ક્રાઇમ સિક્રેટ:ઓરિસ્સાના અવાવરું એરોડ્રામ પર ભૂતોની હત્યા?
રાજ ભાસ્કર એરોડ્રામ કેસ-1
આ કહાની 1958ની છે. એ સમયે અંધશ્રદ્ધાનું જોર જરા વધારે હતું. ઓરિસ્સા રાજ્યના બાલેશ્વર જિલ્લામાં આવેલું એક નાનકડું ગામ એટલે રસગોવિંદપુર. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ગામની સીમમાં બ્રિટિશ આર્મી દ્વારા એક એરોડ્રામ એટલે કે હવાઈમથક બનાવવામાં આવેલું. પછી તો સમય વીતતાં એ બંધ પડ્યું અને વિમાનોના કાટમાળનું કબ્રસ્તાન બની ગયું. ત્યાં કોઈની આવનજાવન નહોતી એટલે સમય જતાં ત્યાં ભૂત-પ્રેતના વસવાટની વાતો થવા લાગી.
લોકો એવું માનતાં હતાં કે આ વેરાન રન-વે પર મધરાતે અંગ્રેજ સૈનિકોની અતૃપ્ત આત્માઓ અને ડાકણો ફરે છે. ખાસ કરીને મંગળવાર અને શનિવારની રાતે ત્યાંથી પસાર થવાની કોઈ હિંમત નહોતું કરતું. લોકોના મતે એ દિવસોમાં ત્યાં ‘ભૂતોનો મેળો’ જામતો અને અજાણ્યા પ્રકાશના લિસોટા હવામાં તરતા દેખાતા. સંરક્ષણ વિભાગે આ જગ્યાની સુરક્ષા માટે દિવાકર અને ગોવિંદ નામના બે ચોકીદારો મૂક્યા હતા, પણ તેઓ પણ સૂરજ આથમ્યા પછી ઘરે ચાલ્યા જતા.
1958નો એપ્રિલ મહિનો. એક દિવસ કોલકાતાની વિખ્યાત પેઢી ચેટર્જી બ્રધર્સના માલિક જગત બંધુ ચેટર્જી આ વિસ્તારમાં આવ્યા હતા. જગત બંધુ વેપારી હતા. તેમનો હેતુ એરોડ્રામમાં પડેલાં વિમાનોના મોંઘા સ્ક્રેપ પાર્ટ્સ (ભંગાર) અને એ જમીન ખરીદવાનો હતો. તેમની સાથે તેમનો 20 વર્ષનો વિશ્વાસુ નેપાળી નોકર રામ બહાદુર થાપા પણ હતો.
જગત બંધુ સ્થાનિકો પાસેથી એરોડ્રામની ભૂતિયા વાતો સાંભળતા ત્યારે કહેતા કે ‘ભાઈ, ભૂત-પ્રેત જેવું કંઈ હોતું જ નથી.’ રામ બહાદુરના કાન આ વાતો સાંભળીને સરવા થઈ જતા. તેના મનમાં એક અજ્ઞાત ડર ઘર કરી ગયો હતો. 20 મે, 1958. મંગળવારનો દિવસ. રાતના લગભગ 9 વાગ્યા હતા. જગત બંધુ, રામ બહાદુર અને કૃષ્ણ ચંદ્ર ચાની ટપરી પાસે ઊભા હતા. ત્યાં તેલકુંડી ગામનો ચંદ્ર માઝી આવ્યો. ચંદ્ર માઝીએ કહ્યું, ‘સાહેબ, મારે અત્યારે મારા ગામે જવું છે, પણ હિંમત નથી ચાલતી. વચ્ચે પેલું એરોડ્રામ આવે છે અને આજે મંગળવારની રાતે ત્યાં ભૂત જાગી ઊઠ્યાં હોય છે.’
જગત બંધુ જોવા માગતા હતા કે ભૂત અસલમાં હોય છે ખરાં? આથી તેમણે મિત્ર કૃષ્ણ ચંદ્રને કહ્યું, ‘કૃષ્ણ ચંદ્ર, ચાલો આજે તો ખરેખર ત્યાં ભૂત છે કે નહીં એ મારે જોવું છે.’
