રિફ્લેક્શન:એક ક્લિકનું બજાર: ઓનલાઇન શોપિંગનું બદલાતું વિશ્વ
નમ્રતા દેસાઈ હમણાં IPLની મેચોમાં વચ્ચે-વચ્ચે અનેક શોપિંગ એપ્સની જાહેરખબરમાં લાઈફસ્ટાઈલની લોભામણી સ્કીમો ફ્લોટ થતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને મધ્યમ વર્ગના ઉપભોક્તાઓને આકર્ષવા માટે જાતજાતની ડીલ્સ હાઇલાઇટ કરાય છે. કોસ્મેટિક્સ, ડ્રેસીસ, શૂઝ-સેન્ડલથી માંડીને ખીલી, સોય-દોરો, બટન અને શાકભાજી પણ ફક્ત 10થી 15 મિનિટમાં જ તમારા ઘરે હાજર થઈ જાય છે. આજે માત્ર મોબાઈલની સ્ક્રીન પર આંગળી ફેરવતાં જ દુનિયાનું બજાર આપણા ઘરમાં આવી ગયું છે. ઓનલાઇન શોપિંગ હવે માત્ર સુવિધા નથી રહી, એ એક જીવનશૈલી બની ગઈ છે.
સવારની ચા સાથે માણસ હવે સમાચાર ઓછા અને સ્કીમો તથા ઓફર્સ પર સ્ક્રોલ વધુ કરે છે. એક ક્લિકમાં કપડાં, દવાઓ, ફર્નિચર, ભોજનથી લઈને પેઇન્ટ્સ અને આભૂષણો સુધી બધું જ ઘર સુધી આવી જાય! ઓનલાઇન શોપિંગે દુનિયાને ઝડપ શીખવી છે અને સમય પણ બચાવ્યો છે. કોવિડ પછી તો ઓનલાઇન ખરીદી જીવનનો અનિવાર્ય ભાગ બની ગઈ છે. પરંતુ, દરેક ચમક પાછળ એક પડછાયો પણ હોય છે.
ઓનલાઇન શોપિંગ માણસને તેની જરૂરિયાત કરતાં તેની ઈચ્છાઓને વધુ બહેલાવે છે. ડિસ્કાઉન્ટ અને સેલના મોહમાં આપણે ઘણીવાર એવી વસ્તુઓ ખરીદી લઈએ છીએ જેની ખરેખર કોઈ જરૂર જ હોતી નથી! બીજી તરફ, સ્થાનિક દુકાનો પર પણ આની માઠી અસર પડી છે. વર્ષોથી ચાલતી નાની દુકાનો મોટી ઈ-કોમર્સ કંપનીઓ સામે સંઘર્ષ કરી રહી છે. પહેલાં ઘર કે ઓફિસની નજીકના દુકાનદાર સાથે એક આત્મીય સંબંધ હતો, હવે માત્ર ‘ઓલ્ગોરિધમ’ સાથે સંબંધ છે.
પહેલાં ‘ભાઈ, પૈસા પછી આપી જશો તો પણ ચાલશે!’ જેવી માનવીયતા હતી, હવે માત્ર ઓનલાઇન પેમેન્ટ જ લાઈફસ્ટાઈલ બની ગઈ છે. માણસ હવે રાહ જોવાનું ભૂલી રહ્યો છે. આજે ઓર્ડર, કાલે ડિલિવરી અને જો થોડું મોડું થાય તો ગુસ્સામાં ઓર્ડર કેન્સલ કરવાની પણ સુવિધા! આ ઝડપે માણસને સુવિધા તો આપી, પણ તેની સહનશક્તિ ઓછી કરી નાખી છે.
આ ઓનલાઇન શોપિંગનો પર્યાવરણ પર પણ મોટો પ્રભાવ જોવા મળે છે. હજારો પેકેટ્સ, plastics, ડિલિવરી વાહનો અને સતત થતું પરિવહન પ્રકૃતિ પર ભાર વધારી રહ્યાં છે. એક નાનકડી વસ્તુ માટે પણ મોટું પ્લાસ્ટિક કે બોક્સનું પેકેજિંગ હવે સામાન્ય બની ગયું છે. સવાલ માત્ર એટલો નથી કે આપણે શું ખરીદીએ છીએ? પ્રશ્ન એ છે કે શું હવે વસ્તુઓ આપણને ખરીદી રહી છે? ઘરગથ્થુ થેલીઓમાંથી સ્ક્રીન સુધી પહોંચતાં-પહોંચતાં ખરીદીનો ખરો આનંદ અને લાગણીઓ ખોવાતાં ચાલ્યાં છે. એક સમય હતો જ્યારે ખરીદી માત્ર વસ્તુ લેવા માટે નહોતી થતી, એ એક ઉત્તેજના અને ઉત્કંઠા હતી. રવિવારે આખો પરિવાર બજારમાં નીકળતો... રસ્તાઓની ભીડ, ગરમ ફરસાણ અને મીઠાઈની સુગંધ, દુકાનદારોની બૂમો, બાળકોની જિદ્દ અને હાથમાં લટકતી થેલીઓ! આ બધું ખરીદેલી વસ્તુ કરતાં પણ વધુ કિંમતી હતું.
