આઠમી અજાયબી:મોગોક વેલી: દુનિયાનાં 90% સૌથી મોંઘા માણેકની જનની
માયા ભદૌરિયા દુનિયાના નકશા પર એક એવો દેશ છે જેની ધરતી સોના કરતાં પણ વધુ કિંમતી એવા ઘેરા લાલ રંગના પથ્થરો ઓકે છે. આપણે વાત કરી રહ્યા છીએ મ્યાનમાર (ભૂતપૂર્વ બર્મા)ની. હજુ હમણાં જ આ ધરતીએ વધુ એક વિશાળ કદનો અસલી બર્મીઝ માણેક દુનિયા સામે મૂક્યો એટલે ફરીથી લક્ઝરી બ્રાન્ડ્સની દુનિયામાં અને વૈશ્વિક માર્કેટમાં ભારે હલચલ વધી ગઈ. મ્યાનમારને અમસ્તાં જ લાલ રત્નોની રાજધાની નથી કહેવાતું. દુનિયાભરમાંથી મળી આવતા ઉચ્ચ ગુણવત્તાવાળાં લાલ માણેક (રૂબી)માંથી આશરે 90% રત્નો માત્ર આ એક જ દેશની ધરતીમાંથી નીકળે છે. સદીઓથી રાજા-મહારાજાઓ, ટોચના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સેલિબ્રિટીઝનાં આભૂષણોની શોભા વધારતા આ બર્મીઝ લાલ પથ્થરો પાછળનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે.
સામાન્ય રીતે કદમાં ખૂબ મોટાં હોય તેવાં માણેકની અંદર કુદરતી તિરાડો અથવા અશુદ્ધિઓ હોય, પણ આટલો મોટો પથ્થર હોવા છતાં તેની આંતરિક પારદર્શકતા અને રંગની શુદ્ધતા કાચ જેવી સાફ છે. આંતરરાષ્ટ્રીય જ્વેલરી એક્સપર્ટ્સ આ નવા પથ્થરને સદીની સૌથી મોટી કુદરતી અજાયબીઓમાંથી એક ગણાવી રહ્યા છે. આવાં લાલચટક માણેકની જનની એટલે મોગોક વેલી. મ્યાનમારની આ રહસ્યમય મોગોક વેલી માંડલે શહેરની ઉત્તરે પહાડોથી ઘેરાયેલી છે. દુનિયાની સૌથી કિંમતી ખીણ તરીકે તે ટોચ ઉપર જઈને બેઠી છે અને કેમ ન હોય? સદીઓથી પૃથ્વી પરના આ શ્રેષ્ઠ લાલ રત્નો તે આપી રહી છે. મોગોક વેલી : રત્નોની જનની
મ્યાનમારની મોગોક વેલી વિશ્વભરમાં ‘વેલી ઓફ રૂબીઝ’ તરીકે ઓળખાય છે. મોગોકની ધરતીની ભૌગોલિક રચના જ એટલી વિશિષ્ટ છે કે કરોડો વર્ષો પહેલાં પૃથ્વીના પેટાળમાં પ્રચંડ ગરમી અને દબાણ ઉત્પન્ન થયું, એ સમયે ત્યાંનાં ખનીજોમાં ક્રોમિયમ તત્ત્વનું એવું મિશ્રણ તૈયાર થયું કે જેથી આ પથ્થરોને લાલ રંગ મળ્યો. વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ ધરતીમાં લોહતત્ત્વ નહિવત્ છે અને ક્રોમિયમ ભરપૂર છે. તે પથ્થરોને અન્ય દેશોનાં માણેક કરતાં બિલકુલ અલગ પાડે છે.આ જ મોગોક વેલીમાંથી મળતાં સર્વોચ્ચ ગુણવત્તાવાળાં માણેકને રત્નશાસ્ત્રની ભાષામાં ‘પિજન બ્લડ’ કહેવાય છે. પિજન બ્લડનું રહસ્ય
