રિફ્લેક્શન:નો નોઇસ પ્લીઝ
નમ્રતા દેસાઈ થો ડાં વરસો પહેલાં કેનેડાના ક્યુબેકના પ્રવાસે જવાનું થયેલું. ત્યાર બાદ યુએસના પ્રવાસે! બન્ને દેશમાં જ્યાં અમે રહ્યાં હતાં એ વ્હાઈટ પીપલ કોમ્યુનિટી. એટલે આપણાં ઇન્ડિયનોનાં માંડ બે-પાંચ ઘર! ત્યાં દરેક ઘરની આગળના ભાગમાં નાનકડા ગાર્ડનમાં એકસરખાં બોર્ડ મૂક્યાં હતાં- ‘નો નોઇસ પ્લીઝ.’
તમે મ્યુઝિક વગાડો કે મોટેથી વાત કરો કે પછી મોટેથી હસો છો તો તરત જ પોલીસને જાણ કરી દેવામાં આવે! આપણા દેશમાં જો ‘નો નોઇસ પ્લીઝ’નાં બોર્ડ મૂકવામાં આવે તો આખે આખા બોર્ડ જમીનમાંથી ઉખાડીને રાતોરાત ફેંકાઈ જાય. અવાજ! ઘોંઘાટ, કર્કશતા એ આપણને હવે કોઠે પડી ગઈ છે.
આપણને અવાજોની દુનિયામાં જીવવાની ફાવટ આવી ગઈ છે. એક ભાઈ રેલવેમાં જોબ કરતા હતા. રિટાયર્ડ થયા પછી જ્યાં સુધી એ રાત્રે ટ્રેનનો અવાજ ન સાંભળે ત્યાં સુધી એમને ઊંઘ નહીં આવે. થોડો સમય જેમ તેમ કાઢ્યો પણ આખી રાત પેલા ભાઈ ઊંઘે નહીં એટલે ઉજાગરાને લઈને જાતજાતના રોગો ઘર કરી ગયા. અંતે એમણે સોસાયટીનો બંગલો છોડીને રેલવે સ્ટેશનની નજીક ફ્લેટ લીધો. અવાજ એટલે આપણા ભારતીયોની બીજી ઓળખ.
આપણી બહાર અને ભીતર બન્ને જગ્યાએ કોલાહલ અને અવાજોનું સામ્રાજ્ય. આપણા દેશમાં ધર્મનો અવાજ પણ લાઉડ અને શાકભાજી વેચતા ફેરિયાનો અવાજ પણ. ધ્વનિ પ્રદૂષણ એ આપણી રોજબરોજની દિનચર્યાની એક આદત છે જે છૂટતી નથી. ફોરેન ટ્રિપ માટે ખાસ્સા રૂપિયા ખર્ચ કરે ને પછી ત્યાંના દેશોની સિસ્ટમને અહોભાવથી જોઈને વળી આપણી સામે ગુણગાન વગાડે, પણ એવી સિસ્ટમને અનુરૂપ થવા તૈયાર નથી હોતા. ટ્રાફિક સિગ્નલ પર પાંચ મિનિટ ઊભાં રહેવું પડે તો બીજા વાહનની આગળ નીકળી જવાની જાતે જ ઊભી કરેલી હોડમાં સતત હૉર્ન વગાડવામાં કયો અહમ સંતોષ પામતો હશે?
સવારમાં ઊઠતાં જ આપણે જે અવાજો સાંભળીએ છીએ- હૉર્ન, ટ્રાફિક, કન્સ્ટ્રક્શન, મોબાઇલ, માઈક એ બધું મળીને એક ભદ્દા શોરમાં બદલાઈ ગયું છે. સતત શોરમાં રહેવાથી ચીડિયાપણું વધે છે, એકાગ્રતા ઘટે છે અને થાક વધે છે. વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે વધુ અવાજ બ્લડ પ્રેશર અને સ્ટ્રેસને વધારી શકે છે, પરંતુ અવાજનું બીજું પાસું પણ છે. સંગીત. મધુર કર્ણપ્રિય એ પણ તો અવાજ જ છે.
એક સરસ ગીત થાકેલા મનને શાંતિ આપે છે, યાદોને જીવંત કરે છે અને ક્યારેક તો દુ:ખને પણ હળવું બનાવે છે. આજના સમયમાં ‘સાઉન્ડ હાઈજીન’ બહુ અગત્યનું છે. જેમ આપણે સ્વચ્છતા માટે જાગ્રત છીએ, તેમ અવાજ માટે પણ થવું જોઈએ. ઘરમાં અને બહાર બિનજરૂરી શોર ઘટાડીને નેચરલ સાઉન્ડ સાથે સમય વિતાવવાનો આંનદ જ અલગ છે! અવાજનું નુકસાન તેની તીવ્રતા, એના ડેસિબલ અને સમય પર આધાર રાખે છે.
