રિફ્લેક્શન:કશુંક લીલુંછમ
નમ્રતા દેસાઈ શું વીતે છે આભ, ધરા પર, વૃક્ષ પડે છે ત્યારે,
વ્યાકુળ થઇ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે.
ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારે બાજુ,
રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે.
થોડી ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના,
માણસ હો કે હો એ પથ્થર, વૃક્ષ પડે છે ત્યારે.
એમ મને લાગે કે ઓછું થયું કશું મારામાં,
હું પણ તૂટું મારી અંદર, વૃક્ષ પડે છે ત્યારે.
કોરી પાટી જેવી ધરતી નીરખો તો સમજાશે,
ભૂંસાતા ઇશ્વરના અક્ષર, વૃક્ષ પડે છે ત્યારે.
– કવિ ઉર્વીશ વસાવડા
અત્યારે મારા ઘરની સામે ખુલ્લા મેદાનમાં ઘણાં વૃક્ષો અડીખમ ઊભાં છે. ખાસ કરીને આ અસહ્ય ગરમીમાં હૃદયને ઠંડક આપતાં ગરમાળાનાં વૃક્ષો! રોજ સવાર-સાંજ મારી એમની સાથે વાતોની આપ-લે થતી રહે છે. એક તો એનાં પીળાં ચટક ફૂલ અને ઉપરથી ગ્રીષ્મ ઋતુમાં બોલતી કોયલનો મીઠો ટહુકો! હું નહીં હોઉં ત્યારે પણ કદાચ આ વૃક્ષો, આ પીળાં ફૂલો અને કોયલનો ટહુકો તો પોતાનું સ્થાન જાળવી જ રાખશે ને!
પણ મારો એ ભ્રમ ક્યાં સુધી રહેશે એ સમજવું ક્યારેક અઘરું લાગે છે; કારણ કે એ ખુલ્લા મેદાનમાં હવે કોંક્રિટનું જંગલ બનવાની તૈયારીઓ થવા માંડી છે. અને જ્યારે એક વૃક્ષ કપાય છે, ત્યારે હજારો પંખીઓની શોકસભા ભરાય છે. આપણે ‘પર્યાવરણની જાળવણી કરીએ, વધુ વૃક્ષો વાવીએ’ એવી ઉપરછલ્લી વાતોમાં જ ભ્રમિત થઈ જઈએ છીએ.
હમણાં ઘણા પ્રસંગોમાં નાના છોડવાઓ ભેટ આપવાનો એક ટ્રેન્ડ ચાલ્યો છે. પણ ઘરે જઈને ભેટ મળેલા એ છોડવાઓની માવજત ખરેખર થાય છે ખરી? એક ઘટાદાર વૃક્ષની સરેરાશ ઉંમર 60 વર્ષથી 200 વર્ષ સુધીની હોય છે અને તે સરેરાશ રોજનો 150થી 250 લીટર ઓક્સિજન છોડે છે. ત્યારે આપણી 4 પેઢીને કુદરતી ઓક્સિજનનો સ્ત્રોત આસાનીથી મળી રહે છે. કોરોના પછીની દુનિયામાં અને જગતમાં થતા જાતજાતનાં યુદ્ધોની વચ્ચે માણસ માનસિક રીતે થાકી ગયો છે. લોકો વચ્ચે રહેવા છતાં એકલતા વધી છે. મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત ચાલતી સ્પર્ધા આપણને હંમેશાં વ્યસ્ત રાખે છે. આવી સ્થિતિમાં વૃક્ષ આપણને એક એવી શાંતિ આપે છે, જે શબ્દો વગર પણ હૃદય સુધી પહોંચી જાય છે.
વૃક્ષ બોલતું નથી, છતાં ઘણું શીખવે છે. તે ઉનાળામાં તાપ સહન કરે છે, વરસાદમાં ઝૂકે છે, પાનખરમાં ખાલી થઈ જાય છે છતાં ફરી લીલુંછમ બનીને ઊભું રહે છે. આજની સતત અસુરક્ષાની લાગણીમાં જીવતા આપણા માટે આ સૌથી મોટી શીખ છે કે પરિસ્થિતિઓ બદલાય, મુશ્કેલીઓ આવે, છતાં તૂટ્યાં વગર ફરી બેઠાં થવું અને જીવવું!
