પ્રસંગકથા:નેત્રહીનોનાં જીવનમાં આશાનું અંજણ : મુક્તાબહેન ડગલી

Magazine6/3/2026, 12:35:00 AM
પ્રસંગકથા:નેત્રહીનોનાં જીવનમાં આશાનું અંજણ : મુક્તાબહેન ડગલી
નટવર આહલપરા ળપણથી અંધ ભાઈઓ તથા બહેનોને પડતી મુશ્કેલીને પોતે પણ નાનપણથી અનુભવી હોવાથી મુક્તાબહેન ડગલીએ મોટાં થઈ સંસ્થા સ્થાપવાનો નિશ્ચય કર્યો હતો. અભ્યાસ પૂર્ણ થતાં અમરેલી જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓના શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થામાં 12 વર્ષ માનદ સેવા આપી હતી. આ દરમિયાન તેઓ પ્રજ્ઞાચક્ષુ પંકજભાઈ ડગલીના સંપર્કમાં આવ્યા હતા. તેમનામાં પણ નિઃસ્વાર્થ સેવા તથા સમર્પણના ગુણ જોયા હતા. બંનેએ આજીવન નિઃસંતાન રહી પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ-બહેનોની સેવા કરવાના વચન સાથે લગ્નગ્રંથિથી જોડાવાનો નિશ્ચય કર્યો હતો. 1995માં સુરેન્દ્રનગરમાં પોતાના જ મકાનમાં માત્ર 4 બહેનોથી ‘પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ’ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે સંસ્થામાં 800 નેત્રહીન ભાઈ-બહેનો લાભ લઈ રહ્યાં છે. અહીં તેમને નવું જીવન મળે છે; જ્ઞાન, રોજગાર, ગૃહસ્થી અને લગ્નજીવનનો આનંદ મળે છે. મુક્તાબહેનને 50થી વધુ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયા છે, જેમાં ‘પદ્મશ્રી’ એવોર્ડ પ્રાપ્ત કરનાર ભારતનાં એકમાત્ર પ્રજ્ઞાચક્ષુ મહિલા મુક્તાબહેન છે. ‘નેત્રહીન મા-બાપ વિહોણી એક બાળાને તેનાં નાના-નાની તરફથી ખૂબ સાચવવામાં આવતી હોવાનો બાહ્ય દેખાવ અમને જોવા મળ્યો. દીકરી જ્યાં સુધી સમજણી ન થઈ ત્યાં સુધી આ બાહ્ય અને આંતરિક વાસ્તવિકતાને સહન કરતી રહી. ઘરમાં અનેક પ્રકારનાં મેણા-ટોણા અને માનસિક ત્રાસ સહન કરતી આ બાલિકાને પરિવારના સભ્યો તરફથી ઝેર આપવાનો પણ પ્રયત્ન થયેલો. બાળાને વિશિષ્ટ સ્વાદ લાગતાં તેણે એ શીરાનો ત્યાગ કર્યો. તે બચી ગઈ. આજે તે સંસ્થાના પરિસરને જ પોતાનું સાચું ઘર માને છે.’ ‘સંસ્થામાં સુશીબા નામે એક માતા રહે છે. આ વૃદ્ધ માતાનું કોઈ સગું કે સ્નેહી નથી. પ્રવેશ સમયે તેઓ સાંભળી શકતા નહોતાં, જોઈ શકતા નહોતાં અને શંકાશીલ માનસિકતાને કારણે સંસ્થાએ શરૂઆતમાં ખૂબ સહન કરવું પડ્યું હતું. આંખના પડદાની અને મોતિયાની આ વિકટ સમસ્યા સુરેન્દ્રનગરમાં ઉકેલવી મુશ્કેલ હોવાથી અમદાવાદના ડૉક્ટરે તેમનું ઓપરેશન કર્યું હતું. આજે પૂજ્ય સુશીબા બધાંને જોઈ શકે છે, આનંદથી જીવે છે અને બીજાને મદદ પણ કરે છે.’ ‘કશિશ નામની બાલિકાને પગની તકલીફ હતી. તેના ઘૂંટણનાં હાડકાં આગળને બદલે પાછળ હોવાથી તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેનું ઓપરેશન પણ અમદાવાદના ડૉક્ટરે કરીને એ દીકરીને નવું જીવન આપ્યું છે.’ દાતાઓ થકી જ સંસ્થા આજે ઉજ્જવળ કામગીરી કરી રહી છે અને હાલ મોરબી, ઉમરગામ, અમદાવાદ તથા સુરેન્દ્રનગર ખાતે સેવાની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. દાતાઓએ કોઈ પણ શરત વિના ઉદાર હાથે દાન આપ્યું છે. હાલ સરખેજ-ધોળકા રોડ પર ‘મહિમા વિહારધામ’નું 1,52,500 સ્ક્વેર ફીટનું ભવ્ય બાંધકામ થઈ રહ્યું છે.
Read Original Article →