માને સાડી પસંદ કરતાં કલાકો લાગી જતા, પિતા ભાવતાલ કરતા અને બાળકો વચ્ચે આઈસ્ક્રીમ કે રમકડાં માટે જીદ કરતા. બજાર માત્ર વેપાર નહોતું, એ સંબંધોનું એક મિલન સ્થળ પણ હતું; જ્યાં દૂર રહેતાં સ્નેહીજનો પણ અચાનક મળી જતાં અને વાતો વાતોમાં સમય સરી જતો. ઘરે પાછાં ફરવાની કોઈને ઉતાવળ નહોતી. આજે આ બધું જ ધીમે ધીમે મોબાઈલની સ્ક્રીનમાં સમાઈ ગયું છે.
હવે માણસ એકલો બેઠો હોય છે, હાથમાં ચાનો કપ હોય છે અને સામે મોબાઈલમાં એકલો જ શોપિંગ કરતો હોય છે. પરંતુ કદાચ, આ ખરીદીમાંથી માનવીય સ્પર્શ અને આત્મીયતા ગુમ થઈ ચૂક્યા છે. સ્ક્રીન પર દેખાતી ‘Recommended for You’ વસ્તુઓ આપણાં મનને બહેકાવે છે, પણ આપણા ચહેરા પરનો થાક, ખાલીપો કે આંખોમાંની ઉદાસી સમજી શકતી નથી.
ડિજિટલ દુનિયા ખૂબ સ્માર્ટ બની ગઈ છે, પરંતુ સાથે એટલી જ નિર્જીવ પણ. આજે ઘરમાં પાર્સલ વધારે આવે છે અને લોકો ઓછા આવે છે. થેલીઓ વધી ગઈ છે, પરંતુ સાથે ચાલનારા હાથ ઓછા થઈ ગયા છે. ક્યારેક લાગે છે કે ઓનલાઇનમાં વસ્તુઓ ખરીદતાં-ખરીદતાં, ધીમે ધીમે આપણે જીવનના નાના-નાના આનંદો ખોઈ બેઠા છીએ.
સુવિધા એટલી ખરાબ નથી, અને સમય સાથે બદલાવ પણ જરૂરી છે. પણ કદાચ ક્યારેક ફરી કોઈ સાંજ એવી હોવી જોઈએ જ્યાં માણસ ‘કાર્ટ’ નહીં, પણ પોતાના લોકોને લઈને બજારમાં નીકળે. બિનજરૂરી ચીજવસ્તુઓના મોહથી મુક્ત રહે અને થોડી પૈસાની પણ બચત કરે. લોભામણી ઓફર્સમાં ખેંચાઈ જતાં અટકે અને સભાનતા કેળવે. જ્યારે માર્કેટમાં પરિવાર કે મિત્રો સાથે, એકબીજાની પસંદ-નાપસંદનું માન જાળવીને ખરીદી થાય, ત્યારે જ માનવીય સંબંધોનું સાયુજ્ય જળવાય છે.
હાલમાં તો ઓનલાઇન શોપિંગની મજામાં આપણી આસપાસના કેટલાય કરિયાણાવાળા, શાકભાજી-ફળફૂલવાળા, પ્રોવિઝન સ્ટોર્સ અને બેકરી કે લારી-ગલ્લા જેવા નાના વેપારીઓ પોતાની રોજની આવકનું સાધન ગુમાવી રહ્યા છે; જેનાથી તેમનું ઘર ચાલતું હોય છે અને તેમની જવાબદારીઓ પૂરી થતી હોય છે.
આ પરિસ્થિતિમાં ઓનલાઇન શોપિંગ આપણી સંવેદનાઓને બુઠ્ઠી કરી રહ્યું છે. જ્યારે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની સામાજિક, આર્થિક અને શારીરિક પીડાઓ વધતી જતી હોય, ત્યારે આપણે શોપિંગ માટે મોબાઈલ પર એક ક્લિક કરતાં પહેલાં આવા જરૂરિયાતમંદ નાના વેપારીઓ વિશે એક વિચાર ચોક્કસ કરવો જ જોઈએ!
Read Original Article →