પ્રસંગકથા:નરેન્દ્રથી વિવેકાનંદ: માતાએ આપેલા સંસ્કારોની સરવાણી
નટવર આહલપરા
ભણતરના પહેલા પાઠ હંમેશાં માતા જ આપે છે. માતા ભુવનેશ્વરીએ બાળ નરેન્દ્રને પોતાના ખોળામાં બેસાડી રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવેલી. વાણી, વર્તન અને વિચાર- જેની રગે રગમાં વિનયની સરવાણી વહેતી હતી, એવા પ્રતિભાશાળી સ્વામી વિવેકાનંદના બાલ્યકાળના પ્રેરક પ્રસંગો આ રહ્યા.
***
બાળક નરેન્દ્ર તોફાની અને હઠીલા હતા. કેટલીકવાર તે એવા ઉશ્કેરાટમાં આવી જતા કે તેમને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બની જતું. ધમકી કે સમજાવટને તે વશ થતા નહીં. તેવે વખતે ભુવનેશ્વરી દેવી એક રામબાણ ઉપાય તેમની ઉપર અજમાવતા. નરેન્દ્રના માથા ઉપર ઠંડું પાણી રેડતાં અને તેના કાનમાં ધીમે રહીને ‘શિવ’નું નામ બોલતા, એટલે નરેન્દ્ર તરત શાંત થઈ જતા. કોઈવાર ભુવનેશ્વરી દેવી કંટાળીને એમ કહેતાં કે, ‘મેં ભગવાન શંકર પાસે પુત્ર માગ્યો, પણ એ ભૂતનાથે પોતાના એક ભૂતને જ મોકલી આપ્યો!’ મિત્રો, ઘણીવાર નાનપણમાં તોફાની જણાતાં બાળકો આગળ જતા વિવેકાનંદ જેવા માયાળુ અને પ્રતિભાસંપન્ન બનતા હોય છે.
***
સાધુ-સંતો પ્રત્યે નરેન્દ્રને નાનપણથી જ ખૂબ આદરભાવ હતો. તેમને ઘેર કોઈ પણ સાધુ આવે એટલે તે રાજી-રાજી થઈ જાય. એકવાર એક સાધુએ બારણે ઊભા રહીને ભિક્ષા માગી, ત્યારે નરેન્દ્રે તેમને પોતાની નવી નક્કોર ધાબળી આપી દીધી. ભુવનેશ્વરી દેવીને આ વાતની ખબર પડી ત્યારથી તેઓ કોઈ સાધુ આવે ત્યારે નરેન્દ્રને ઓરડીમાં પૂરી દેતા, પણ નરેન્દ્ર આ યુક્તિમાં આવી જાય તેવા ન હતા; તેઓ સાધુ-સંતોને આપવાની વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દેતા. બહેનોને ચીડવવામાં તેમને બહુ મજા પડતી. બાળ નરેન્દ્રના આવાં તોફાનો બહેનો તથા માતાને રમૂજ પણ કરાવતા. ઘરના નોકરોમાં ઘોડાગાડીનો કોચવાન તેમનો પ્રિય દોસ્ત હતો અને ભવિષ્યમાં કોચવાન બનવાના તેમને કોડ હતા.
***
એકવાર નરેન્દ્ર અને પડોશીનો એક છોકરો હરિ, ઘરની મેડી ઉપર ચડીને બારણાં બંધ કરી ધ્યાનમાં બેઠા. ઘણીવાર સુધી નરેન્દ્ર દેખાયા નહીં એટલે તેમની શોધ શરૂ થઈ. મેડીના બારણાં બંધ જોઈને ઘરના માણસોએ બહારથી બૂમો પાડી, પણ અંદરથી કશો જવાબ ન મળ્યો. ગભરાઈને આખરે બારણાં તોડવા પડ્યાં. જોયું તો બંને છોકરાઓ ઊંડા ધ્યાનમાં બેઠેલા!
***
પડોશીને ઘેર નરેન્દ્ર રામકથા સાંભળવા ગયેલા, ત્યાં તેમણે સાંભળ્યું કે હનુમાનજી કેળના બાગમાં રહે છે. આ વાતની તેમના બાળમન ઉપર એટલી ઊંડી અસર થઈ કે રાતે તેઓ કેળના બગીચામાં હનુમાનજીની શોધ કરવા ગયા. મોડી રાતે નિરાશ થઈને જ્યારે તેઓ ઘેર પાછા આવ્યા ત્યારે માતાએ આશ્વાસન આપતા કહ્યું કે ‘હનુમાનજી રામના કોઈ કામ
માટે બીજે ક્યાંક ગયા હશે.’ આ સાંભળીને નરેન્દ્ર શાંત થયા હતા.
Read Original Article →