આજ-કાલ:પોર્ટુગીઝોની ભૂલે બદલ્યો ભારતનો ઈતિહાસ
અમેરિકા અને ઇરાનના યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની એકદમ લાઇમલાઇટમાં આવી ગઈ. આ દરિયાઈ માર્ગ હાલ દુનિયાનો ઇતિહાસ અને ભૂગોળ બદલવા સક્ષમ છે. સદીઓ અગાઉની એક આવી જ દરિયાઈ ઘટના ન બની હોત તો આજે ભારતનો ઇતિહાસ ઘણો અલગ હોત.
ઇતિહાસને કારણે ભારત-પોર્ટુગલ સદીઓથી જોડાયેલા છે. 1961માં પોર્ટુગીઝોથી ગોવાની મુક્તિ બાદ ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો હતો. આથી 1965ના યુદ્ધ વખતે ભારતના વિરોધમાં પોર્ટુગલે પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. હવે સંજોગો બદલાતાં પોર્ટુગલ ભારતની સાથે છે. અત્યારે તે સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં ભારતને કાયમી સભ્યપદ આપવાની તરફેણમાં પણ છે.
આ સંબંધોની પૃષ્ઠભૂમિમાં એક નોંધપાત્ર ઘટના બની હતી વર્ષ 1613ની 13 સપ્ટેમ્બરે. અરબી સમુદ્રમાં સુરત પાસે ‘રહીમી’ નામના વિશાળ જહાજ પર પોર્ટુગીઝોએ કબજો જમાવી લીધો હતો. 1,000થી 1,500 ટનથી વધુ ક્ષમતા ધરાવતું આ વાહન પોતાના સમયમાં અરબી સમુદ્રનું સૌથી મોટું જહાજ હતું. તેને 44 ગજ ઊંચો વિશાળ મસ્તૂલ (કૂવાસ્તંભ) હતો, સાથે જ દોઢ હજાર જેટલા મુસાફરોને સમાવવાની ક્ષમતા હતી. તે વેપારી માલવાહક જહાજ ઉપરાંત યાત્રા જહાજ પણ હતું. યાત્રા જહાજ એટલા માટે કે તે દર વર્ષે છસો-સાતસો મુસ્લિમોને મક્કા લઈ જતું હતું. સાથે અત્યંત કિંમતી વેપારી માલ અને ખજાનો પણ વહન કરતું હતું. આ જહાજની માલિકી હરખાબાઈ ઉર્ફે મહારાણી મરિયમ-ઉઝ-ઝમાનીની હતી. તેમની પાસે ગળી, મસાલા અને કાપડની નિકાસ કરતું વિશાળ વ્યક્તિગત આંતરરાષ્ટ્રીય વેપાર સામ્રાજ્ય હતું.
આ જહાજની જપ્તીનાં અણધાર્યાં પરિણામો આવ્યાં. એ વિગતોમાં ડૂબકી મારતાં પહેલાં એ સમજીએ કે પોર્ટુગીઝોએ આવું ગંભીર પગલું કેમ ભર્યું? આના જવાબ માટે ભારત અને પોર્ટુગલના સંબંધોની ગલીમાં એક લટાર મારવી પડે. પંદરમી સદીમાં વાસ્કો દ ગામાના આગમનથી હિંદુસ્તાન પર પોર્ટુગીઝ શાસનનાં બીજ રોપાયાં. કહેવાય છે ને કે ‘ભાઈચારાનો સંબંધ’- એ લોકો ભાઈ અને આપણે ચારો! સોને કી ચીડિયા જેવી આ ભૂમિને લૂંટવામાં વલંદા (ડચ), મોગલો અને અંગ્રેજોની ય પહેલાં પોર્ટુગીઝો મેદાને હતા.
