મેનેજમેન્ટની ABCD:નારાયણ મૂર્તિ સાહેબનો ‘થ્રી પોઈન્ટ’ મંત્ર

Magazine4/29/2026, 12:35:00 AM
બી.એન. દસ્તુર જિં દગીનો 1/3 હિસ્સો વર્કપ્લેસમાં ગુજરે છે. આપણે લાગણીઓમાં લપેટાયેલા ઇન્સાનો છીએ અને વર્કપ્લેસની અંદરની અને બહારની લાગણીઓને અલગ કરી શકતા નથી. બિઝનેસની દુનિયા અસરકારક નોલેજ વર્કરો શોધે છે, સાચવે છે. અસરકારક નોલેજ વર્કરો એવી સંસ્થાઓ શોધે છે જ્યાં કામ કરવામાં આનંદની અનુભૂતિ થતી હોય. નવી નોકરી શોધવા માટે, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ સાહેબે ‘થ્રી પોઈન્ટ મંત્ર’ આપ્યો હતો આઈ.આઈ.એમ. અમદાવાદમાં. આ મંત્ર ત્રણ સવાલોનાં રૂપમાં છે: કંપનીમાં કામ કરતા સૌ કંઈ નવું શીખવા માટે તૈયાર અને તત્પર છે? કંપનીનું વાતાવરણ સ્પર્ધાત્મક છે? કંપનીમાં વ્યાજબીપણું (fairness) અને ન્યાય (justice)નો માહોલ છે? આ ત્રણ સવાલો ખૂબ અગત્યના છે પણ પૂરતા નથી. જરૂર પડશે કંપનીના કલ્ચરની સાચી માહિતીની. તમારાં મૂલ્યો, તમારી પ્રતિભા, તમારી આવડતને અનુરૂપ ન હોય એવાં કલ્ચરમાં પ્રવેશ કરવાથી પસ્તાવાની નોબત આવશે. જે કંપનીમાં જોડાવાની ઈચ્છા છે તેને વિશે પૂરતું હોમવર્ક કરો. કંપનીમાં કામ કરતા નોલેજ વર્કરો અને અન્ય સ્ટેકહોલ્ડરો સાથે ચર્ચા કરો. કંપનીની વેબસાઈટ ચેક કરો. કંપની વિશે દિમાગમાં ઊઠતા સવાલોની યાદી બનાવો. જવાબો મેળવવાન પ્રયત્ન કરો. ઇન્ટરવ્યૂ વખતે પૂછો. કંપનીના સ્થાપકો, સીનિયર મેનેજરોનું બેકગ્રાઉન્ડ તપાસો. કંપનીની રિવોર્ડ પોલિસીની માહિતી મેળવો. દરેક કંપનીમાં 20/80 રેશિયો સક્રિય હોય છે. વીસ ટકા નોલેજ વર્કરો એંસી ટકા પરિણામો આપે છે. તમે આ વીસ ટકામાં આવવાની ક્ષમતા રાખતા હો તો જ તમારે આવા સવાલોના જવાબો શોધવાના છે. કંપનીમાં જોડાયા બાદ પણ કંપનીના કલ્ચર વિશે જાણકારી મેળવતા રહો. કંપનીના કલ્ચર અને સ્ટ્રક્ચરની સાચી માહિતી હશે તો જ તમે હકારાત્મક રાજકારણ ખેલી શકશો અને નકારાત્મક રાજકારણથી બચી શકશો. સી. એ. ઓરી લી અને સાથીઓએ સાત સવાલોની એક યાદી બનાવી છે. કંપનીમાં કામ કરતા આ સવાલોના જવાબો શોધો. 1. ઇનોવેશન, જોખમ ઉઠાવવાની તૈયારી અને માત્રા કેટલી? 2. નાની નાની બાબત ઉપર ધ્યાન આપવાની માત્રા કેટલી? 3. પરિણામો અગત્યનાં, નહીં કે એ મેળવવાના રસ્તાઓ- એવી માન્યતાની માત્રા કેટલી? 4. લોકો ઉપર મેનેજમેન્ટના નિર્ણયોની અસર શું થશે તે સમજવાની, જાણવાની માત્રા કેટલી? 5. ટીમ ઓરિએન્ટેશન કેટલું? કેટલી માત્રામાં કામો ટીમની મદદથી કરવામાં આવે છે? 6. લોકોમાં એગ્રેશન અને સ્પર્ધાની માત્રા કેટલી? 7. કંપનીમાં સ્ટેટસ- કોની માત્રા, પરિવર્તનોની સરખામણીમાં કેટલી? બુધવારનો બોધ કરકસરી પત્ની એના બ્લાઉઝના કાપડમાંથી, પતિની ટાઈ બને એટલું કાપડ બચાવે છે. અતિ કરકસરી પત્ની આનાથી ઉલટું કરે છે.
Read Original Article →