મેનેજમેન્ટની ABCD:બાળકની સૌથી ગંભીર સમસ્યા : માવતર

Magazine6/10/2026, 12:35:00 AM
બી.એન. દસ્તુર દુનિયાભરમાં કાર ચલાવવા માટે લાઈસન્સ લેવું પડે છે, જે માટે તાલીમ લેવાની વ્યવસ્થા હાજર છે, પણ ડ્રાઈવિંગ કરતાં હજારો ગણું મુશ્કેલ એવાં લગ્ન કરવા માટે જરૂર પડે ફક્ત બર્થ સર્ટિફિકેટની. લગ્ન અને બાળકોનાં મેનેજમેન્ટ માટે તાલીમી લાઈસન્સની કોઈ જરૂર નહીં! છતાં મોટા ભાગનાં માવતરોને એટલી ખબર તો હોય જ છે કે બાળકને એમના પ્રેમનો અહેસાસ કરાવવાની જરૂર છે. પણ બાળક નિશાળે જવા માંડે, આજના અફડાતફડીના માહોલ સાથે બાખડવા માંડે, ભૂલોમાંથી શીખવા માંડે ત્યારે માવતર, ઉત્તર ગુજરાતની ભાષામાં બાળકની ‘વાંહે પડી જાય.’ આખો દિવસ શું કરવું, શું ન કરવું, શું કઈ રીતે કરવું એની સલાહ-સૂચનામાં, ગુસ્સો કરવામાં વહી જાય. ધીરે ધીરે પ્રેમ ‘કન્ડિશનલ’ બનતો જાય. લેસન કરશે તો મને વહાલી લાગીશ. હિતેશ તારો નાનો ભાઈ છે. એનાં રમકડાં તું લઈ લઈશ તો થપ્પડ પડશે. બાળકની ઉંમર વધે એમ એની ભૂલોની સંખ્યા વધતી જાય અને બાળકને પ્રેમને બદલે ધમકો વધારે મળે છે એવો અહેસાસ થવાની શરૂઆત થાય. એ ટીનએજર બને ત્યારે માવતરને દુશ્મન માને અને બંડખોર બનતું જાય. ન કરવાનું કરી બેસે. આજે એક કમાય અને પાંચ ખાય તે શક્ય નથી. મમ્મી-ડેડી બંને કામ ઉપર જાય. ઘરની સમસ્યાઓ ઓફિસે લઈ જાય. ઓફિસની સમસ્યાઓ ઘરે લઈ આવે. આની આડ અસરોનો ભોગ બાળક બને. માવતરો બાળકનાં વર્તન ઉપરથી હટી, એમની અંગત ટીકા કરી વાતનાં વતેસર કરતા રહે છે. ‘મેથ્સમાં તારા માર્ક્સ ઓછા આવ્યા તે મને ગમ્યું નહીં’ અને ‘તું સાવ ડોબી છે’ એ બંનેમાં આસમાન-જમીનનું અંતર છે. આ બધું ઓછું હોય એમ, પોતાનાં, પાડોશીનાં, મિત્રોનાં, સગાંવહાલાંનાં બાળકો સાથે સરખામણી શરૂ થાય. બાળક, જાણે અજાણ્યે, માવતરનાં વાણી-વર્તનની નકલ કરતું રહે છે, પણ જોતો રહું છું કે માવતરો એમનાં બાળકો માટે રોલ મોડેલ તરીકે પસંદ કરે છે અન્યનાં બાળકોને. ‘ચિરાગ અંકલની દિયા ચૅસમાં ચૅમ્પિયન થઈ, તને તો ચૅસ અને ચૅકરમાં તફાવત દેખાતો નથી.’ ‘પારૂલ આન્ટીનો અનિલ ડ્રામા માટે સિલેક્ટ થયો અને તું રહી ગયો.’ પરિણામે બાળક ફ્રસ્ટ્રેટ થાય, એની સેલ્ફ એસ્ટિમમાં ઓટ આવે. બાળકો માવતરોની સમસ્યા નથી, માવતરો બાળકોની સમસ્યા છે. બાળક ઇન્સ્ટાગ્રામના પ્રેમમાં પડે છે, કારણ કે મમ્મી-ડેડીને એને પ્રેમ કરવાનો સમય નથી. માટે, રોજ સૌ કોઈ સાથે બેસી ડિનર કરે એવો નિયમ બનાવો. જે તે દિવસના અનુભવોની ચર્ચા કરો. માહોલ હસતો-રમતો રાખો. બાળકના વર્તનની ચર્ચા કરો, ટીકા નહીં. એના ઉપર અંગત હુમલો કરશો નહીં. એવો માહોલ બનાવો કે બાળક એની સમસ્યાઓ તમારી પાસે લઈ આવે. મારા ઘરમાં અસામાજિક, ગેરકાયદેસર અને હાનિકારક વર્તન માટે કડક નિયમો હતા, પણ મારા ડેડીએ મને મારા નામથી બોલાવ્યો હોય એવું યાદ નથી. સંબોધન ‘દોસ્ત.’ અન્ય બાળકો સાથે સરખામણી કરવાનું માંડી વાળો. બાળકને એની પ્રતિભા શોધવામાં મદદ કરો અને પ્રતિભાને નિખારો. બિનશરતી પ્રેમ કેવી રીતે આપવો તે કૂતરા પાસે શીખો. બાળક સાથેની કમ્યુનિકેશન ચેનલો ખુલ્લી રાખો. એના ‘લવારા’ને ધ્યાનથી સાંભળો, સમજો. સ્પોર્ટ્સના માધ્યમથી બાળકને હાર પચાવતાં શીખવો. બાળકને પેદા કરવું અને એને અચ્છા નાગરિક બનાવવું એ અલગ રમતો છે. થોરામાં ઘનું.
Read Original Article →