સમયાંતરે ભારતીય મહાસાગર અને અરબી સમુદ્રમાં સમુદ્રી પ્રભુત્વ સ્થાપ્યા પછી પોર્ટુગીઝોએ 1502માં વેપાર પર એકાધિકાર જમાવવા માટે ‘કાર્તાઝ’ પરવાના પ્રણાલી શરૂ કરી. કાર્તાઝ (Cartaz) એટલે પોર્ટુગીઝો દ્વારા હિંદ મહાસાગરમાં વેપાર કરતા વહાણો માટે ફરજિયાત બનાવવામાં આવેલું લાયસન્સ. આનો મુખ્ય ઉદ્દેશ્ય પોર્ટુગીઝ સામ્રાજ્યના દરિયાઈ વેપાર પર નિયંત્રણ મેળવવાનો અને જકાત વસૂલવાનો હતો.
સાદા શબ્દોમાં કહીએ તો આ એક પ્રકારની ‘હફ્તા વસૂલી’ હતી. કાર્તાઝ વિના મુસાફરી કરતા કોઈપણ વહાણને પોર્ટુગીઝો લૂંટી લેતા કે ડૂબાડી દેતા. પરવાનો મેળવ્યા બાદ વહાણોએ ચોક્કસ માર્ગો પર જ મુસાફરી કરવી પડતી, પોર્ટુગીઝ બંદરો પર જકાત ભરવી પડતી અને મરી-મસાલા જેવી પ્રતિબંધિત વસ્તુઓનો વેપાર કરવાની મનાઈ હતી. કાર્તાઝ ખરીદી લીધા બાદ પણ વેપારી વહાણોએ રક્ષણ માટે પોર્ટુગીઝ કાફલા સાથે જ મુસાફરી કરવી પડતી હતી. ઘણીવાર તો ‘કાર્તાઝ’ હોવું પણ પોર્ટુગીઝોથી બચવાની સો ટકા ગેરંટી નહોતું.
એક સમયે તેઓ ગોવા જીતી ચૂક્યા હતા અને સમગ્ર ભારતમાં કેટલાક નાના દરિયાઈ વિસ્તારો પર નિયંત્રણ ધરાવતા હતા. તેમનો મોટાભાગનો વેપાર ગુજરાતના મહાન બંદર સુરતથી થતો હતો. પરંતુ અહીં જ તેમણે એક ભયંકર ભૂલ કરી. ‘રહીમી’ જહાજ પાસે કાયદેસર જરૂરી કાર્તાઝ હોવા છતાં, પોર્ટુગીઝોએ અચાનક હુમલો કરીને તેને કબજે કર્યું, માલ લૂંટી લીધો, જહાજ હાઇજેક કર્યું અને યાત્રાળુઓ તથા ખલાસીઓને કેદી બનાવી ગોવા લઈ ગયા.
પોર્ટુગીઝો માત્ર ધાર્મિક કટ્ટરતાથી જ નહીં, પરંતુ ભારતમાં અંગ્રેજોના આગમન અને મુગલો સાથે તેમના સંભવિત ગઠબંધનથી ભયભીત હતા. રહીમીને બંધક બનાવીને કદાચ તેઓ વધુ વેપારી છૂટછાટો મેળવવા અને મુગલોને અંગ્રેજો સાથેના સંપર્ક તથા વેપારથી દૂર રાખવા માંગતા હતા. પરંતુ આ દાવ સદંતર ઊલટો પડ્યો, અને તે પણ મહારાણી હરખાબાઈને પ્રતાપે... (ક્રમશઃ) ઓનલાઇન-ઓફલાઇન
‘ભાગ્યશાળી પ્રવાસ, ભાગ્યશાળી પ્રવાસ! પુષ્કળ માણેક, પુષ્કળ નીલમ! આવાં રત્નોથી ભરેલા દેશમાં લાવવા બદલ તમારે ભગવાનનો ખૂબ આભાર માનવો જોઈએ!’
- વાસ્કો દ ગામા (ભારતના કાલિકટ બંદરે પહોંચ્યા બાદ)
Read Original Article →