કેટલા DBથી આપણા કાનને ફાયદો કે નુકસાન થાય એ જાણવું મહત્ત્વનું છે. 40થી 50 DBનો અવાજ સામાન્ય વાતચીત માટે સલામત ગણાય. પરંતુ જોખમ અહીંથી શરૂ થાય છે જ્યારે 80થી 85 DBનો અવાજ જો લાંબા સમય એટલે કે 8થી 9 કલાક માટે સાંભળો તો કાનને ચોક્કસ નુકસાન થવાનું શરૂ થાય છે, જેમાં લાંબા લાંબા જાહેર સંસ્થાઓના પ્રોગ્રામમાં સમાજના અગ્રણીઓ માઈક છોડવા તૈયાર નથી હોતા. જ્યારે 90થી 100 DBના અવાજથી એટલે હેવી ડ્યૂટી ટ્રાફિક, ટ્રક, ડમ્પર, ટેન્કર અને મશીનરી વગેરેથી 1 કે 2 કલાકમાં જ નુકસાન થઈ શકે.
100થી 110 DB લાઉડ મ્યુઝિક, DJ 15થી 30 મિનિટમાં અસર શરૂ થાય તો 120 DBનો અવાજ જેમ કે ફટાકડા, સાયરનથી તરત જ દુખાવો અને નુકસાન થાય, ખાસ કરીને અબોલ પ્રાણીઓ અને પંખીઓને, કારણ કે અવાજના કંપનથી એમના હેર સેલ્સ તરત જ સક્રિય થઇ જાય છે. એટલે માણસ કરતાં એમની અવાજની ડેસિબલની ઓછી તીવ્રતા પણ એમને ઝડપથી અને વધુ નુકસાન કરે છે. જો 140 ડેસિબલથી અવાજની તીવ્રતા વધુ હોય તો આપણને કાયમ માટે બહેરાશ આવવાની શક્યતા રહેલી છે એટલે 85 DBથી ઉપરનો અવાજ લાંબા સમય માટે ખતરનાક છે.
ભારતમાં અવાજ નિયંત્રણ માટે Noise Pollution Regulation and Control Rules, 2000 લાગુ પડે છે. આ નિયમો CPCB દ્વારા બનાવવામાં આવ્યા છે. આ કાયદા મુજબ અલગ અલગ વિસ્તારો માટે અવાજની તીવ્રતાની લિમિટ નક્કી રાખવામાં આવી છે. રહેણાક વિસ્તારમાં દિવસના સમયે (6am-10pm) 30થી 40 ડેસિબલ અને કોમર્શિયલ માટે 55 ડેસિબલ જ્યારે ઇન્ડસ્ટ્રિયલ માટે 75 ડેસિબલની પરમિશન છે. આ ઉપરાંત શાંતિ વિસ્તાર જેવા કે હોસ્પિટલ, સ્કૂલની નજીકમાં 40 ડેસિબલનો અવાજ માન્ય ગણાય.
ખાસ કરીને રાત્રે 10 વાગ્યા પછીથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર, DJ, મોટા અવાજ પર પ્રતિબંધ. હોસ્પિટલ, સ્કૂલની આસપાસ 100 મીટર સુધીનો વિસ્તાર ‘Silent Zone’ જાહેર થાય. અને તહેવારોમાં જેમ કે દિવાળી, હોળી, ઉત્તરાયણમાં અવાજની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો આ કાયદાઓ જાણી લેવાય અને જો કોઈ અવાજથી આપણી શાંતિ કે પ્રાઈવસી ભંગ થતી હોય તો પોલીસમાં ફરિયાદ કરી શકાય અને દંડ અથવા કાયદાકીય કાર્યવાહી થઈ શકે, જરૂર પડે તો સાધનો સ્પીકર વગેરે જપ્ત થાય.
WHO (વૈશ્વિક આરોગ્ય સંસ્થા) મુજબ, દુનિયામાં લગભગ 1.5 અબજ લોકો કોઈ ને કોઈ સ્તરે સાંભળવાની તકલીફથી પીડાય છે, જેમાંથી 43 કરોડ લોકો ગંભીર (Disabling) હિયરિંગ લોસનો શિકાર છે અને તેનું મુખ્ય કારણ ‘Noise’ (અતિશય ઘોંઘાટ) છે.
આપણને અવાજના અરણ્યમાં રાજા બનીને રાજ કરવું છે. મંદિર, મસ્જિદ, વક્તાઓ, પોલિટિશિયનો, જાહેર સંસ્થાના પ્રવક્તાઓ અને ટ્રાફિકનુ ભારણ, શેરી ક્રિકેટ મેચ, ફેરિયાઓ, DJને સહન કરી લેતા શીખી ગયા છીએ, કારણ કે અવાજ જેટલો એનલાર્જ કરીએ એટલું આપણું મહત્ત્વ વધે, એવી ભ્રમણામા જીવનારાં આપણે બધાં અવાજનાં વમળમા અટવાઈ જવાને બદલે શાંતિના કેન્દ્રમાં વસવાટ કરીએ તો કાનની આવરદા વધે અને આપણી પણ.
Read Original Article →