ઓફબીટ:પ્રેમ : બે હૃદયનું એકાંત અને વગડાનો ‘અલગારી’ વૈભવ
ક રવું પડે એ કામ... પ્રેમ નહીં! પ્રેમ સહજ હોય. જેમને કરીએ છીએ એમને કહેવાનો ભાર પણ ન હોય. કબૂલાતમાં ક્યારેક ગૂંચવાઈ જાય પ્રેમ! પ્રેમ ન હોત તો? રમેશ પારેખ કહે છે...
ન હોત પ્રેમ તો શું થાત છાલ જડી હોત,
હું હોત વૃક્ષ ને હે દોસ્ત તું કુહાડી હોત!
પ્રેમ છાલને ઓગાળે ને વ્હાલ ઉપસાવે. પ્રેમ ન કરનારો શ્વાસ જ લેતો નથી. પ્રેમ એટલે લાગણી વ્યક્ત કરવાની અવસ્થા. ગુસ્સાને પણ પ્રેમ કરનારા જીવે જ છે. કંટાળાને પ્રેમ કરનારાની કોઈ ખોટ નથી. જેમને દુનિયામાં કશું જ ગમતું નથી એવાં પણ ‘કશું જ ગમતું નથી’ - એ તબક્કાને પ્રેમ કરે જ છે. પ્રેમને કોઈના ટેકાની જરૂર નથી.
જવાબદારી પ્રેમનું કશું જ બગાડી શકતી નથી. ચિંતા વગર વર્તમાનમાં ઊજવવાની સરળતા પ્રેમનું જમા પાસું છે. જીવ કરતાં પણ કોઈ વ્યક્તિ વધારે ગમે એમાં બધાં જ વેદ, ઉપનિષદ અને પુરાણનો સારાંશ છે. પ્રેમ સ્થિર કરે છે. સ્થિર કરીને ગતિ કરે છે. બે હૃદયનો વિસ્તાર નથી પ્રેમ! બે હૃદયને એક કરીને જીવનના રસ્તાને ટૂંકો કરે છે. હૃદય એકાગ્ર બને છે પ્રેમમાં. મરીઝ સાહેબ કહે છે...
દુનિયાને પ્રેમ કરવા મેં લીધો હતો જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.
વધારે ગમવાનું ત્યારે જ બને છે જ્યારે બધાંને ગમવાનું સાર્થક થાય છે. પ્રેમ નવી વ્યાખ્યાઓને આંબે છે. ચોખવટ વગરનો વટ છે. વાણી વગરનો તટ છે. સતત હાજરી પુરાવીને પ્રેમને ગૂંગળાવી નાંખવા કરતાં એને પોતાનામાં જ રોપીને વગડાનો વૈભવ આપવા જેવી ખુમારી છે, પ્રેમમાં! એના એ જ જીવનમાં જે રોજ નવો લાગે છે એ પ્રેમ આપણને જૂના થોડા થવા દે! વિયોગ અને મિલન તો આપણી ધારણાઓનો ખેલ છે.
પ્રેમને મિલનની જ પડી છે. વિરહમાં આવતી યાદ મિલન કરતાં વધુ બળુકી લાગે ત્યારે પ્રેમ હિમાલયની ટોચ પર વિહાર કરે છે. આંખોથી નિદાન કરે તે પ્રેમ! પ્રેમી દૂર જીવતાં જ નથી. Distance પ્રેમી પાસે હોતું જ નથી. પ્રેમના વિચારોને પાંખોનું બળ પણ નથી જોઈતું! ક્યાંય ન પહોંચવા છતાં બધે જ વર્તાય એવી લાગણી બે માણસોની આગવી દુનિયા બને છે. બહુરૂપીયા સંબંધો હોય પ્રેમ તો પોતાની પણ બાદબાકી કરીને જાતને ઉપસાવે! દિલેર બાબુનો યાદગાર શેર છે…
એથી જ રંગ રંગથી સઘળું ભર્યું હતું,
આંખો પતંગિયાએ ઘર કર્યું હતું.
પતંગિયાને આંખોમાં ઘર જેવું લાગે ત્યારે ગમતી વ્યક્તિનો ગુલાલ હૃદયમાં ઉડતો હોય. વાત વગર વાતો કરવાનું મન થાય, જેને મળીને વધુ આવેગ સાથે જીવવાનું મન થાય, સવાર પડે એ પહેલાં જ ગુડ મોર્નિંગનો મેસેજ થઈ જાય, જેના સ્ટેટસમાં આપણે પણ હોઇએ એવો ગુંજારવ રાત્રે આવેલા સપનામાં સંભળાતો થાય, locationથી દૂર હોય પણ લાગણીથી છૂટા પડી ન શકાય એટલા ઘનિષ્ઠ હોઇએ, પ્રેમ નોકરી કે ચાકરીમાં નથી માનતો! એમાં સાથે હોવા છતાં અલગારી લાગવાની શરૂઆત થાય છે.
પ્રેમ જૂના થતા બચાવે. રૂટિનને રંગીન બનાવે. બે વ્યક્તિના એકાંતને આકાશની જેમ ઉગાડે. બે વ્યક્તિઓનું આવું સંવાદ કાવ્ય રચ્યું છે, જેમાં એકરસ થયેલી જિંદગીની ચહલપહલનો રોમાંચ છે. જેની સાથે જીવીએ છીએ એ વ્યક્તિ હાજર હોય કે ન હોય એની દૂરતા ન અનુભવાતી હોય એમને મોકલવા જેવું છે.
તું જ તું જ મારા શ્વાસશ્વાસમાં,
તું જ તું જ મારી આસપાસમાં.
તું જ પ્રેમ છે, તું જ વ્હાલ છે,
તું અબીલ ને તું ગુલાલ છે.
જોયા પછી તને, લાગ્યું એવું મને,
મારે જીવવું તારી સાથે... તારી સાથે...
ચુપકીદી પણ ગમવા લાગે,
ઘર આખું થનગનવા લાગે.
સ્મિત અજાણ્યું મળવા આવે, ઓળખ પાકી કરવા લાગે.
ચમક આંખમાં ઊગવા લાગે,
સપનાં જેવી દુનિયા જાગે.
સૂર મળ્યો છે એક જ રાગે, ઢોલ અને શરણાઈ વાગે.
પળ પળ અને વરસ,
રાત અને દિવસ,
સુખ, દુ:ખ તારી સંગાથે... તારી સાથે...
તારી સાથે લાગું પ્યારી,
અલગ નથી પણ હું અલગારી.
જોને આવીને અણધારી, ખુશ્બુએ પોતે શણગારી.
તું જ ગમે છે, તું જ રમે છે,
બધું અહીં તારી શરમે છે.
તું જ કૂણા તડકાની ભાષા, તું જ છે મારી જીવન આશા.
તું છે મારો સમય, સોંપી દીધું હૃદય,
ઋણ રહેશે મારા માથે... તારી સાથે... ઑન ધ બીટ્સ
‘યાદ છે એટલું જોકે પાડેલી એક બૂમ મેં,
એનો જ જોઉં છું સામે, પ્રભાવ આમ વિસ્તર્યો!’
- ચંદ્રકાન્ત ટોપીવાળા
Read Original Article →