દુનિયા રોજ સરેરાશ 162 કરોડ લિટર પેટ્રોલિયમ વાપરે છે:દુનિયા પાસે પેટ્રોલિયમના વિકલ્પો શું છે?
હોર્મુઝ પર ઇરાનની પકડ ઢીલી ન થાય, ઇરાન પર અમેરિકાની પકડ ટાઇટ ન થાય તો પછી પેટ્રોલિયમનો ભાવ ડૉલર દીઠ વધતો વધતો 200 ડૉલરે પહોંચી શકે છે, પણ જો સમાધાન થાય તો ઘટીને 65 ડૉલરે પણ આવી જાય.
આપણે પેટ્રોલપંપે બળતણ ભરાવીએ ત્યારે દુનિયામાં શું ચાલે છે, તેની સાથે બહુ લેવાદેવા હોતી નથી, પણ ભાવ વધે કે ઘટે ત્યારે સીધી અસર થાય છે. ઇરાન-અમેરિકા યુદ્ધ અઢી મહિના પછી આ લખાય છે ત્યારે તો શાંત છે. પરંતુ હોર્મુઝની ખાડી પર ઈરાને કબજો જાળવી રાખ્યો છે. પેટ્રોલિયમના ભાવને તેનાથી ફરક પડી રહ્યો છે.
ઇરાન-અમેરિકા યુદ્ધ શરૂ થયું એ પહેલાં પેટ્રોલિયમનો બેરલદીઠ ભાવ 70 ડૉલર આસપાસ હતો. એટલે એ ભાવે નિકાસકાર દેશો (જેમ કે સાઉદી, ઇરાન વગેરે) નિકાસ કરતા, ખરીદનારા (જેમ કે ભારત) વગેરે આયાત કરતા. એ પેટ્રોલિયમ ભારતમાં આવે ત્યાર પછી સરકારી ધારાધોરણો મુજબ પેટ્રોલિયમ કંપનીઓ વિતરણ કરે.
આપણને તો પેટ્રોલપંપે લગાવેલા બોર્ડમાં ભાવ 90 રૂપિયા કે 100 રૂપિયા દેખાય, પણ તેની પાછળ લાંબું ચક્ર ચાલતું હોય એ સામાન્ય રીતે આપણે જોવાનું થતું નથી. અત્યારે પેટ્રોલિયમનો વૈશ્વિક ભાવ વધતો વધતો 125 ડૉલર આસપાસ પહોંચ્યો છે. સોનાનો ભાવ રોજ બદલતો હોય એમ પેટ્રોલિયમનો ભાવ પણ રોજ જરા-તરા ઊંચો નીચો થતો હોય છે. પરંતુ એની અસર પેટ્રોલપંપમાં વેચાતાં બળતણ પર રોજ થતી નથી.
ઇરાન-અમેરિકા ગમે એટલો સમય બાખડ્યા કરે આપણે સીધી રીતે લેવાદેવા નથી, પણ આપણે તેનાથી મુક્ત રહી શકીએ એટલા દૂર પણ નથી. હવે ધીમે ધીમે તેની અસર થવા લાગી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે. પુરવઠો પૂરતો નથી. કરકસર વધવા લાગી છે. બધાંને વત્તા-ઓછા અંશે ઇરાન-અમેરિકા યુદ્ધની આગનો તાપ લાગી રહ્યો છે.
બજારનું અવલોકન કરી અહેવાલ તૈયાર કરતી વૈશ્વિક કન્સલટન્સી ફર્મ વૂડ મેકેન્ઝીએ એટલે જ 200 ડૉલર સુધીની આગાહી કરી છે. એણે અહેવાલમાં કહ્યું છે કે ઇરાન-અમેરિકા યુદ્ધમાં કુલ ત્રણ સ્થિતિ સર્જાઈ શકે છે. એમાં સૌથી છેલ્લી સ્થિતિ ભાવ વધતો વધતો 200 ડૉલરે પહોંચવાની છે. બીજો વિકલ્પ છે એ અત્યારે અમલમાં છે એવો. યુદ્ધ પણ નહીં અને શાંતિ પણ નહીં. પરંતુ બાખડ્યા ન કરે એટલે એકંદરે રાહત. ત્રીજો વિકલ્પ એટલે બન્ને દેશો વચ્ચે સમાધાન થાય અને દુનિયા હતી એવી ને એવી થાય.
આ બધા સંજોગો વચ્ચે દુનિયાને ફરીથી એ સવાલ થાય કે શું જગત પાસે પેટ્રોલિયમ, ગેસ અને કોલસાનો વિકલ્પ જ નથી? એમાંય સૌથી વધારે દબદબો પેટ્રોલિયમ અને
ગેસનો છે.
