આજ-કાલ:પર્માફ્રોસ્ટનું ઓગળવું પૃથ્વી માટે કેટલું જોખમી?

Magazine5/27/2026, 12:35:00 AM
આજ-કાલ:પર્માફ્રોસ્ટનું ઓગળવું પૃથ્વી માટે કેટલું જોખમી?
ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના માથાભારે રાજકીય ભાઈલોગ, અન્ય મહાસત્તાઓ અને ઘણા ફૂટકળિયા દેશો પૃથ્વીની ઘોર ખોદવા માટે ઓવરટાઈમ કરતા રહે છે. એટલું જ નહીં, આપણા જેવો આમ આદમી પણ ધરતી, વનરાજી, સમુદ્ર, હવામાન, જાનવર, જીવજંતુ અને ખુદને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર બાકી છોડતો નથી. ન ગમ્યું કે ન સમજાયું? તો માંડીએ વિગતવાર વાત. દુનિયાભરમાં ગરમીના નામે કકળાટ વધી રહ્યો છે. ભારતમાં ઘણાં સ્થળોએ સરેરાશ 45થી લઈને 48 સેન્ટિગ્રેડ ઉષ્ણતામાને તોબા પોકારાવી દીધું. આ આબોહવા પરિવર્તનનાં પરિણામો પર્યાવરણ માટે એક મોટો ચિંતાનો વિષય છે. આર્કટિક વિસ્તાર વૈશ્વિક સરેરાશ કરતાં ઓછામાં ઓછા બે ગણી ઝડપથી ગરમ થઈ રહ્યો છે. કેટલાક અભ્યાસો મુજબ સાઈબેરિયાની ગરમી તો તેનાથી પણ વધુ છે, જે આ જોખમ વધુ નિકટ હોવાના ડરામણા સંકેત છે. એવું ન માની લેતા કે આર્કટિક વિસ્તાર ને સાઈબેરિયા તો કેટલાય દૂર છે ને એમાં આપણે શું કામ ડરવું? જુઓ, સાઈબેરિયામાં પર્માફ્રોસ્ટ છે. આ ‘Permafrost’ (પર્માફ્રોસ્ટ) એટલે ‘સ્થાયી તુષારભૂમિ’ અથવા ‘કાયમી થીજી ગયેલી જમીન.’ ટૂંકમાં, એવી જમીન કે જે સતત બે કે વધુ વર્ષો સુધી શૂન્ય સેલ્સિયસથી નીચેના તાપમાને થીજી ગયેલી છે. તે સામાન્ય રીતે આર્કટિક, એન્ટાર્કટિક, સાઈબેરિયા અને રશિયા જેવા અત્યંત ઠંડા પ્રદેશોમાં હોય છે. આ જમીનમાં ખડકો, માટી અને બરફનું મિશ્રણ હોય છે. તે ઉપરથી બરફથી ઢંકાયેલી હોય કે ન હોય, પણ નીચેનો જમીનનો ભાગ કાયમ થીજી ગયેલો હોય છે. પર્માફ્રોસ્ટ એરિયામાં વધતી ગરમીની સંભવિત અસરે વિજ્ઞાનીઓની ઊંઘ હરામ કરી નાખી છે. પર્માફ્રોસ્ટના વિશાળ વિસ્તારમાં અબજો ટન કાર્બન છે, જેમાંનો મોટો ભાગ મિથેનના સ્વરૂપમાં છે. આ મિથેન ટૂંકા ગાળામાં કાર્બન ડાયોક્સાઈડ કરતાં 80 ગણો વધુ અસરકારક ગેસ છે. ગરમીથી તેના ઓગળવાથી ગેસ બહાર પડે, જે અનિયંત્રિત ગરમીના ચક્રને જન્મ આપી શકે છે. એકલા રશિયાનો 60%થી વધુ વિસ્તાર પર્માફ્રોસ્ટ પર