ડૉક્ટરની ડાયરી:એ અંધેરે દેખ લે મુઁહ તેરા કાલા હો ગયા, માઁ ને આંખે ખોલ દી ઘર મેં ઉજાલા હો ગયા

Magazine4/15/2026, 12:50:00 AM
ડૉક્ટરની ડાયરી:એ અંધેરે દેખ લે મુઁહ તેરા કાલા હો ગયા, માઁ ને આંખે ખોલ દી ઘર મેં ઉજાલા હો ગયા
કહેવત છે કે ઘરમાં વાસણ હોય તો ક્યારેક ખકડે પણ ખરાં. 1986ના વર્ષની એક મોડી સાંજે મુંબઈમાં આવેલા કાંદિવલી વિસ્તારમાં રહેતા એક સંયુક્ત પરિવારનાં વાસણો ખખડ્યાં અને એવાં જોરથી ખખડ્યાં કે લગભગ ભાંગી જવાની અણીએ પહોંચી ગયાં. આર્થિક રીતે નબળો પરિવાર. આધેડ વયનાં મા-બાપ, બે જુવાનજોધ દીકરાઓ, બે પુત્રવધૂઓ અને નાના દીકરાની બે દીકરીઓ. મોટો પુત્ર અગ્રજ, નાનો અનુજ. મોટો પુત્ર નિ:સંતાન. આ પરિવારનું મૂળ વતન મહુવા. ત્યાંથી શિફ્ટ થઈને મુંબઈમાં સેટલ થવાની મથામણ ચાલતી હતી. આ માટેનું એક જ કારણ કે મોટો દીકરો અગ્રજ એમ.બી.બી.એસ. પાસ થઈને મુંબઈમાં સાંતાક્રુઝ વિસ્તારમાં ફેમિલી ડોક્ટર તરીકે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી રહ્યો હતો. મીઠાં નીરની માલણ નદી મૂકીને ખારા જળનો દરિયો પસંદ કરવાનું કારણ અટપટું અને રસ ન પડે તેવું હતું, એટલે એની ચર્ચામાં આપણે ઊંડા ઉતરતા નથી. ‘સંપ ત્યાં જપં’ એ વાત સાચી છે, પણ એને પચાવવી એ અઘરું કામ છે. નાનો ભાઈ સ્વાર્થી હતો, નજીવા કારણથી મોટાની સાથે ઝઘડો કરતો રહેતો હતો. એના મનમાં ભાઈ-ભાભીને ઘરની બહાર કાઢીને ઘર સુવાંગ પચાવી પાડવાનો સ્વાર્થી મનસૂબો રમી રહ્યો હતો. એક સાંજે ડો. અગ્રજ એના ક્લિનિકમાંથી પરવારીને ઘરે આવ્યો ત્યારે ઝઘડો એની વાટ જોઈને બેઠો હતો. દસેક મિનિટ પછી આ સંવાદ ભજવાયો, ‘તને ન ફાવતું હોય તો તું આ ઘરમાંથી ચાલ્યો જા.’ ડો. અગ્રજે કહ્યું. જવાબમાં અનુજ હાથમાં લોખંડનો દસ્તો લઈને મારવા ઊભો થયો, ‘હું શેનો નીકળું? તું અને તારી બૈરી નીકળી જાવ!’ અનુજે મા સમાન ભાભીને પણ તુંકારામાં આવરી લીધી. ડો. અગ્રજે માતા-પિતાની દિશામાં જોયું. બંને ખામોશી ઓઢીને બેસી રહ્યાં. અર્થ સ્પષ્ટ હતો, માતા-પિતા પણ નાના દીકરાની સાથે હતાં. કદાચ નાના દીકરાની બે નાની દીકરીઓ પ્રત્યેનું વહાલ એમને ખેંચી રહ્યું હશે. ડો. અગ્રજે પત્ની મીનાને કહ્યું, ‘હવે આ ઘરમાં એક મિનિટ પણ ન રહેવાય. બેગમાં બે જોડી કપડાં ભર અને ચાલ મારી સાથે.’ પત્નીના મનમાં આવનારા કઠોર સંઘર્ષનો તાદૃશ્ય ચિતાર તરવરી રહ્યો, એણે પૂછ્યું : ‘અત્યારે ક્યાં જઈશું? મુંબઈમાં આપણી પાસે માથું છુપાવવા માટે છાપરું પણ નથી. તમારી પ્રેક્ટિસ હજી પા-પા પગલી ભરે છે, જેટલી કમાણી અત્યાર લગી થઈ એ બધી તો ઘરમાં આપી દીધી. હવે…?’ આ બધા સવાલોનો એક જવાબ ડો. અગ્રજ પાસે હતો : ‘મારું દવાખાનું છે ને? આજની રાત ત્યાં પડી રહીશું. જમવાનું નહીં મળે. એવું માની લઈશું કે આજે શ્રાવણ મહિનાનું એક ટાણું છે. આવતી કાલની સવાર આપણાં માટે નવી આશાનો, નવો સૂરજ લઈને આવશે એવી મારી શ્રદ્ધા છે.’ ક્લિનિક સાવ નાનું હતું. ટેબલ, ખુરશી અને એક બાંકડો આઘો-પાછો કરીને પતિ-પત્ની આડાં પડ્યાં. પથ્થરની પથારી, ચિંતાની ચાદર અને ભૂખની સ્લીપિંગ પિલ આ બધાંના સથવારે જેવી આવી શકે તેવી ઊંઘ આવી ગઈ. બે દિવસ ક્લિનિકમાં જ પસાર કર્યા પછી ડો. અગ્રજે સાવ બાજુમાં આવેલી આઠ બાય દસ ફીટની એક ઓરડીમાં ઘર-ખાટલો શરૂ કર્યો. ડોક્ટર તરીકે ખૂબ કમાઈને માતા-પિતાને સુખી કરવાના સપના પર કુટુંબકલેશનું ઈરેઝર ફરી ગયું. અલગ રહેવા આવ્યા પછી બંનેને ઘરનો ખાલીપો ઘેરી વળ્યો. નિ:સંતાનપણાનું દુ:ખ નવેસરથી ઊભરી આવ્યું. સ્વયં ડોક્ટર હોવાથી હોશિયાર ગાયનેકોલોજીસ્ટ મિત્રની સારવાર તો ચાલુ જ હતી. પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો પણ આડકતરા સમાચાર હવાની લહેર પર વહીને આવતા રહેતા હતા. એક મહિના પછી કોઈકે સમાચાર આપ્યા, ‘તારા નાના ભાઈએ તારા પપ્પાને ઘરમાંથી કાઢી મૂક્યા.’ ‘હેં? એવું તે શું થયું કે પપ્પા…?’ ડો. અગ્રજને ખરેખર આ સાંભળીને ઊંડો આઘાત લાગ્યો. ‘જે તારી સાથે થયું એ જ તારા પપ્પાની સાથે થયું. સાવ નાની વાતમાંથી મોટો ઝઘડો. તારા પિતાએ કહ્યું, ‘તું નીકળી જા આ ઘરમાંથી,’ અનુજે જવાબમાં પિતાને ધક્કો મારીને રસ્તા પર ફેંકી દીધા. અત્યારે તેઓ એમની બહેનના ઘરે આશરો લઈને રહે છે.’ પરિચિતે માહિતી આપી. ડો. અગ્રજને દુ:ખ તો થયું પણ પોતે જ્યારે ઘર છોડી રહ્યા હતા, તે વખતનું પિતાનું મૌન હજુ પણ એમના મનમાં ખટકતું હતું. મિત્રને તો એમણે કંઈ કહ્યું નહીં, પણ ઘરે આવીને પત્નીને આ સમાચાર આપ્યા. મીના એક ક્ષણની રાહ જોયા વગર બોલી ગઈ, ‘જે થયું તે ભૂલી જાવ. પપ્પાજીને આપણા ઘરે લઈ આવો. તમે નહીં જાવ તો હું જઈશ એમને લઈ આવવા માટે.’ બીજા દિવસે મીના ફોઈને ત્યાં જઈને સસરાના પગમાં માથું નાખીને આદરપૂર્વક લઈ આવી. આઠ બાય દસની ઓરડીમાં બે તો હતાં, હવે ત્રણ થયાં. ડો. અગ્રજ અને મીનાએ પિતાની ભરપૂર સેવા કરી, એક વર્ષની અંદર પૂર્ણ સંતોષ લઈને પિતા મૃત્યુ પામ્યા. સમયને પાંખો હોય છે, પગ નથી હોતા. ઊડતો જતો સમય ઊડતી ખબર લઈ આવ્યો, ‘ડો. સાહેબ, તમારી મા જીવતે જીવ નર્કમાં સબડે છે. એની ખબર પૂછવા તો જાવ એક વાર.’ ‘હેં? શું થયું છે મારી મમ્મીને?’ ડોક્ટરના હૈયામાં ધ્રાસકો પડ્યો. જે જવાબ સાંભળવા મળ્યો તે વજ્રાઘાત સમાન હતો, ‘તમારો નાનો ભાઈ એની ઘરવાળી અને દીકરીઓને લઈને અલગ રહેવા ચાલ્યો ગયો છે. તમારી મા બાપડી જેમ તેમ કરીને બધું કામ જાતે કરી લેતી હતી. એક મહિના પહેલાં ઊંબરાની ઠોકર વાગી, મા પડી ગઈ. કરોડરજ્જુમાં ઈજા થઈ. પેરેલિસિસ થઈ ગયું. પથારીમાં ચત્તીપાટ પડી રહે છે. ઝાડો-પેશાબ પથારીમાં જ થઈ જાય છે. પડોશીઓમાંથી કોઈ આ દુર્ગંધના કારણે એમની પાસે ફરકતું નથી. એકાંતરે કોઈ દયાળુ માણસ રોટલી-શાકની થાળી આપી જાય છે. તમે ડોક્ટર છો, સાહેબ. તમારી જન્મદાત્રીની આવી દશા જોઈને અમારી આંખો ભીની થઈ જાય છે.’ ડો. અગ્રજ એ જ મિનિટે પત્નીને લઈને દોડી ગયા. સ્ટ્રેચર પર સૂવડાવીને માને ઘરે લઈ આવ્યાં. નવડાવીને સાફ કર્યાં. સારવાર પણ શરૂ કરાવી અને સુશ્રુષા પણ. મા થોડાક મહિના જીવ્યાં, પછી એક દિવસ એમણે દીકરા-વહુને કહ્યું, ‘હવે મારા જવાનો સમય થઈ ગયો. મારા અંતરના આશીર્વાદ છે કે ભગવાન તમને સુખી કરશે.’ માએ પ્રસ્થાન કર્યું. અનુજ એક વાર મોં જોવા પણ ન આવ્યો. તમે માનો છો કે માતા-પિતાએ આપેલાં આશીર્વચન ફળે છે? જો ન માનતા હો તો ન માનશો. ડો. અગ્રજ અને મીનાનાં લગ્નને બાર વર્ષ પૂરાં થયાં હતાં, ઘરમાં ઘોડિયું બંધાયું ન હતું. મમ્મીના અવસાનના ત્રીજા મહિને મીના પ્રેગ્નન્ટ થઈ. માની વિદાયને એક વર્ષ પૂરું થાય તે પહેલાં દીકરીનો જન્મ થયો. સર્વત્ર સમાચાર પ્રસરી ગયા. સ્નેહીજનો હરખ કરવા દોડી આવ્યા. બધા એક જ વાત કરે, ‘દીકરી પધારી ને?’ ‘ના’ મીના હસીને કહેતી : ‘અમારા ઘરે તો મા પાછાં આવ્યાં છે.’ - શીર્ષકપંક્તિ: મુનવ્વર રાણા
Read Original Article →