ડૉક્ટરની ડાયરી:પોટાશ જેવો આજનો આ વર્તમાન છે, ને કમનસીબે આપણી રૂની દુકાન છે
ઉત્તર ગુજરાતનું પચાસેક હજારની વસ્તી ધરાવતું ટાઉન. ત્યાં ડૉ. રાવલ સાહેબ વર્ષોથી જનરલ સર્જન તરીકે પ્રેક્ટિસ કરે. સૌમ્ય ચહેરો. મૃદુ વ્યક્તિત્વ. મીષ્ટ વાણી. દર્દીઓમાં સર્વાધિક પ્રિય.
સવારે સાડા આઠ વાગે જ્યારે બીજા બધા લોકો ચા-નાસ્તો કરતા હોય ત્યારે ડૉ. રાવલ ભોજન પતાવી લે. પછી તૈયાર થઈને દવાખાને જાય. સવારથી જ દર્દીઓએ ભીડ જમાવેલી હોય. ઓ.પી.ડી. પતાવતાં બપોરના ત્રણ વાગી જાય. ત્રણ વાગ્યા પછી ડૉ. રાવલનું ઓપરેશન થિયેટર ચાલુ થાય. એ છેક રાતના નવ વાગ્યા સુધી ચાલે. એ પછી ડૉક્ટર સાહેબ ઘરે જાય, વાળુ કરે અને પથારીમાં પડે.
બે સમયના ભોજન વચ્ચે ચા નહીં, નાસ્તો નહીં, ખાવાના નામ પર છીંક, ઉધરસ કે બગાસું પણ નહીં.
આવો નિત્યક્રમ કોઈ ડૉક્ટરનો ન હોય. ડૉ. રાવલનો પણ ન હતો. પછી એક દિવસ તેઓ સવારના નવ વાગ્યાથી શરૂ થયેલું કામ બપોરે બે વાગે પતાવીને લંચ માટે ઘરે જવા નીકળ્યા ત્યારે ગામડેથી આવેલાં એક પતિ-પત્ની ભટકાઈ ગયાં. પુરુષે પૂછ્યું, “સાહેબ, અમે રાજસ્થાનથી આવ્યાં છીએ, અમારો કેસ તપાસીને જાવ ને! અમે પણ ભૂખ્યાં જ છીએ, તમને જમવાનું યાદ આવ્યું?’
બસ, તે દિવસથી જ ડૉ. રાવલે ઘરે જવાનું બંધ કરી દીધું. રોજના દોઢસોથી બસો દર્દીઓ એમની પાસે આવે, એમાંથી કોઈએ સાહેબના કારણથી બેસી રહેવું ન પડે. એ ટાઉન અને આજુબાજુના બસો કિ.મી.ના ઘેરાવામાં રહેતા દર્દીઓ એમને ભગવાન માને.
એક દિવસ એક પતિ-પત્ની એમની પાસે આવ્યાં. પત્ની મંજુલાને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. દર્દ એવું થાય કે આંખો સામે મોત નાચતું દેખાય. આવું વારંવાર થતું હતું.
ડૉ. રાવલે મંજુલાની હિસ્ટ્રી જાણીને અને એને તપાસીને એના પતિ જયકાંતને કહ્યું, “મંજુબહેનને ગોલ બ્લેડરમાં સ્ટોન્સ હોય એવું લાગે છે. પિત્તાશયમાં પથરી. મારી હોસ્પિટલના નીચેના ફ્લોર પર ડૉ. પટેલનું સોનોગ્રાફી સેન્ટર છે. ત્યાં જઈને પેટની સોનોગ્રાફી કરાવીને રિપોર્ટ લઈને પાછાં આવો.’
અડધા કલાકમાં રિપોર્ટ તૈયાર થઈ ગયો. ડૉ. રાવલનું નિદાન સાચું હતું. ‘મંજુલાની સારવાર માટે એક જ ઉપાય હતો, ઓપરેશન કરીને પિત્તાશયની કોથળી કાઢી નાખવાનો.’
“બીજો કોઈ ઉપાય નથી? દવાથી નહીં મટે?’ જયકાંતે પૂછ્યું. ડૉ. રાવલે ના પાડી. ઓપરેશન કરાવવાનો નિર્ણય લેવાઈ ગયો.
બે દિવસ પછીની તારીખ અને સમય નક્કી થઈ ગયો. એનેસ્થેટિસ્ટને જાણ કરી દેવામાં આવી.
