તે આ જન્મારાનો એક અદ્વિતીય લહાવો હતો. છબિ બિશ્વાસ સેન્ટિનલ નામે એક અંગ્રેજી અખબાર બહાર પાડનાર શ્રીમંત છે, એમના પુત્ર છે, એક સૌમિત્ર ચેટરજી અને પુત્રવધૂ છે શર્મિલા ટાગોર. અને ડાયરેક્ટર સત્યજિત!
છબિબાબુને ભ્રમ થાય છે કે એમની પુત્રવધૂ સાચેસાચ કોઈ દેવી છે! અને ધીરેધીરે ફળને કોતરતા જતા કીડાની જેમ એ ફિલ્મ અઢાર વરસનાનું કે એંસી વરસનાનું મગજ ફેરવી દે એવી અદભુત મોધુ ઠાકરે ત્રણ વાર જોઈ ને હજી એના અંગત અલબમમાં તે ટોપના ટોપ ઉપર છે, દેબી! તે પછી પણ સત્યજિતે ઠાકુરની બીજી કથાઓ ઉપરથી ફિલ્મો બનાવી છે પણ ફિલ્મકલા સાથે વસ્લની રાત જેવી આ મૂવી હજી રોંગટાં ખડા કરી દે છે.
જ્યારે જ્યારે રબીન્દ્રનાથ ઠાકુરની વાત નીકળે ત્યારે ત્યારે અમે તડૂકીએ છીએ કે રબીન્દ્રનાથ ઠાકુર છે, ઠાકુર! એમને Thakur સ્પેલિંગ મંજૂર નહોતો, અંગ્રેજો પોતાનું નામ બરાબર બોલે તે માટે એમણે પોતાની અટકનો અલગ સ્પેલિંગ બનાવેલો Tagore. પછીથી શર્મિલાએ પણ તે જ સ્પેલિંગ અપનાવી લીધો અને તેવણ શર્મિલા ટાગોર કહેવાયાં પણ બંગાળીઓ ક્યાંય કોઈ રબીન્દ્રનાથને ટાગોર કહેતા નથી કે લખતા નથી કે બોલતા નથી!
ટાગોર સાહેબ બાબત એક બીજી વાત અમને અવારનવાર ઝબકે છે કે રવિબાબુના ભાઈ સત્યેન્દ્રનાથ ઠાકુર તે સમયે ઇન્ડિયન સિવિલ સર્વિસમાં ઉત્તીર્ણ થનાર પ્રરથમ ભારતીય હતા ને અમદાવાદમાં ન્યાયાધીશની ફરજ બજાવતા હતા. સત્તર વર્ષની ઉંમરે રબીન્દ્રનાથ એમને ત્યાં રહેવા અમદાવાદ આવેલા અને શાહીબાગમાં મોતીશાહી મહલમાં બેસીને રબિબાબુએ 17 વરસે કથા લખેલી ક્ષુધિત પાષાણ Hungry Stones. હાલ તે સ્થળને સરદાર વલ્લભભાઈના સ્મારક તરીકે પ્રદર્શિત કરાય છે.
એકવાર મુંબઈના અવિનાશ પારેખેની કોફીમેટ્સે સંસ્થામાં શાંતિનિકેતનના છાત્ર અમૃતલાલ વેગડ વ્યાખ્યાન આપવા આવેલા ત્યારે અમે એમની પાસેથી જાણ્યું કે એક સમયે શાંતિનિકેતન નિરામિષ ભોજન જ આપતું. બેંગલોરના નાટકકાર વિજય પદકીએ મહાત્માજી અને રબીન્દ્રનાથ વચ્ચે થયેલા પત્રવહેવારનું એક નાટક બનાવેલું અને તેને ભારતભરમાં ખરો જ પણ બંગલાદેશમાં પણ પુષ્કળ જયજયકાર મળેલો.
તેમાં બંને મહાપુરુષોના વિચારોના ભેદભાવનું અફલાતૂન મંચન થયું છે. તેમની પાસેથી જણ્યું કે મોહમ્મદ અલી ઝીણાનો ભારત પ્રત્યેનો ધિક્કાર એટલો તીવ્ર હતો કે એમણે બંગલાદેશમાં યાને એ સમયના પૂર્વ પાકિસ્તાનમાં બંગાળી સાહિત્ય, બંગાળી લિપિ સમસ્ત ઉર્દૂમાં બદલાવી નાખવાનો હુકમ કરેલો પરંતુ ગર્વિષ્ઠ બંગાળીઓએ તે વાત બિલકુલ સ્વીકારી નહીં! હાલમાં ફરી બાંગલાદેશમાં ભારત વિરુદ્ધ ફિટકારનું મોજું આવ્યું હતું ત્યારે બંગલાદેશના રાષ્ટ્રગીતને બદલાવવાની વાત આવેલી કેમકે તે ગીત રચેલું છે રબીન્દ્રનાથે!
સન 1905માં બંગાળના બે ટુકડા કરવા બ્રિટશ વાઇસરોય કર્ઝને નીતિ અપનાવેલી તે સમયે તેના વિરોધમાં અને બંધુભાવના જ્ગ્રત રાખવા રબિબાબુએ આ ગીત લખેલું, આમારા સોનાર બાંગલા! અને 1971માં જ્યારે પૂર્વ બંગાલ અઝાદ થયું અને બાંગલાદેશ બન્યું ત્યારે તે ગીતની પહેલી દસ લીટીઓ ત્યાંના રાષ્ટ્રગીત તરીકે અપનાવાઈ. જેમ ભારત આઝાદ થયા બાદ આપણું રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક તે દીર્ઘ કાવ્યની પહેલી કડી બનેલું આપણું પણ રાષ્ટ્રગીત. હાલ જ જાણ્યું કે શ્રીલંકાના રાષ્ટ્રગીતના રચયિતા હતા આનંદ સમારકુન શાંતિનિકેતનમાં રબીન્દ્રનાથના હાથ નીચે સંગીત ભણેલા અને શ્રીલંકાના રાષ્ટ્રગીત શ્રીલંકા માથાની રચના અને યાનમાં રબીન્દ્ર સંગીતની ઘેરી અસર દેખાય છે!
રબીન્દ્રનાથ કવિ હતા, કથાકાર હતા, સંગીતના એવા માંધાતા હતા કે એમનાં ગીતો અને એમના સંગીતનો આખો એક વિભાગ ખૂલી જાય છે!
કિંતુ જાણો છો ભલાભાઈ, કે રબીન્દ્રનાથ લાલ કે લીલો રંગ જોઈ શકતા નહોતા? તેને રતાંધળા તો ન કહેવાય પણ એમની આંખ આ બે રંગ જો શકતી નહીં અને તે કારણે એમનાં ચિત્રોમાં એક અજબ ઉત્પાત કે અજંપો દેખાય છે!
આમ પ્રબોધ પરીખની ક્લાન્તિથી આ સાતમી મેનો અવસર અમારા ખોળામાં આવી પડ્યો તે કેવી અદભુત વાત! કનુભાઈ કનુભાઈ, તમારાં આમંત્રણોમાં કનુભાઈ સૂચકનું નિવાસસ્થાન લખો છો તે તો ઓકે છે, પણ કદીક કનુભાઈ અને સુશીલાબેનનું નિવાસસ્થાન બી લખો તો? જય દેબી!
Read Original Article →