આઠમી અજાયબી:પોમ્પેઈ : સમયના ચક્રમાં થીજી ગયેલા માણસો

Magazine6/10/2026, 12:35:00 AM
આઠમી અજાયબી:પોમ્પેઈ : સમયના ચક્રમાં થીજી ગયેલા માણસો
માયા ભદૌરિયા વાત છે ઈસવીસન 79 (79 A.D.)ના ઉનાળાની. પોમ્પેઈનું એ ભરચક બજાર રોજની જેમ જ ધમધમી રહ્યું હતું અને અચાનક... ધડામ્! કાન બહેરા કરી દે તેવો પ્રચંડ ધડાકો આખા શહેરમાં ગૂંજી ઊઠ્યો. ધરતી એ તીવ્રતાથી ધ્રૂજી કે બપોરની ખરીદીમાં મશગૂલ લોકો સંતુલન ગુમાવીને એકબીજા ઉપર ફસડાઈ પડ્યાં. દુકાનો ઊથલી પડી, માંસ અને માછલીઓ રસ્તા પર વેરાઈ ગયાં. ચારેકોર ચીસાચીસ અને હાહાકાર મચી ગયો. ભયભીત આંખો અને ધ્રૂજતી આંગળીઓ ઉપર તરફ ઊઠી. ત્યાં સામે જ ઊભો હતો કાળમુખો જ્વાળામુખી માઉન્ટ વિસુવિયસ, જેણે પોમ્પેઈ પર વિનાશનું આખરી તાંડવ શરૂ કરી દીધું હતું. આ જ્વાળામુખી એટલો ભયાનક હતો કે લોકો જ્યાં સુધીમાં શહેર છોડીને ક્યાંય ભાગી શકે, ત્યાં સુધી તો જ્વાળામુખીનો લાવા તેમને મોતના મુખમાં ધકેલવા આવી પહોંચેલો. આખો વિસ્તાર એટલો બધો ગરમ થઈ ગયો હતો કે લોકોનું લોહી ઉકળવા લાગ્યું હતું અને તેમની ખોપડીઓ ફાટી ગઈ હતી. પછી તાપમાન ઘટતાં લાવા અને રાખ ઠર્યાં ને કઠણ સ્વરૂપ બન્યું, ત્યારે તે માનવશરીરો પણ પથ્થર જેવા (બીબાં સ્વરૂપે) બની ગયા. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ પોમ્પેઈના લોકો માત્ર વહેતા લાવાથી નહીં, પણ જ્વાળામુખીમાંથી નીકળેલા અતિશય ગરમ ગેસ અને રાખનાં મોજાં એટલે કે ‘પાયરોક્લાસ્ટિક ફ્લો’ના પ્રચંડ તાપમાનને કારણે સેકન્ડના ભાગમાં મૃત્યુ પામ્યાં હતાં, જેના લીધે આ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. ખોવાયેલું અને પાછું મળેલું તે સમયે પોમ્પેઈ રોમન સામ્રાજ્યનું એક અત્યંત વૈભવી અને સમૃદ્ધ શહેર હતું. માત્ર થોડા જ કલાકોમાં એ વિનાશક જ્વાળામુખીએ આખા શહેરને જીવતું દફનાવી દીધું. છેક 1748માં પુરાતત્ત્વવિદોએ ખોદકામ કર્યું ત્યારે પણ ઘરોની દીવાલો પર રંગીન ચિત્રો અને લખાણો અકબંધ હતાં, બજારની દુકાનો, વાસણો અને ખાવાની વસ્તુઓ (જેમ કે લોફ બ્રેડ) પણ મળી આવ્યાં. એટલું જ નહીં, સૌથી આઘાતજનક બાબત એ હતી કે લોકો જે સ્થિતિમાં હતાં (સૂતા, બેઠેલાં કે એકબીજાને વળગેલાં), તે જ સ્થિતિમાં તેમનાં શરીરના ખાંચા મળી આવ્યા. પુરાતત્ત્વવિદોએ વિઘટન પામેલાં શરીરોના ખાચામાં એટલે કે ખાલી જગ્યામાં પ્લાસ્ટર (ચૂનાનું મિશ્રણ) ભરીને પૂતળાં તૈયાર કર્યાં. હમણાં જ યોજાયેલા એક નવા પ્રદર્શનમાં આમાંથી સૌથી શ્રેષ્ઠ રીતે સચવાયેલા 22 નમૂનાઓને લોકોની મુલાકાત માટે પ્રદર્શિત કરવામાં આવ્યા. 2000 વર્ષ પહેલાંનું મેટ્રો સિટી પુરાતત્ત્વવિદોએ જે અવશેષો શોધી કાઢ્યા, તેના આધારે વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તે જમાનામાં પણ શહેરમાં આલીશાન હવેલીઓ હતી. તેની દીવાલો સુંદર રંગીન ભીંતચિત્રો અને મોઝેક આર્ટથી સજાવેલી રહેતી. બજારોમાં ગરમાગરમ ખાણીપીણી પીરસતી રેસ્ટોરન્ટ્સ આવેલી હતી. મનોરંજન અને આરામ માટે લોકો સાર્વજનિક સ્નાનાગારોમાં જતા, એમ્ફીથિયેટર ગ્લેડિએટર્સની લડાઈઓ અથવા રથદોડ જોતા, અને બે મોટાં થિયેટરોમાં નાટકોની મજા માણતા. ત્યાંના સુવ્યવસ્થિત પાકા રસ્તાઓ પર ઊંચી ફૂટપાથ બનાવેલી હતી અને રાહદારીઓને કાદવ-કીચડથી બચાવવા માટે રસ્તા વચ્ચે પથ્થરોના મોટા ચોસલા મૂકવામાં આવ્યા હતા. દીવાલ પરના ગુપ્ત સંદેશા સંશોધકોએ અદ્યતન ઇમેજિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોમ્પેઈ શહેરની એક પ્રાચીન દીવાલ પરથી અગાઉ ક્યારેય ન જોવા મળેલા લખાણો (શિલાલેખો) શોધી કાઢ્યા છે. આ લખાણોમાં પ્રેમપત્રો, ગ્લેડિએટર્સનાં ચિત્રો અને રોજિંદા જીવનના સામાન્ય સંદેશાઓનો સમાવેશ થાય છે. આ તમામ લખાણો પોમ્પેઈના થિયેટર વિસ્તારમાં આવેલાં બે મોટાં થિયેટરોને જોડતી 90 ફૂટ લાંબી ગેલેરીની દીવાલ પર કોતરેલાં હતાં. 1794માં પહેલીવાર શોધાયેલી આ દીવાલ પર આશરે 300 જેટલાં લખાણો બચ્યાં છે. તેમાંથી લગભગ 200 લખાણો તો સદીઓ પહેલાં જ નિષ્ણાતોએ નોંધી કાઢ્યાં હતાં, પણ બાકીનાં ઘણાં લખાણો જે નરી આંખે વાંચવા અશક્ય હતાં તે હવે શક્ય બન્યા છે. વૈજ્ઞાનિકોએ આછાં લખાણોને જોવા માટે ‘રિફ્લેક્ટન્સ ટ્રાન્સફોર્મેશન ઇમેજિંગ’ (RTI) નામે ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી અલગ-અલગ લાઈટ સોર્સ નીચે લેવાયેલા અસંખ્ય ફોટાઓને જોડીને સાવ ધૂંધળા થઈ ગયેલા સંદેશાઓને પણ સ્પષ્ટ રીતે ઊપસાવી આપે છે.
Read Original Article →