દુનિયા આવા વિકલ્પો પર કામ કરે જ છે. કયા વિકલ્પનો કેટલો વપરાશ થાય છે, તેના પ્લસ-માઇનસ પોઈન્ટ શું છે એ પણ જાણી લઇએ. સૌર ઊર્જા : પેટ્રોલિયમ-ગેસ પછી જગતને સૌથી વધુ કોઈ વિકલ્પ ફળ્યો હોય તો એ સોલાર પાવરનો છે. પોતાની કુલ ઊર્જા જરૂરિયાતમાંથી 10 ટકા કરતાં વધારે સૌર ઊર્જાનો ઉપયોગ કરતા હોય એવા દેશોની સંખ્યા 34 છે. ભારત હજુ 8 ટકાએ પહોંચ્યું છે, પરંતુ આગેકૂચ તો ચાલુ જ છે. પવન ઊર્જા : પ્રદૂષણ મુક્ત ઊર્જા મેળવવાની વાત આવે તો પવન ઊર્જા એમાં મેદાન મારી જાય છે. પવનચક્કી સ્થાપવા માટે જમીન મેળવવા સંઘર્ષ અને સ્થાપ્યા પછી મળતી ઓછી ઊર્જા જેવા પડકારો તેમાં છે. તો પણ અનેક દેશો પવનપાવડી પર સવાર થાય જ છે. હાઈડ્રોપાવર: હાઈડ્રો એટલે પાણી. ડેમનું પાણી ઉપરથી ખાબકે અને તેનાથી ઊર્જા પેદા થાય એવી સુવિધા આપણે ત્યાં નર્મદા સહિતના અનેક ડેમોમાં છે. ગામો ડૂબમાં જવા, ડેમ પછીની નદી સુકાઈ જવી વેગરે મર્યાદાઓ તેમાં છે. સામે પક્ષે આવી સુવિધા 50-100 વર્ષો સુધી ઊર્જા આપ્યા કરે એ લાભ પણ ખરો. પરમાણુ ઊર્જા : જાપાનના ફુકુશિમા પ્લાન્ટની દુર્ઘટના પછી પરમાણુ ઊર્જા મુદ્દે જગતનો હરિરસ ખાટો થયો છે. બીજી તરફ એ મજબૂત વિકલ્પ છે એટલે અવગણનાય કરી શકાય એમ નથી. ભારત-ચીન વગેરે દેશો તો પરમાણુ ઊર્જા પર મદાર સતત વધારી જ રહ્યા છે. બાયોમાસ : જંગલમાંથી આવતાં જલાઉ લાકડાં, ખેતીના કચરામાંથી પેદા થતો બાયોગેસ, મ્યુનિસિપાલિટીના સોલિડ વેસ્ટમાંથી આવતી ઊર્જા વગેરે બાયોમાસમાં આવી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જમાંથી મુક્તિ નથી આપતો. તો પણ ઘરેલુ ઉપાય તરીકે રસ્તો સારો છે, પરંતુ મોટેપાયે ઊર્જા ન આપી શકે. બાયોગેસનું ઉત્પાદન પણ બાયોમાસમાંથી જ થાય છે. તેનો વપરાશ પણ ધીમે ધીમે વધી રહ્યો છે. જિયોથર્મલ : પૃથ્વીના પેટાળમાં વરાળનો કોઈ પાર નથી. એ વરાળને ઊર્જામાં ફેરવવાની પ્રક્રિયા એટલે જિયોથર્મલ. સૌથી મોટો લાભ એ છે કે વરાળ બારેય માસ નીકળ્યાં જ કરે, એટલે જથ્થો અટકતો નથી. મર્યાદા એ છે કે આ વરાળ બધે સરખી નીકળતી નથી, માટે બધે તેના પ્લાન્ટ સ્થાપી શકાતા નથી. આઈસલેન્ડમાં પુષ્કળ જ્વાળામુખી છે, માટે ત્યાં આ ઊર્જા મેળવવી આર્થિક રીતે પોસાય, બીજા દેશોમાં એવું નથી બનતું.
પછી તો હાઈડ્રોજન પાવર, સમુદ્રી મોજાંમાંથી મળતી ટાઈટલ એનર્જી એવા ઘણા વિકલ્પો પર જગત કામ કરે છે. છતાં સ્થિતિ એ છે કે દુનિયાની 80 ટકા ઊર્જા પેટ્રોલિયમ-ગેસ-કોલસાની પેટાળ ત્રિપુટીમાંથી આવે છે. એટલે તેનો જરાક ભાવ વધારે તો આખી દુનિયાને અસર થાય. ઇરાન એટલે જ કંઈ ન કરે અને માત્ર હોર્મુઝનું નાકું બંધ રાખે તો પણ જગત પાસે નાક અને મોંઢું બન્ને દબાવ્યાં હોય એવું કામ લઈ શકે. દુનિયાની ઊર્જા જરૂરિયાત ક્યાંથી પૂરી થાય છે?
Read Original Article →