બ્લેક એન્ડ વ્હાઈટ:એક રાજકીય વિશ્લેષકની ડાયરી!

Magazine5/13/2026, 12:35:00 AM
બંગાળ વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામો આવ્યાં પછી ઘણા રાજકીય વિશ્લેષકોને પ્રચંડ આઘાત લાગ્યો છે. એવા જ એક રાજકીય વિશ્લેષકની ડાયરી મારા હાથમાં આવી. એ ડાયરીમાં જુદા જુદા દિવસે લખાયેલાં થોડાં પાનાંનું લખાણ વાચકો સાથે શેર કરું છું. ઓવર ટુ ધ ડાયરી. *** આજે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરી. હું રાજકીય ત્રિરાશિ માંડું છું એ પ્રમાણે આ વખતે ભાજપ પશ્ચિમ બંગાળમાં એટલી ભૂંડી રીતે હારશે કે ભવિષ્યમાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી લડવાની વાત તો દૂર રહી. પશ્ચિમ બંગાળની દિશામાં જોતા પણ ભાજપના નેતાઓ હજાર વાર વિચાર કરશે. અને કોઈ પશ્ચિમ બંગાળ એવા શબ્દો બોલશે એ સાથે તેમને ધ્રુજારી છૂટી જશે. *** આજે મેં ટીવી ડિબેટમાં કહી દીધું: ‘હું તમને લખીને આપવા તૈયાર છું કે આ વખતે પણ તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનરજીની આગેવાનીમાં પશ્ચિમ બંગાળમાં પ્રચંડ વિજય મેળવશે. મોદી સરકારે જે રીતે પશ્ચિમ બંગાળમાં લોકોને ડરાવવાનો ખેલ શરૂ કર્યો છે અને દીદી પર ખોટા આક્ષેપોનો મારો ચલાવ્યો છે એ જોતાં હું ખાતરીપૂર્વક કહું છું કે લોકો ભાજપના ઉમેદવારોને બહુ જ ખરાબ રીતે હરાવશે અને મમતાદીદી 294માંથી 250 બેઠકો જીતી બતાવશે.’ * * * આ વખતની ચૂંટણીઓમાં પણ મતદારોનો ઝુકાવ તૃણમૂલ કોંગ્રેસ તરફ છે. ઘણાં અખબારો એવું કહી રહ્યાં છે કે ભાજપની બેઠકોની સંખ્યા વધશે, પરંતુ એ સંભાવના નથી. પશ્ચિમ બંગાળના લોકો માટે ભાજપ આઉટસાઈડર પાર્ટી છે. બંગાળની અસ્મિતા સાથે એને કોઈ લેવાદેવા નથી. એને માત્ર સત્તા જોઈએ છે. સામે મમતાદીદીએ લોકો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. એટલે તેમની સામે ચૂંટણી જીતવાનું ભાજપનું ગજુ નથી. મારા આટલા દાયકાના અનુભવને આધારે કહી શકું છું કે આ વખતે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપ 30 બેઠકોથી આગળ નહીં જઈ શકે. * * * પ્રથમ તબક્કાના મતદાન આડે હવે બહુ ઓછા દિવસો રહ્યા છે ત્યારે ભાજપના સામાન્ય કાર્યકરોથી માંડીને મમતા બેનરજી સામે ચૂંટણી લડી રહેલા શુભેન્દુ અધિકારીથી માંડીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી સુધીના નેતાઓમાં પરાજયના ભયને કારણે રઘવાટ જણાઈ રહ્યો છે. * * * નરેન્દ્ર મોદી જે રીતે ચૂંટણીસભાઓ યોજી રહ્યા છે એ જોઈને મને લાગે છે કે ભાજપ કદાચ પચાસથી વધુ બેઠકો જીતી જશે. જોકે સરકાર તો મમતાદીદીની જ બનશે એ નિશ્ચિત છે. * * * આજે મોદીએ ચૂંટણીપ્રચાર દરમિયાન કહ્યું કે ‘હું પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકો પર જાતે ચૂંટણી લડી રહ્યો છું.’ તેમણે આવું કહ્યું છે એટલે ચૂંટણીનાં પરિણામો આવે ત્યારે ભાજપ માત્ર 80-90 બેઠકો જ જીતી શકે તો મોદીએ નૈતિક ધોરણે તત્કાળ વડાપ્રધાનપદેથી રાજીનામું આપી દેવું જોઈએ. * * * આજે મતદાનનો દિવસ હતો. બહુ મોટી સંખ્યામાં મતદાન થયું એનાથી મને ચિંતા થઈ રહી છે. તૃણમૂલ કોંગ્રેસને કદાચ પાતળી બહુમતી મળે, પણ સરકાર તો દીદીની જ આવશે. * * * આજે બીજા ચરણના મતદાનમાં પણ અણધાર્યું મતદાન થયું. ભાજપ કદાચ ગત વિધાનસભા ચૂંટણીઓ કરતાં વધુ બેઠકો મેળવી જાય એવું લાગે છે. દીદીએ કદાચ કોંગ્રેસનો