નીલે ગગન કે તલે:એક નાટક જોયું
અ મે એક નાટક જોવા ગયેલા પૃથ્વીમાં, જ્યાં પ્રવેશ કરતાં જ વિધવિધ ભાષાનાં ને નસલનાં ને વિષયનાં અધધધ નાટકોના ફુવારા છૂટે છે અને જેના ઓપનએર કાફેમાં ટેલેન્ટનાં ઝૂમખાં ઝૂલે છે. ચોટલા અંબોડાવાળા પુરુષો, કાને ફોનનાં પૂમડાં ભરાવી લબલબ ટૌકા કરતી નાભિનર્તિકા, યૌવનથી છલછલતાં વીસની અરપારની વયનાં જુવાન જોડાં, એકબીજાને પિત્ઝાનાં બટકાં ભરાવતા ડેડી ને ડોટર! એક્ટરો, પેઇન્ટરો, મોડેલો, સ્ક્લ્પટરો, ડાન્સરો, અડવર્ટાઇઝિંગ ક્રાઉડ, તથા ચિક્કાર ભરેલાં ટેબલો ઉપર સરસર સરસર વાનગી પીરસતા ગણવેશધારી પરિવેશકો! ગગનવાલો પોતાના દેશમાં છે પણ ભાસે છે ઉપસ્થિતિ કોઈ કલ્પનાલોકના મેળામાં. સમજાય છે કે ક્રમશ: હવે આપણી પાસેથી જીવવાનો હવાલો લઈ લીધો છે જનરેશન ઝીએ, અને આઉટ ઓફ ડેઇટ આપણે રેલગાડીના ટોપ ટીયર ઉપરથી જોઈ રહ્યા છીએ જિન્દગાનીને.
અને તે બાબતનો જીવન્ત અનુભવ થયો અમને પ્રેક્ષાગારની ભીતરમાં. નાટકના સીનની પહેલી લાઇનથી જ સમજાયું કે ભાષા ભલે આપણે જાણતા હોઈએ પણ ભાષા આપણે સમજતા નથી! કોઈ અજાણ્યા મુલુકમાં ચાલતી કોઈ અજાણી લીલા આપણે દૂરબીનના ઊંધા છેડેથી નિહાળી રહ્યા છીએ અને હાથમાંથી સરી પડેલી જિંદગીનો ધોખો કરીને લઈએ છીએ ફુસ ફુસ ફોકટના શ્વાસ!
આજનાં મહાનગરોના ભારતમાં હવે ઘરમાં કદાચ પંજાબી કે મલયાલમ કે ગુજરાતી કે હિન્દી બોલાતી હશે પણ જેન ઝીના ટોળામાં તો આપસમાં બોલાય છે કોઈ મીઠા લીમડાના વઘારવાળી યાર, લોલિગોગિંગ ઇંગલિસ્તાનિ ઓન્લિ! આજના ભારતની પેઢીઓ વચ્ચેનું અંતર હવે માત્ર વર્ષોમાં માપાતું નથી, પરંતુ અનુભૂતિની ભાષામાં માપાય છે. જ્યાં નાટક જેટલું જ રસપ્રદ દૃશ્ય પ્રેક્ષકોનું વર્તન હતું — નાટક ટુકડાઓમાં આગળ વધતું હતું — વ્યંગ પર વ્યંગ, હિન્દી અને અંગ્રેજી વચ્ચે ઝડપી ફેરફાર, અડધા બોલાયેલા સંદર્ભો, અને એવી વાતો જે સમજાવવા માટે નહોતી, માત્ર અનુભવ લેવા માટે હતી. યુવા પ્રેક્ષકો આ બધું સહજતાથી પકડી રહ્યા હતા. તેઓ પંચલાઇન પર નહીં, વિરામ પર હસતા હતા; તેઓ સંવાદ કરતાં તેની અંદરના કલ્ચરને, સંસ્કૃતિને સમજતા હતા. તેમના માટે આ માત્ર નાટક નહોતું, હ્યૂજ ઇન્સાઈડ જોક્સનું સ્મોગર્સબોર્ડ હતું. બલકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની, ઇન્ટરનેટ યુગની એક જીવંત રામલીલા હતી.