છે. તેના ઓગળવાથી જમીન કાદવમાં ફેરવાઈ જાય છે. આનાથી ઈમારતો, રસ્તાઓ, રેલવે લાઈનો અને મહત્ત્વપૂર્ણ તેલ-ગેસની માળખાકીય સવલતો નષ્ટ થઈ રહી છે. આ પ્રક્રિયા સંભવિત પર્યાવરણીય આપત્તિઓ તરફ દોરી જાય છે. સાઈબેરિયામાં ‘બાટાગાઈકા ક્રેટર’ નામનો વિશાળ, વધતો ખાડો આ ઝડપી બદલાવનું નરી આંખે દેખાતું નિશાન છે. અહીં ઓગળતો બરફ નિષ્ક્રિય ને થીજેલા સજીવ પદાર્થોને બહાર ફેંકે છે. આવા પ્રાચીન વાઈરસ અને બેક્ટેરિયા તો માનવી, જાનવરો અને વનસ્પતિ માટે રોગકારક કે વિનાશકારી બની શકે છે. એક ઉદાહરણ જોઈએ: 2016ના ઓગસ્ટમાં, સાઈબેરિયામાં 12 વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું અને ડઝનો લોકોને હોસ્પિટલ ભેગાં કરવા પડ્યાં હતાં. શા માટે? પર્માફ્રોસ્ટના એક ઓગળેલા સ્તર પરથી એન્થ્રેક્સનો પ્રકોપ ફેલાયો, જ્યાં હરણ (કાં તો રેન્ડિયર/રીંછ)ના મૃતદેહ પડેલા હતા. વૈજ્ઞાનિકોએ પર્માફ્રોસ્ટમાં ચાર લાખ વર્ષથી વધુ જૂના સૂક્ષ્મજીવો શોધ્યા હતા. આથી વૈજ્ઞાનિક સંભાવના છે કે માનવ ઇતિહાસ દરમિયાન ફેલાયેલા બ્યુબોનિક પ્લેગ અને સ્મોલપોક્સના ઘણા વાઈરસ આ પર્માફ્રોસ્ટના થીજી ગયેલા સ્તરમાં નિષ્ક્રિય અવસ્થામાં હોઈ શકે છે. અલબત્ત, પર્માફ્રોસ્ટનું ઓગળવું એકાએક વિનાશ નહીં સર્જે એવી માન્યતા ને આશા છે, પણ તેને વિનાશકારી જળવાયુ પરિવર્તનનો એક મુખ્ય કારક માનવામાં આવે છે. આનાથી વૈશ્વિક સ્થિરતા અને માનવ સંસ્કૃતિ માટે ગંભીર, લાંબા ગાળાનો ખતરો ઊભો થાય છે. તે ગ્લોબલ વોર્મિંગને વધુ ઝડપ આપે છે, જે બદલાવમાં વધુ પર્માફ્રોસ્ટને ઓગાળશે. આ સાઈકલ ફરતી રહે તો સર્વનાશનું કારણ બની શકે. હજી આ સાઈકલને રોકી શકાય તેમ છે. એ મારા, તમારા ને એક-એક માનવીના હાથમાં છે. આપણે સૌ અચૂક માનવજાતને સ્વસ્થ ને રોગમુક્ત રાખી જ શકીએ- જો ખરેખર ઈચ્છીએ અને દિલથી પ્રયાસ કરીએ તો. એ અનિવાર્ય છે, કારણ કે પર્માફ્રોસ્ટનું ઓગળવું પૃથ્વી માટે ગંભીર જોખમ છે. ઓનલાઈન-ઓફલાઈન ‘પર્માફ્રોસ્ટ પૃથ્વીનું પ્રાચીન ફ્રીઝર છે. એ પીગળવા લાગે ત્યારે જૂનાં જોખમો જાગવા લાગે છે.’ - માર્ગરેટ એટવુડ (કેનેડાની વિશ્વપ્રસિદ્ધ નવલકથાકાર, કવયિત્રી, નિબંધકાર અને પર્યાવરણ વિષયક ચિંતક)
Read Original Article →