સહજ સંવાદ:‘ભારાડી’ પત્રકાર ઓરિયાના ફેલાસીની મુલાકાત!

Magazine6/3/2026, 12:35:00 AM
સહજ સંવાદ:‘ભારાડી’ પત્રકાર ઓરિયાના ફેલાસીની મુલાકાત!
આજકાલ જ્યોર્જિયા મેલોની, ઇટાલિયન વડાપ્રધાનનું નામ ચમકતું રહ્યું છે. લિબરલ્સ તેની આલોચના કરતા રહે છે, લગ્ન કર્યા વિના માતા બનેલી જ્યોર્જિયા અત્યારે તો તેના દેશની અડીખમ નેતા છે. તેના જેવી જ બીજી ભારાડી ઇટાલિયન અત્યારે તો ફ્લોરેન્સના કબ્રસ્તાનમાં સૂતી છે. પણ તેનું પત્રકારત્વ માત્ર ઈટાલી નહીં આખી દુનિયામાં હાહાકાર મચાવી ગયું હતું. આ ભારાડી શબ્દ બધાં માટે પરિચિત નહીં હોય. કાઠિયાવાડ (હવેનું સૌરાષ્ટ્ર)માં લોકજીવનમાં આ શબ્દ વપરાય છે. જિંદગીમાં સાવ ઉદ્દામ, સ્વૈરવિહારી પણ નિર્ભેળ સત્ય બોલનારને ભારાડી કહેવાય છે. અઘરું છે આવા કોઈ પાત્રનું હોવું. દરેકનાં પોતપોતાનાં સત્યો હોય છે, પોતાનું અર્થઘટન અને તે મુજબ વ્યવહારને ગોઠવી લેવાની આવડત. આમાં કોઈ એમ કહે કે ફલાણા ભાઈ કે બહેન સત્યના પૂજારી છે, સત્ય સિવાય કશું બોલતા નથી અને તેનું સંપૂર્ણ આચરણ કરે છે, તેની નજીક જતાં અંદાજ આવી જાય. હમણાં વળી પાછું ઓરિયાના ફેલાસીના આક્રમક પણ પ્રતિબદ્ધ જીવનનું પુસ્તક વાંચવાનું થયું. ટીવી પર તેના પત્રકારત્વ, સાહિત્ય અને વ્યક્તિગત જીવનની સીરિયલ એક અદભુત, અનોખી, ઐતિહાસિક વ્યક્તિનો પરિચય આપે છે. ફ્લોરેન્સમાં તે જન્મી હતી સરમુખત્યારશાહીની જીવલેણ પરિસ્થિતિમાં. પિતાની જેમ તેણે પણ વિરોધનો સ્વર પસંદ કર્યો. તે છેક 77મા વર્ષે કેન્સરના રોગમાં મૃત્યુ પામી ત્યાં સુધી અડીખમ રહી. મેડિકલ વિજ્ઞાન અને કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો, પણ પછી સાહિત્ય તરફ વળી ગઈ. વિશ્વયુદ્ધ દરમિયાનની તેની જગજાણીતા લોકોની મુલાકાતો ‘ઇન્ટરવ્યૂ વિથ હિસ્ટ્રી’ નામે દુનિયાના પત્રકારત્વમાં આજે પણ લોકપ્રિય છે. તે કહેતી કે આ ઓબ્જેક્ટિવિટી વળી કઈ બલા છે? તટસ્થ-બટસ્થ કંઈ હોતું નથી, એ તો આપણી ભીરુતાનું એક બહાનું છે. બીજી વાત ઘણી કડવી છે. તેણે કહ્યું કે સત્તાનું ચરિત્ર એકસરખું હોય છે. લોકશાહી, સરમુખત્યારશાહી, નેતાની પ્રજા પ્રત્યેની લાગણી, લોકપ્રિયતા… આ બધાંનો અંતિમ તો અબાધિત સત્તા જ હોય છે. પોતાની વાતને પત્રકારત્વના માધ્યમથી દુનિયા સમક્ષ વ્યક્ત કરવાની આટલી મથામણ બીજા કોઈ પત્રકારે કરી હોય એવું ઉદાહરણ નથી. ફેલાસી યુદ્ધના મેદાનમાં ગઈ, કટ્ટરવાદીઓની છાવણીમાં ગઈ, ક્રૂર ધર્માંધ નેતાઓના મહેલમાં પહોંચી, લોકશાહી નેતાઓને મળી, તિસમારખાં રાજકારણીઓને મળી. વિદ્યાર્થીઓના હત્યાકાંડ વચ્ચે ‘રિપોર્ટિંગ’ કર્યું, તેમાં સૈનિકોની રાઈફલો તેને મારી નાખવા માટે સક્રિય થઈ, ત્રણ વાર મરણતોલ હુમલા થયા. ક્રિસ્ટોફર સિલ્વેસ્ટરનું એક દળદાર પુસ્તક છે, (ગૂગલનું પાનું નહીં) તેનું નામ છે ‘ધ પેંગ્વિન બુક ઓફ ઇન્ટરવ્યૂઝ.’ 1859થી 1993 સુધીની મુલાકાતો તેમાં છે. કાર્લ માર્ક્સ, થિયોડોર રૂઝવેલ્ટ, માર્ક ટ્વેઇન, થોમસ એડિસન, કિપલિંગ, એમીલ ઝોલા, ઇબ્સન, વૂડરો વિલ્સન, સિગ્મંડ ફ્રોઇડ, એડોલ્ફ હિટલર, મુસોલિની, જોસેફ સ્ટાલિન, પાબ્લો પિકાસો, નિકિતા ક્રુશ્ચોફ, કેનેડી, હેમિંગ્વે, મેરેલિન મનરો, માઓ, માર્ગારેટ થેચર... અને બીજા ઘણાની મુલાકાતો. ઊગતા પત્રકારે ફાંકેબાજ ના બનવું હોય તો આ મુલાકાતો જાણવી જોઈએ. ફેલાસીએ પણ આ જ કામ કર્યું. દુનિયાના ઉત્કૃષ્ટ અને નિકૃષ્ટ, નાયક અને ખલનાયક નેતાઓની દાઝી જવાય તેવી મુલાકાતો લીધી. તેમાં યાસર અરાફાત, ઇરાનનો તે સમયનો રાજકીય ધર્મગુરુ આયાતુલ્લા ખોમેની, જનરલ ગદ્દાફી, ઈદી અમીન તો હતા જ, ભારતમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી પણ સામેલ છે. ‘આ અસુરક્ષિત નેતા ગમે ત્યારે લોકશાહીને બાજુ પર રાખીને સરમુખત્યાર બનશે’ એવી તેની માનસિક છાપ હતી. પાકિસ્તાનના ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને લાગ્યું કે હું કેમ નહીં? ફેલાસી તેને પણ મળી, કદાચ ભુટ્ટોને પછીથી અફસોસ થયો હતો કે આ મુલાકાત શા માટે આપી? આ ઇટાલિયન પત્રકાર તો ‘દુનિયાની સૌથી જાણીતી અને ભયાવહ મુલાકાતો’ માટે ખ્યાત હતી. તેની માતાએ યુવા વયે કહ્યું હતું કે લગ્ન કરવાનો, દાંપત્યનું સુખ માણવાનો વિચાર માંડી વાળજે. પતિ-પત્ની તો ઘણાં થશે, પણ સમાજ માટે પ્રવૃત્તિની જ્વાળા કોણ પ્રગટાવશે? ઓરિયાનાએ લગ્ન ના કર્યાં પણ પોતાના આકરા માર્ગ પર હમસફર રહે તેવો પ્રેમ જરૂર કર્યો, એક વિચારવાન ગ્રીક કવિને તેણે ચાહ્યો હતો. બીજીવાર પ્રજાની પીડાને વ્યક્ત કરનાર એલેક્ઝાન્ડ્રોસ પેનાગુલિસ જેલમાં હતો, તેની મુક્તિ માટે સક્રિય રહી. 1973માં તેને જેલ-મુક્તિ મળી, 1976માં તેનો કથિત કાર અકસ્માત થયો અને મૃત્યુ થયું. પોતાના પૂર્વ પ્રેમનો એકરાર કરતી એક નવલકથા ઓરિયાનાએ લખી છે, ‘એ મેન.’ બેરૂતમાં હત્યાકાંડ થયો તેની તે સાક્ષી હતી, અને ‘ઇન્શાલ્લાહ!’ નવલકથા પણ લખી. મુલાકાતો દરમિયાન તે એવા પ્રશ્નો પૂછતી કે પેલા મહાનુભાવના ચહેરા પર ભય અને મૂંઝવણ દેખાતાં. દંભ તો કરી શકે તેમ નહોતું, ઓરિયાનાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે: ‘બીજું કંઈ લખવા કરતાં આ મુલાકાતો લેવી સરળ છે. તમારે તેના બગીચાનાં પુષ્પો ચૂંટી કાઢીને, તમારા પોતાના તરીકે વેચી શકો છો.’ જોકે, આ બીજાઓ પર વ્યંગ હતો, ઓરિયાના તો કાંટા વીણવા માટે જાણીતી હતી. તેના પ્રશ્નો ‘યસ, સર!’ જેવા નહોતા. સામેની વ્યક્તિ ઉશ્કેરાટમાં આવી જાય અને ઓરિયાનાને જે વાત કઢાવવાની હોય તે મેળવી લે. તે લખે છે: ‘હું ચીસ પાડતી, બૂમરાણ કરતી અને દૃશ્ય સર્જતી..’ જોકે, હવે પ્રાયોજિત મુલાકાતો વધી છે, મુલાકાત લેનાર અને આપનાર બંને વચ્ચે અલિખિત સમજૂતી હોય છે કે શું પૂછવું, શું જવાબ આપવો. ક્યાંક આત્મશ્લાઘા, ક્યાંક વિનમ્રતા, ક્યાંક ઇનકાર અને સ્વીકાર ચાલ્યા કરે. ચર્ચિલે પોતે કરેલા ગુનાઓનો કોઈ પણ પત્રકારની મુલાકાતમાં સ્વીકાર કર્યો નહોતો. ફેલાસી ઇસ્લામિક કટ્ટરવાદની વિરોધી હતી અને ખોમેનીને તેણે મોંઢામોંઢ સંભળાવ્યું હતું. ઈટાલીના ફ્લોરેન્સના એક કબ્રસ્તાનમાં ઓરિયાના ફેલાસી સૂતી છે, તેની ખાંભી પર લખ્યું છે, ઓરિયાના ફેલાસી 29 જૂન, 1929-15 સપ્ટેમ્બર, 2006.
Read Original Article →