ક્રાઇમ સિક્રેટ:પ્રથમ મિસ ઈન્ડિયાની ધરપકડ!
રાજ ભાસ્કર પ્રમિલા કેસ - 1 એ ક વખતની વાત છે. પ્રમિલા પાકિસ્તાનથી ભારત આવી. મુંબઈ એરપોર્ટ પર ઉતરી. ટેક્સી કરીને ઘરે આવી. દીકરી નક્કી, દીકરો હૈદર અને બીજાં ત્રણેય સંતાનો મમ્મીને જોઈને રાજી થઈ ગયાં. દીકરીએ પાણીનો ગ્લાસ આપ્યો, પણ પ્રમિલા પાણી પીએ એ પહેલાં જ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અંદર દોડી આવ્યો. ઘુરકિયા કરતો પ્રમિલાની ફરતે ઊભો રહી ગયો.
આ કહાની છે એસ્થર વિક્ટોરિયા અબ્રાહમની. તેનો જન્મ 16મી ડિસેમ્બર-1916ના રોજ કોલકતામાં થયો હતો. પિતા યહૂદી અને માતા મુસલમાન. મમ્મી મૂળ પાકિસ્તાનનાં કરાંચીનાં. એસ્થરને નાનપણથી જ ગીત, સંગીત અને ફિલ્મોનો શોખ પણ પરિવાર અત્યંત રૂઢીવાદી એટલે એને દબાવવામાં આવી. આથી 17 વર્ષની વયે એ ઘરેથી ભાગી નીકળી અને મુંબઈમાં એની કઝીનના ઘરે રહેવા લાગી. માતા-પિતા લેવા આવ્યાં, પણ પાછી ના ગઈ.
મુંબઈમાં રહીને એસ્થર ભણી. સંઘર્ષ બાદ એને પોતાના શોખનું કામ મળી ગયું. બોમ્બેના પારસી ટ્રાવેલિંગ થિયેટર ગ્રૂપ સાથે એ એન્ટરટેઈન ડાન્સર તરીકે જોડાઈ ગઈ. એ જમાનામાં સિનેમા હોલમાં પ્રોજેક્ટરની રીલો બદલવામાં આવતી અને એમાં લગભગ 15 મિનિટનો સમય લાગતો. આ બ્રેક દરમિયાન એ દર્શકોને ડાન્સથી એન્ટરટેઈન કરતી હતી. તેણે કેમ્બ્રિજ યુનિવસર્ટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. એક વખત એસ્થર મુંબઈના દરિયાકિનારે એની ફ્રેન્ડ સાથે ફરી રહી હતી ત્યારે બોલિવૂડના એક ફિલ્મ ડિરેક્ટરની નજર એના પર પડી. તેમણે એસ્થરને પોતાની ફિલ્મની હિરોઈન બનવાની ઓફર કરી, પણ એ ફિલ્મ કદી રિલીઝ જ ના થઈ. થોડા જ સમય પછી એને ખ્યાતનામ ડિરેક્ટર અર્દેશર ઈરાનીએ પાંચ ફિલ્મો આપી અને એને હિન્દુ નામ ‘પ્રમિલા’ આપ્યું. આમ બોલિવૂડમાં નવી હિરોઈન પ્રમિલાનો જન્મ થયો. એની પહેલી જ ફિલ્મ આવી ‘ભિખારન.’ આ ફિલ્મે રીતસર ટંકશાળ પાડી દીધી. એ પછી ફિલ્મોની રફતાર ચાલી. ‘મહામાયા’, ‘હમારી બિટિયા’,‘બીજલી’, ‘હુકુમ કા એક્કા’ વગેરે ફિલ્મો એક પછી એક સુપરહિટ રહી.
વર્ષ 1939માં પ્રમિલા તેમના કો-સ્ટાર કુમારના પ્રેમમાં પડી. કુમારનું અસલી નામ સૈયદ હસન અલી જૈદી હતું. એમના એક વખત લગ્ન થઈ ચૂક્યા હતા અને બીવી-બચ્ચા લખનૌમાં રહેતાં હતાં. છતાં પ્રમિલાએ તેમની સાથે લગ્ન કરી લીધાં. સમય જતાં કુમાર સાથે મળીને પ્રમિલાએ પોતાનું પ્રોડક્શન હાઉસ ઊભું કર્યું અને 16 જેટલી સુપરહિટ ફિલ્મો પણ આપી. સૈયદ અલી સાથેના લગ્નજીવનથી તેને ચાર સંતાનો પણ થયાં.