મનોમન જુવાનીને દાંતથી પકડીને બેઠેલા વયથી વૃદ્ધ ગગાભાઈ ગગનવાલા માટે આ અનુભવ લગભગ અગમ્ય હતો. અમને નાટક પસંદ નહોતું એમ કહેવું મૂર્ખતા છે, કેમકે સમજાય તો સમજ પડે ને કે ગમે છે કે ફ્રીકિંગ વોટ! અમને સમજાતું જ નહોતું કે સ્ટેજ ઉપર આલ્કોહોલ એનોનિમસની સભા છે, કે સેક્સ એડિક્ટસ એનોનિમસની મીટિંગ ચાલે છે? કે વરવહુનાં ઘુરકિયાં ચાલે છે? કે હોમોસેક્સુઅલ યુવાનની આત્મનિપદી એકોક્તિ છે! અરે? પેલી ગ્રૂપ લીડર હતી એ છોકરી અચાનક કેમ પેલા છોકરાના વૃષણ કચડવાનો અભિનય કરે છે ને કેમ પ્રેક્ષકો આકાશમાં વાગતાં વાદળાં જેટલો આનંદી કલશોર કરે છે!
ઓલ્ડઓલ્ડ સેપિયા પેઢી માટે રંગભૂમિનો અર્થ હતો સ્પષ્ટ સંદેશ, નૈતિક સંઘર્ષ અથવા સામાજિક ચિત્કાર. વાર્તા સીધી રીતે કહેવાની હતી, કોઈવાર ફ્લેશબેક હોય, કોઈ વાર સપનાંનો સીન હોય, અને ક્લેરિટી, ક્લેરિટી ક્લેરિટી! વાર્તાને સંવાદને અભિપ્રેત અર્થને સ્પષ્ટ રીતે પહોંચાડવાનો હતો.
પરંતુ જેન ઝીની દુનિયા રચાયેલી ટૂટી પડેલી રચનાઓ, અંદરના સંદર્ભો, આત્મઉપાલંભ અને ભાવનાત્મક અનિશ્ચિતતાથી. તેને સમજવા માટે માત્ર ભાષા પૂરતી નથી; તેની ડિજિટલ સંસ્કૃતિમાં જીવવું પડે.
આ અફસાનો મહાનગરીય ભારતના મોટા પરિવર્તનનું પ્રતિબિંબ છે. ગગાભાઈની જૂની પેઢીઓ સીધી લીટીનાં સપનાંઓ સાથે મોટી થઈ — શિક્ષણ, સ્થિરતા, પ્રતિષ્ઠા અને ધીમે ધીમે આગળ વધતી જિંદગી. તેમની કલા અને સંસ્કૃતિ પણ એ જ સ્પષ્ટતાનું પ્રતિબિંબ હતી. જ્યારે જેન ઝી એવા યુગમાં મોટી થઈ છે જ્યાં અલ્ગોરિધમ જીવનને નિયંત્રિત કરે છે, ધ્યાન ક્ષણોમાં ભાંગી પડે છે, અને દરેક વ્યક્તિ સતત પોતાના દેહનું, પ્રતિભાનું, યૌનલાલસાનું પ્રદર્શન કરી રહી હોય છે. તેમની હાસ્યપ્રવૃત્તિ, તેમનો વ્યંગ, અને તેમની ભાવનાઓ ઈરાદાપૂર્વક અસ્પષ્ટ રાખવામાં આવે છે. વોટટટટેવર! તમને સમજાય તો ઓકે, ન સમજાય તો હસી પડો, ધિસ ઇઝ તો નાટક ઓન્લી, યાર!
મુંબઈના પૃથ્વી થિયેટરમાં હોય કે બેંગલોર કે કલકત્તા કે ચન્નાઈ કે પૂણે કે અમદાવાદની ગુફામાં! ઠેકઠેકાણે પોતાના એક તાલમાં હંસગતિથી ચાલી રહી છે જેન ઝીની રંગશાળા જેમાં નવી જનરેશન પાસે ઓલ્ડ યાને જૂના લોકો કથ્થાઈ રંગના ફોટા જેવા ભાસીએ છીએ! એ સાંજ માત્ર નાટ્યપ્રદર્શન માટે નહોતી. તે એક એવી નવી શહેરી પેઢી સાથેનો સામનો હતો, જે ઝડપથી બદલાતી દુનિયામાં ઘડાઈ છે, જેને વારસાથી વધુ ગતિએ આકાર આપ્યો છે, અને જે ધીમે ધીમે પોતાની પૂર્વ પેઢી માટે અજાણી અને અગમ્ય બની રહી છે. જય આલ્ફા બીટા જેન!
Read Original Article →