ઓક્સિજન:બ્લેક સ્પોટ

Magazine5/6/2026, 12:35:00 AM
‘પપ્પા, આજે તો કોલેજમાં બબાલ થઈ ગઈ.’ માયરા તેના પપ્પા આગળ પોતાનું દુઃખ ઠાલવી રહી હતી કે કેવી રીતે ખાસ સહેલી સાથે તેને ખટરાગ થઈ ગયો. તે પોતાની વાત વિસ્તારથી સમજાવે તે પહેલાં પપ્પા ઊભા થયા અને પોતાના રૂમમાંથી પોતાનું કેનવાસ બોર્ડ લઇ આવ્યા. સાવ સફેદ કેનવાસ ઉપર તેમણે એક કાળું ટપકું કર્યું. પીંછી સફેદ રંગમાં બોળીને દીકરીના હાથમાં આપી. ‘હવે આ સ્પોટની ઉપર પીંછી ફેરવતી જા અને તારી વાત મને કહે.’ માયરા અને તૃષા ખૂબ જિગરી સહેલી હતી. બંનેને એકબીજા વગર ચાલે જ નહીં. સવારે સાથે કોલેજ જાય ત્યારથી આખો દિવસ સાથે જ હોય. ક્યારેક તો એકબીજાનાં ઘરે રોકાઇ પણ જાય. બંને બહેનો જ જોઈ લો. આજે કોલેજમાં, ક્લાસની વચ્ચે, સહુની હાજરીમાં માયરા અને તૃષા વચ્ચે કોઇ બાબતે ચર્ચા ચાલી. બેઉ સહેલીઓનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હતો. તેમાં બીજા લોકોએ ઝંપલાવ્યું તેથી આ ચર્ચા ઉગ્ર થતી ગઈ. પરિસ્થિતિ એટલી વણસી કે બેઉ તું -તારી ઉપર આવી ગયાં અને કોઇ ક્ષુલ્લક બાબતે ઝઘડી પડ્યાં. ઝઘડાનું મૂળ હોય ક્રોધ અને તે આવે ત્યારે શબ્દોનો કાબૂ જતો રહે. માયરાથી કંઈક એવું બોલાઈ ગયું કે તૃષા ગમ ખાઈ ગઈ. અલબત્ત મિત્રતા એવી હતી કે તેણે લોકોની આગળ આ લાગણી રજૂ ના કરી, પણ, માયરાથી છૂપું રહે? એ જ વાતનો જે રંજ હતો તે માયરા તેના પપ્પા આગળ વ્યક્ત કરી રહી હતી... ‘મારા લીધે અમારા ક્લીન સંબંધોમાં બ્લેક સ્પોટ લાગી ગયો.’ ‘ક્યાં છે બ્લેક સ્પોટ?’ પપ્પાએ કેનવાસ સામે જોયું. તેની ઉપર ખરેખર પેલો બ્લેક સ્પોટ નહોતો દેખાતો. માયરાએ વાત વાતમાં સફેદ રંગ એટલો લગાવ્યો કે પેલો બ્લેક સ્પોટ ગાયબ જ થઈ ગયો. પપ્પા કહે, ‘જે થઈ ગયું તેને પકડી રાખીએ તો મનમાંથી ‘સ્પોટ’ ક્યારેય ના જાય. પણ, એની ઉપર નવા સુમધુર વર્તનની યાદો ઠાલવી દઈએ તો સંબધો આ કેનવાસ જેવા ‘સ્પોટલેસ’ થઈ જાય.’
Read Original Article →