સમય વહી ગયો. દેશ હવે આઝાદ થઈ ગયો હતો. 1947ના અંતિમ મહિનામાં આઝાદ ભારતની ભૂમિ પર પહેલીવાર મિસ ઈન્ડિયા સ્પર્ધાનું આયોજન થયું. પ્રમિલાએ તેમાં ભાગ લીધો અને 31 વર્ષની પ્રેગ્નન્ટ, પાંચમા બાળકની મા બનનારી પ્રમિલા આઝાદ ભારતની પહેલી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી ગઈ.
સફળતાની દોડમાં દોઢ દાયકો બીજો વીતી ગયો. 1962નું વર્ષ આવ્યું. બસ ત્યારથી પ્રમિલાનો ખરાબ સમય શરૂ થયો. શરૂઆત થઈ લગ્નજીવનના ભંગાણથી. એકચ્યુલી ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી જ પ્રમિલાના પતિ સૈયદ હસનની ઈચ્છા પાકિસ્તાન જવાની હતી પણ તેઓ જઈ નહોતા શક્યા, પણ હવે તેઓ અહીં રહેવા નહોતા ઈચ્છતા. આથી તેઓ પોતાની પહેલી પત્ની અને બાળકોને લઈને 1962માં પાકિસ્તાન ચાલ્યા ગયા.
પ્રમિલા દુ:ખી હૃદયે એ પાંચ બાળકો સાથે મુંબઈ જ રહી ગઈ. એ વખતે ભારત-પાકિસ્તાન વચ્ચે અવરજવર ઘણી સરળ હતી. અત્યારે જેમ વિઝા વગેરેના નિયમો કડક નહોતા. પ્રમિલાનું મોસાળ પાકિસ્તાનનું કરાંચી હતું અને વળી ભારતની ફિલ્મો પણ પાકિસ્તાનમાં રજૂ થતી હતી. આથી પ્રમિલા વારંવાર પાકિસ્તાન અવરજવર કરતી હતી.
એક વખતની વાત છે. પ્રમિલા પાકિસ્તાનથી ભારત આવી. મુંબઈ એરપોર્ટ પર ઉતરી. ટેક્સી કરીને ઘરે આવી. દીકરી નક્કી, દીકરો હૈદર અને બીજાં ત્રણેય સંતાનો મમ્મીને જોઈને રાજી થઈ ગયાં. દીકરીએ પાણીનો ગ્લાસ આપ્યો, પણ પ્રમિલા પાણી પીએ એ પહેલાં જ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો અંદર દોડી આવ્યો. ઘુરકિયા કરતો પ્રમિલાની ફરતે ઊભો રહી ગયો. ‘મિસ, ઈન્ડિયા.... યૂ આર અંડર એરેસ્ટ!’
પ્રમિલાનું હૃદય ધબકારો ચૂકી ગયું, ‘વ્હોટ....! ફોર વ્હોટ?’
‘મેડમ.... તમારી સામે ભારત દેશ વિરુદ્ધ પાકિસ્તાન જઈને જાસૂસી કરવાનો આરોપ છે.’ બોલીને અધિકારીએ લેડી ઈન્સ્પેક્ટરને ઈશારો કર્યો. તેમણે પ્રમિલાને હાથકડી પહેરાવી. બીજા દિવસે આખા દેશનાં અખબારોમાં સમાચાર પ્રગટ થયા કે, બોલિવૂડની મશહૂર અભિનેત્રી અને આઝાદ ભારતની પહેલી મિસ ઈન્ડિયાની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ!’ સત્ય શું હતું? શું પ્રમિલા ખરેખર જાસૂસી કરતી હતી કે પછી રહસ્ય કંઈક બીજું જ હતું. એ હૃદયદ્રાવક કહાની આવતા બુધવારે.
Read Original Article →