કૃષ્ણ ચંદ્રએ ચંદ્ર માઝીને સમજાવ્યો કે ‘અમે તારી સાથે આવીએ છીએ, તું ચિંતા ના કર. કોઈ ભૂત-બૂત હોતાં નથી.’ રાત ઘણી વીતી ચૂકી હતી. જગત બંધુ, રામ બહાદુર, કૃષ્ણ ચંદ્ર અને ચંદ્ર માઝી એ ચારેય જણ એરોડ્રામ તરફ રવાના થયા.વિસ્તાર ભેંકાર હતો. ચારેય જણ ચાલતાં ચાલતાં કેમ્પ નંબર-4 પાસે પહોંચ્યા અને અચાનક જગત બંધુ અટક્યા. તેમણે આંગળી ચીંધીને દૂર ઈશારો કર્યો. દૂર અંધારામાં એક ઝાંખો પ્રકાશ દેખાતો હતો, પણ એ પ્રકાશ સ્થિર રહેવાને બદલે હવામાં ફંગોળાઈ રહ્યો હતો. વળી એ પ્રકાશની આસપાસ સફેદ રંગના ઓછાયા હવામાં લહેરાઈ રહ્યા હતા. રામ બહાદુરની નજર એ દૃશ્ય ઉપર પડી અને તેના રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેને વિશ્વાસ થઈ ગયો કે એ ભૂત કે ડાકણો છે.
ચંદ્ર માઝી બોલ્યો, ‘સાહેબ, ચાલો આપણે પાછાં વળી જઈએ.’ રામ બહાદુર થાપાને લાગ્યું કે ભૂતોએ તેમને જોઈ લીધાં છે. જો એ અત્યારે આ ભૂતો પર હુમલો નહીં કરે, તો તેઓ તેમની પાછળ દોડી આવશે અને તેના માલિક જગત બંધુને નુકસાન પહોંચાડશે. રામ બહાદુરે પોતાની કમરે લટકતી ધારદાર ખુખરી મ્યાનમાંથી બહાર કાઢી અને ‘જય મહાકાલી’નો નારો લગાવી વાવાઝોડાની ગતિએ પેલી રોશની તરફ દોડી ગયો. જગત બંધુ, કૃષ્ણ ચંદ્ર અને ચંદ્ર માઝી તેને રોકવા માટે બૂમો પાડતા રહ્યા, પણ એણે કોઈની વાત ન માની.
ત્યાં પહોંચતા જ રામ બહાદુરે અંધાધૂંધ ખુખરી વીંઝવાનું શરૂ કર્યું. તેને જે પણ સફેદ ઓછાયા જેવું દેખાયું, તેના પર તેણે પૂરી તાકાતથી વાર કરવા માંડ્યા. બાકીના ત્રણ પણ ત્યાં પહોંચ્યા, પણ રામ બહાદુર એટલો ઉશ્કેરાયેલો હતો કે તેણે અંધારામાં કૃષ્ણ ચંદ્ર પર પણ જોરદાર પ્રહાર કરી દીધો.
કૃષ્ણ ચંદ્ર ચીસ પાડીને લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાયા. એ ચીસ સાંભળીને રામ બહાદુર સહેજ થંભ્યો. જગત બંધુએ ટોર્ચ ચાલુ કરી. ટોર્ચના પ્રકાશમાં જે દૃશ્ય દેખાયું તે જોઈને તેઓ ધ્રૂજી ઊઠ્યા. ત્યાં કોઈ ભૂત નહોતાં. જે જમીન પર પડ્યાં હતાં એ તો હાડ-માંસની સ્ત્રીઓ હતી! એક સ્ત્રી રક્તના ખાબોચિયામાં બેસૂધ પડી હતી અને બીજી બે સ્ત્રીઓ લોહીલુહાણ હાલતમાં દર્દથી ચીખી રહી હતી. રામ બહાદુરને હજુય પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ નહોતી. એ તો ભયથી થરથરતો બોલ્યો, ‘સાહેબ... મેં ભૂતને પતાવી દીધાં!’
જગત બંધુએ ગર્જના કરી, ‘મૂર્ખ! આ ભૂત નથી, માણસો છે... મહિલાઓ છે!’ રામ બહાદુરને સમજાયું કે તેનાથી ભયંકર ભૂલ થઈ ગઈ છે, પણ હવે બહુ મોડું થઈ ચૂક્યું હતું. અંધશ્રદ્ધાના ચક્કરમાં એક નિર્દોષનો જીવ ચાલ્યો ગયો હતો. જગત બંધુ હવે વધારે સમય બગાડવા કે ગુનો છુપાવવા માગતા નહોતા. તેમણે જાતે જ સામે ચાલીને પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રામ બહાદુરની ધરપકડ કરી, પણ ગુનેગાર પકડાયો એટલે કેસ અહીં પૂરો નથી થતો. આ કેસમાં અદાલતમાં એવો વળાંક આવ્યો કે આ કેસ ભારતના ન્યાયિક ઇતિહાસમાં ઐતિહાસિક ચુકાદો બની ગયો. (ક્રમશ:)
Read Original Article →