માણેકની દુનિયામાં સૌથી પ્રીમિયમ ગણાતો રંગ એટલે ‘પિજન બ્લડ’ (કબૂતરના લોહી જેવો લાલ રંગ). આ નામ સાંભળવામાં સહેજ વિચિત્ર લાગે, પણ આ કેટેગરીના માણેકની ભવ્યતા જ કંઈક અલગ છે. આ માણેકમાં સહેજ પણ કાળાશ કે ભૂરી ઝાંય હોતી નથી. તે એકદમ શુદ્ધ, ઘટ્ટ અને આંખો આંજી દે તેવો લાલ રંગનો હોય છે. આ રત્નોની સૌથી મોટી ખાસિયત તેમનો કુદરતી ફ્લોરોસેન્સ છે. તેના કારણે સૂર્યપ્રકાશ અથવા અલ્ટ્રાવાયોલેટ લાઈટની નીચે આવતા જ આ પથ્થર અંદરથી જાણે લોહીની જેમ ધબકતો હોય કે કોઈ અગ્નિની જ્વાળા પ્રજ્વલિત થઈ હોય તેવો આભાસ કરાવે છે. તેની આ અદભુત ચમક જ તેને સામાન્ય પથ્થરમાંથી બ્રહ્માંડનું એક અણમોલ નજરાણું બનાવે છે, જેને જોતાં જ આંખો અંજાઈ જાય છે. શાહી ઇતિહાસ અને પૌરાણિક કથાઓમાં સ્થાન
પ્રાચીન સમયથી જ મ્યાનમારનાં આ લાલ રત્નો માત્ર આર્થિક સંપત્તિ નહીં, પરંતુ સત્તા, સમૃદ્ધિ અને શાહી વૈભવનું પરમ પ્રતીક રહ્યા છે. ભારતની પૌરાણિક કથાઓ અને રત્નશાસ્ત્રમાં માણેકને ‘રત્નરાજ’ એટલે કે તમામ રત્નોના રાજા કહે છે. તે સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે. એવું માનવામાં આવતું કે જે રાજા પોતાના મુગટમાં મોગોકનું અસલી માણેક ધારણ કરે તો તેનું તેજ અને સામ્રાજ્ય ક્યારેય ઝાંખાં પડતા નથી. બર્માના પ્રાચીન શાસકોના સમયમાં તો એવો કડક શાહી નિયમ હતો કે ખાણમાંથી મળતો એક ચોક્કસ કદથી મોટો પથ્થર સીધો રાજાના દરબારમાં જ જમા કરાવવો પડતો, કારણ કે તેના પર માત્ર રાજાનો જ અધિકાર હતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ પથ્થર ધારણ કરનારને અદભુત આંતરિક ઊર્જા, સાહસ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સમય બદલાયો અને રાજાશાહી ગઈ, પરંતુ સદીઓ વીતી જવા છતાં આ વૈશ્વિક બજારમાં બર્મીઝ માણેકની એ શાહી ભવ્યતા અને રોમાંચ આજે પણ એવો જ અકબંધ છે. રત્નઉદ્યોગનું વૈશ્વિક અર્થતંત્રમાં યોગદાન
મ્યાનમારના સમગ્ર અર્થતંત્રની કરોડરજ્જુ આ કિંમતી લાલ પથ્થરો અને અન્ય પૂર્વીય ખનીજો પર ટકેલી છે. આ ઉદ્યોગનું સૌથી મોટું યોગદાન વિદેશી હૂંડિયામણ મેળવવામાં છે, કારણ કે આ દુર્લભ રત્નોની આંતરરાષ્ટ્રીય નિકાસ સીધી અમેરિકન ડોલરમાં થાય છે. આજે સોનાની જેમ જ, વિશ્વભરના અબજોપતિઓ, મોટા રોકાણકારો અને આર્ટ કલેક્ટર્સ ફુગાવા સામે પોતાના નાણાં સુરક્ષિત રાખવા માટે આ દુર્લભ બર્મીઝ માણેકમાં રોકાણ કરવાનું સૌથી વધુ પસંદ કરે છે.
ખાણોમાં જીવના જોખમે કામ કરતા ખાણિયાઓથી લઈને પથ્થર સાફ કરનારા, સ્થાનિક દલાલો, કટર્સ, પોલિશર્સ અને મોટા વેપારીઓનો આખો સંસાર આ લાલ પથ્થરોની ચમક પર નિર્ભર છે. ખાણમાંથી નીકળેલા સામાન્ય કાચા પથ્થરને કુશળ કારીગરો ફિનિશિંગ આપે અને કટિંગ કરે એટલે વૈશ્વિક પ્રદર્શનો અને હરાજીમાં તેની કિંમત હજારો ગણી વધી જાય. છેવટે દેશના અર્થતંત્રને એક નવી ઊંચાઈ અને મજબૂતી મળે છે.
Read Original Article →