નિર્ધારિત દિવસે બપોરે ત્રણ વાગે મંજુલાનું ઓપરેશન સફળતાપૂર્વક પૂરું થઈ ગયું. રાત્રે ઘરે જતાં પહેલાં ડૉ. રાવલ સ્પેશિયલ રૂમમાં પેશન્ટને જોવા માટે ગયા. બંધ રૂમમાં સિગારેટના ધુમાડાના ગોટે ગોટા ઘૂમરાઈ રહ્યા હતા. તમાકુની દુર્ગંધ માથું ફાડી નાખતી હતી.
ડૉ. રાવલ ક્યારેય કોઈ પેશન્ટ ઉપર ગુસ્સો ઠાલવતાં ન હતા, પણ જો એનાં સગાં-વહાલાંનો વાંક દેખાય તો એમની ઉપર અચૂક પુણ્યપ્રકોપ વરસાવતા હતા.
“જયકાંતભાઈ, હું જાણું છું કે તમે કેવા ખાનદાનમાં જન્મ્યા છો. આપણે બંને એક જ જ્ઞાતિના સભ્યો છીએ. આટલી બધી સિગારેટો ફૂંકવાનું તમને શોભે છે?’ ડૉક્ટરે ઠપકો આપ્યો.
જયકાંતે નફ્ફટ ઉત્તર આપ્યો, “શોખને અને ન્યાત-જાતને શું લાગે-વળગે? હું તો ડ્રિન્ક્સ પણ લઉં છું. સિગારેટ વગર તો મને અડધો કલાક પણ ચાલતું નથી.’ આટલું ઓછું હોય તેમ જયકાંતે આ સવાલ પૂછીને તો ઉદ્ધંડતાની હદ વટાવી દીધી, “ઓપરેશન તો મંજુલાનું થયું છે, હું સિગારેટ પીવું એમાં એને શું નુકસાનન થવાનું છે?’
“જયકાંતભાઈ, તમે ક્યારેય ‘પેસિવ સ્મોકિંગ’ જેવો શબ્દ સાંભળ્યો છે? તમે એક્ટિવ સ્મોકર છો પણ બંધ રૂમમાં તમે જે ધુમાડો ફેંકો છો તે બીજા લોકોનાં ફેફસાંમાં પણ પ્રવેશે છે. મંજુલાનું આજે જ ઓપરેશન થયેલું છે. આ ધુમાડાનાં વાદળો એના શ્વાસમાં.…’ ડૉ. રાવલ આગળ બોલતા અટકી ગયા. જયકાંતનો ચહેરો કહી આપતો હતો કે ડૉ. રાવલ સાહેબની વાત એના માટે પથ્થર પર પાણી જેવી હતી.
મંજુલાને ઓપરેશન પછી સારું હતું. કોઈ જ ફરિયાદ ન હતી. ચોથા દિવસે એને રજા આપવામાં આવી. બિલ ભરતી વખતે જયકાંતે ઘણા બધા પેંતરાઓ અજમાવ્યા. જ્ઞાતિબંધુ હોવાના નાતે પાંચ હજાર તો એણે પોતે જ કાપી નાખ્યા. પછી ડૉ. રાવલ સાહેબના ગાઢ મિત્ર એવા એક ડૉક્ટર દ્વારા ફોન કરાવીને બીજા ત્રણ હજાર રૂપિયા ઓછા કરાવ્યા. છેલ્લે પોતાની આર્થિક સ્થિતિ સારી નથી એવું જૂઠ્ઠું બોલીને બીજા બે હજાર કાપી નાખ્યા.
ડૉ. રાવલના હોઠો પર આ સવાલ આવી ગયો, “જો તમારી આર્થિક સ્થિતિ નબળી હોય તો પછી રૂપિયાનો આટલો બધો ધુમાડો શા માટે કરો છો?’ પણ ડૉક્ટર ચૂપ રહ્યા, બીડી-સિગારેટ-ગુટખાના બંધાણી કેન્સર થાય તે પહેલાં ક્યાં કોઈનું સાંભળે છે? અને કેન્સર થયા પછી ભગવાન ક્યાં આવા ગાંડાઓનું સાંભળે છે!
સાતમા દિવસે મંજુલા ટાંકા અને ડ્રેસિંગ માટે આવી ગઈ. બધું સારું હતું. એ પછીના એક મહિનામાં એ ત્રણ વાર ફોલો અપ વિઝિટ્સ માટે આવી ગઈ. કોઈ તકલીફ નહીં, કોઈ ફરિયાદ નહીં. બે મહિના વીતી ગયા. ડૉ. રાવલ સાહેબે કહ્યું, “હવે તમારે મારી પાસે આવવાની જરૂર નથી. મેં સલાહ આપી છે તે પ્રમાણે ખાવા-પીવામાં ચરબી પાળજો.” મંજુલા સંતોષ પામીને ગઈ.