વૃક્ષ ક્યારેય કોઈ ભેદભાવ રાખતું નથી. તેની છાયામાં ગરીબ પણ બેસે છે અને અમીર પણ. તે આપણને સતત ઓક્સિજન આપે છે, છતાં ક્યારેય પ્રશંસાની અપેક્ષા નથી રાખતું. ‘ટ્રી બેસ્ટી’ એટલે કે ‘વૃક્ષ મિત્ર.’ એક એવું વૃક્ષ શોધો જે આપણને ગમે! કદાચ તેની સુગંધ, તેની છાયા, તેની ડાળીઓનો અવાજ કે તેની શાંતિ આપણને એની તરફ ખેંચે. ત્યારબાદ રોજ થોડો સમય તેની પાસે ફોન વગર બેસીએ, ફક્ત પોતાના વિચારો અને વૃક્ષની શાંતિના લય સાથે.
વિજ્ઞાન પણ કહે છે કે વૃક્ષો વચ્ચે સમય પસાર કરવાથી તણાવ ઓછો થાય છે, બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે અને ડિપ્રેશનથી પણ બચી શકાય છે. જાપાનમાં ‘Forest Bathing’ (શિનરિન-યોકુ) જેવી પદ્ધતિઓ લોકપ્રિય બની છે, જ્યાં લોકો જંગલોમાં ચાલીને પોતાના માનસિક આરોગ્યની કાળજી લે છે. હવે તો આપણે ત્યાં પણ બર્ડ વોચિંગ અને વરસાદમાં લોકો ફોરેસ્ટ ટ્રેકિંગ પ્લાન કરે છે, પણ એ સંબંધ ફક્ત વેકેશન પૂરતો જ સીમિત રહે છે, પછી પાછું ‘જેસે થે!’
વિડંબના એ છે કે માણસ આજે પોતાનો ‘મૂડ સુધારવા’ માટે મોબાઈલ સ્ક્રીન તરફ વધુ જુએ છે, જ્યારે પ્રકૃતિ સાથેનો તેનો સંબંધ સતત તૂટતો જાય છે. બાળકો હવે વૃક્ષોની છાયામાં રમતાં નથી; તેઓ એરકન્ડિશન્ડ રૂમમાં ઉછરે છે. પરિણામે પ્રકૃતિ સાથેનો ભાવનાત્મક સંબંધ પણ નબળો પડી રહ્યો છે.
વૃક્ષોનું મહત્ત્વ માત્ર પર્યાવરણ દિવસનાં ભાષણોમાં જ રહી જાય છે. સિટી પ્લાનિંગમાં, રોડ ડિઝાઇનમાં અને રહેણાક યોજનાઓમાં વૃક્ષોને કેન્દ્રસ્થાને રાખવાની તાતી જરૂર છે. વૃક્ષારોપણ ફક્ત ફોટોગ્રાફ પૂરતું જ મર્યાદિત ન રહી જાય અને તેના ઉછેરની જવાબદારી આપણાં સૌની બને તે જરૂરી છે. કુદરતની સૌથી સરળ અને સસ્તી ઠંડક આપતા આ જીવંત વૃક્ષો આજે સતત કપાઈ રહ્યાં છે. કોઈને આંગણામાં વૃક્ષનો કચરો નડે છે, કોઈને એ વૃક્ષો પર બેઠેલાં નિર્દોષ પક્ષીઓની ગંદકી નડે છે, કોઈને મંદિર, મસ્જિદ કે ચર્ચનાં બાંધકામ માટે વૃક્ષ નડે છે, તો કોઈકને એનાં મૂળિયાં જમીનમાં ફેલાઈ જાય તે નડે છે!
વૃક્ષ એટલે સાક્ષાત પરમાત્માનો અંશ. એ ફળ, ફૂલ, છાંયો, મીઠો કલરવ, ઔષધિ, વરસાદ, કાગળ અને અંતે માણસજાતની અંતિમયાત્રાનો સાથીદાર છે. આટલો વફાદાર અને સાચો મિત્ર કોઈ પણ ફરિયાદ વગર આપણો સાથ આપતો રહે છે. જીવનભર અઢળક આપવા છતાં એ ક્યારેય કશું માંગતું નથી અને મૂંગા મોંઢે જ્યારે એની જાણ વગર તેને કાપી નાખવામાં આવે, ત્યારે એ પ્રતિકાર કે ફરિયાદ પણ નથી કરતું.
પ્લાસ્ટિકનાં અને કાગળનાં ફૂલો સજાવીને કૃત્રિમ સૌંદર્યનો આનંદ લેતાં-લેતાં, આપણે હરિયાળાં વૃક્ષોની વચ્ચે જ્યારે ઇન્સ્ટાગ્રામની રીલ્સ બનાવવામાં વ્યસ્ત થઈ જઈએ છીએ, ત્યારે વૃક્ષની ડાળીઓમાં વહેતા કુદરતી સંગીતને માણવાનું ચૂકી જઈએ છીએ. વૃક્ષો ફક્ત ધરતીને જ નહીં, પણ આપણા શ્વાસોશ્વાસને અને માનવતાને પણ જીવંત રાખે છે.
Read Original Article →