અને અપક્ષોનો સાથ લેવો પડશે, પણ આ વખતેય મુખ્ય પ્રધાન તો દીદી જ બનશે. * * * એક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બધા એકઝિટ પોલ કહી રહ્યા છે કે ભાજપને 140થી વધુ બેઠકો મળશે, પણ એક્ઝિટ પોલ પર ભરોસો રાખી શકાય નહીં. ભાજપ પોતાને ઇચ્છા થાય એવા જ એકઝિટ પોલ કરાવે છે એ નાના છોકરાંઓનેય ખબર છે. * * * આવતી કાલે ચૂંટણીઓનાં પરિણામો આવવાનાં છે. મનમાં કશીક અકથ્ય લાગણી થઈ રહી છે. વહેલી સવાર સુધી ટીવી જોતો રહ્યો, પણ મન શાંત થાય એવું કશું જોવા-જાણવા ન મળ્યું. જોકે હજી મેં આશા ગુમાવી નથી. અંતે તો લોકશાહીનો જ એટલે કે દીદીનો જ વિજય થશે. એક્ઝિટ પોલ્સ મોટેભાગે ખોટા જ પડતા હોય છે. * * * આજે ચૂંટણીનાં પરિણામો આવ્યાં. આ પરિણામો અણધાર્યાં અને આઘાતજનક છે. મારું મગજ બહેર મારી ગયું છે. આ વિજય ભાજપનો નથી, ચૂંટણી પંચનો છે, ઈવીએમનો છે! * * * ગઈ કાલનો દિવસ ખૂબ જ ખરાબ ગયો. સવારથી જ ચિંતા થાય એવા આંકડાઓ ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા હતા. સાંજ પડી ગઈ ત્યાં સુધીમાં તો છાતીનાં પાટિયાં બેસી જાય એવા આંકડાઓ આવી ગયા. હું હતાશ થઈ ગયો અને મારા મનમાં આક્રોશની લાગણી એકસાથે ઊભરાઈ આવી. એ જ વખતે પત્નીએ કહ્યું, ‘ડિનર તૈયાર થઈ ગયું છે. પહેલાં ખાઈ લઈએ. પછી મારે ‘અનુપમા’ સીરિયલ જોવા બેસવું છે.’ મેં ટીવીના રિમોટનો ઘા કરતા કહ્યું કે ‘અત્યારે ખાવાનું કેમ ગળે ઊતરે? રાંધ્યા ધાન રઝળી પડે એવો સમય આવ્યો છે અને તને ખાવાની – ટીવી સીરિયલ જોવાની પડી છે! હવે આ દેશમાં જીવવા જેવું રહ્યું નથી. આ દેશ હવે ફાંસીવાદી તત્ત્વોના હાથમાં જતો રહ્યો છે. લોકશાહીનો અંત આવી ગયો છે. ભાજપને મત આપતા હોય એવા મંદબુદ્ધિના નમૂનાઓને ઊંધા લટકાવીને ફટકારવા જોઈએ.’ મારી પત્ની અચાનક ઉશ્કેરાઈ ગઈ અને તેણે બરાડો પાડ્યો: ‘તમે મને મંદબુદ્ધિની ગણો છો?’ તેની પ્રતિક્રિયાથી હું હેબતાઈ ગયો. મારી પત્ની ઓછાબોલી અને શાંત સ્વભાવની છે અને તે ક્યારેય મારી સાથે કોઈ મુદ્દે દલીલ કરતી નથી. હું ચૂપચાપ જમવા બેસી ગયો. એ વખતે પત્નીએ મારી થાળીમાં લાપસી પીરસી. મેં પૂછ્યું, ‘આ શું છે?’ તેણે કહ્યું, ‘દેખાતું નથી? લાપસી છે.’ ‘આજે તને લાપસી બનાવવાનું સૂઝ્યું?’ મને ગુસ્સો આવી ગયો. ‘હા. આજે અમે બધી ફ્રેન્ડે બપોરે જ નક્કી કર્યું હતું કે આજે સાંજે લાપસીનાં આંધણ મૂકવાનાં છે.’ તેણે કહ્યું. મેં થાળી હડસેલતાં બરાડો પાડ્યો: ‘તું મારા જખમ પર મીઠું ભભરાવે છે?’ આમ તો હું ગાળોનો સખત વિરોધી છું, પણ એ વખતે આક્રોશને કારણે અજાણતા મારા મોંમાંથી ગાળો સરી પડી એટલે મારી પત્ની વાઘણની જેમ વીફરી ઊઠી અને તેણે ટેબલ પર પડેલો લોખંડનો દસ્તો મારા પર ફેંક્યો. મારા કપાળ પર ઢીમણું ઊપસી આવ્યું. મારે નાછૂટકે ફેમિલી ડૉક્ટર પાસે જવું પડ્યું. તેમણે સહાનુભૂતિભર્યા અવાજે પૂછ્યું કે ‘શું થયું?’ મેં તેમને કપાળછૂટી, સોરી, પેટછૂટી વાત કરી કે ‘પશ્ચિમ બંગાળમાં ભાજપના વિજય સામે હું આક્રોશ ઠાલવતો હતો એને કારણે મારી પત્નીએ મને માર્યો. મને તો કલ્પના પણ નહોતી કે તે ભાજપની સમર્થક છે!’ એ જ વખતે અચાનક મારું ધ્યાન તેમના કપાળ પર પડ્યું. હું કશું પૂછું એ પહેલાં જ તેમણે ચોખવટ કરી દીધી કે ‘અરે! ના, ના! આ તો મને ઠેસ વાગી હતી અને હું પડી ગયો એટલે કપાળમાં ઢીમણું થયું છે!’
Read Original Article →