અઢી મહિના પછી જયકાંતનો ફોન આવ્યો, “ડોક્ટર સાહેબ, મારી વાઈફને બે-ત્રણ દિવસથી તાવ આવતો હતો, સખ્ખત ખાંસી પણ હતી. અમે ફિઝિશિયન પાસે ગયા. તેમણે છાતીનો એક્સ રે કરાવવાની સલાહ આપી. રિપોર્ટ જોઈને કહ્યું કે પેશન્ટને ન્યુમોનિયા થયો છે. ફિઝિશિયને તો મંજુલાને હોસ્પિટલમાં એડમિટ કરવાની સલાહ આપી છે, પણ હું એને ઘરે લઈ આવ્યો છું. મને લાગે છે કે દવાથી સારું થઈ જશે. તમે એનું ઓપરેશન કર્યું છે એના કારણે તો આ તકલીફ નહીં થઈ હોય ને?’
બીજા બે દિવસ પછી મંજુલાની હાલત ગંભીર થઈ ગઈ. એને હોસ્પિટલમાં લઈ જવી પડી, ડોક્ટરે કહ્યું, “તમે ખૂબ મોડું કરી દીધું.’ બે દિવસ પછી મંજુલાનું મૃત્યુ થયું.
જયકાંતે ફિઝિશિયનનું બિલ તો ચૂકવ્યું નહીં, ઊલટું, સર્જન ડૉ. રાવલ સાહેબને વકીલની નોટિસ મોકલી આપી, “તમે ઓપરેશનમાં ગંભીર ભૂલ કરી તેના પરિણામે મારી પત્ની મૃત્યુ પામી છે. મને વળતર પેટે એક લાખ રૂપિયા આપો, નહિતર કોર્ટકેસનો સામનો કરવા તૈયાર રહો.’
આખા ટાઉનમાં હાહાકાર મચી ગયો. જયકાંતના નાતીલાઓ ઊમટી પડ્યા, “ભાઈ, ડૉ. રાવલ સાહેબ આપણી જ્ઞાતિનું ગૌરવ છે. આખું નગર એમને ભગવાન માને છે. તારે એમની પાસેથી એક લાખ પડાવવા છે? ઈશ્વરનો તો ડર રાખ.’
જીદે ચડેલો જયકાંત ન માન્યો. ડૉ. રાવલે કેસ લડી લેવાનું નક્કી કરી લીધું. સારામાં સારો વકીલ સામે ચાલીને એમનો કેસ લડવા માટે દોડી આવ્યો. બે-ત્રણ તારીખો માંડ પડી. એક્સપર્ટ ડોક્ટરે જુબાની આપતાં કહ્યું, “પિત્તાશયની સર્જરીને ફેફસાંના ઇન્ફેક્શન જોડે કશી જ લેવા-દેવા નથી. ધૂળ-ધુમાડો-બેક્ટેરિયાથી ન્યુમોનિયા થઈ શકે. ફરિયાદીએ આ કેસ ફક્ત ડૉ. રાવલને હેરાન કરવા માટે જ કર્યો છે.’
વિદ્વાન જજ સાહેબે જયકાંતની ફરિયાદ કાઢી નાખતાં કહ્યું, “ડૉ. રાવલ ઈઝ એ રેપ્યુટેડ સર્જન. ફરિયાદીએ પાયાવિહોણી ફરિયાદ કરીને એમની ઈમેજને નુકસાન પહોંચાડ્યું છે. મિ. જયકાંતને આ કોર્ટ ડૉ. રાવલની પ્રતિષ્ઠાને થયેલી હાની બદલ વીસ હજાર રૂપિયા ચૂકવવાનો આદેશ આપે છે.’
એ પછી પૂરો એક મહિનો જયકાંતે દોડાદોડી કરી મૂકી. આખી ન્યાતમાં ઘૂમી વળ્યો. એક ડઝન ડૉક્ટરોના પગ પકડ્યા. એની વિનંતી હતી, ‘ડૉ. રાવલ સાહેબને સમજાવો કે તેઓ મારા વીસ હજાર રૂપિયા જતા કરે.’
- શીર્ષકપંક્તિ : અશોકપુરી ગોસ્વામી
Read Original Article →