મનદુરસ્તી:આત્મીયજનથી ‘ઇમોશનલ ઇન્ફેક્શન’ લાગે ખરું?
કોઈપણ સમસ્યા મોટેભાગે તેના ઉકેલને
પોતાના ગભર્માં લઈને જન્મે છે. બસ, એ ઉકેલ
માટે વૈજ્ઞાનિક ઢબે પ્રયાસની જરૂર હોય છે શાના આજના ઝઘડાનું કારણ માનવને કંઈ જચ્યું નહીં. વાસ્તવમાં તકલીફ માનવને હતી. એનું કોલેસ્ટરોલ લેવલ આ વખતે બોર્ડરલાઇનથી સહેજ ઉપર આવ્યું હતું. વળી, છેલ્લા 6 એક મહિનાથી માનવનો મૂડ પણ ઠેકાણે નહોતો રહેતો. પેઢીઓ જૂના બિઝનેસ પાર્ટનર્સ સાથે મનદુઃખથી છૂટા પડવાનો માનવને વાંધો નહોતો, પણ માત્ર ઘડીના છઠ્ઠા ભાગમાં એના પાર્ટનરે કહી દીધું, ‘જો ઇગોની વાત હોય તો પછી આપણે છૂટા પડી જઈએ.’
આ વાક્ય માનવને કોતરી ખાતું હતું. 12 વર્ષનો સોફ્ટવેર બિઝનેસ છોડીને પાર્ટનર સાથે પોતાની અલગ કંપની માટે માનવે પણ લોહી-પાણી એક કર્યું હતું. એ સફળ કંપનીને રાતોરાત વિખેરી નાખવાની હતી, એટલે છેલ્લા 6 મહિનાથી સી.એ. પાસે મિટિંગોના દોર ચાલુ હતા. મજાકિયો અને મળતાવડો માનવ હવે અતડો અને ચીડિયો રહેવા લાગ્યો હતો. સ્મોકિંગ અને આલ્કોહોલ અચાનક જાણે ડબલ થઈ ગયાં હતાં. 38 વર્ષના માનવની ઉંમર અચાનક 10 વર્ષ વધી ગઈ હોય એવું લાગવા માંડ્યું. દિશા સાથે થતા ઝઘડાઓમાં પણ હવે માનવ પાર્ટનર જેવી જ ભાષા બોલવા લાગ્યો હતો: ‘...તો પછી આપણે છૂટા પડી જઈએ...’ એનો ‘સંબંધ’ શબ્દ પરથી ભરોસો ઊઠી ગયો હતો.
જ્યારે બંને જણા ક્લિનિકમાં આવ્યાં ત્યારે કેસ હિસ્ટ્રી આપતા જ માનવ ભાંગી પડ્યો. કદાચ પહેલી જ વાર માનવની આંખમાં આંસુ જોઈને દિશા તો જાણે આઘાતમાં સરી પડી. ‘ડૉક્ટર, માનવ સાથે મને પણ ટ્રીટમેન્ટની જરૂર છે. મને પણ આજકાલ ખૂબ ફ્રસ્ટ્રેશન આવે છે. બીજાં બધાં સાથે જેવું વર્તન કરે એવો જ એ મારી સાથે પણ બિહેવ કરે છે, જે મારાથી સહન થતું નથી. મારી દુનિયા માનવની આસપાસ છે. જો માનવ બરાબર તો અમે બધાં મજામાં, પણ જો માનવને કંઈ થાય તો હું પણ ‘બાય ડિફોલ્ટ’ ડિસ્ટર્બ થઈ જાઉં છું.’
ભારતીય સમાજમાં આ બાબત બહુ સામાન્ય છે. તદુપરાંત, ખુશહાલ અને દીર્ધકાલીન લગ્નજીવનનું એક મહત્ત્વનું પાસું જીવનસાથીનું સારું સ્વાસ્થ્ય પણ છે. જો પતિનો સ્વભાવ હસમુખો અને બહિર્મુખી હોય, તો તે લગ્નજીવનના સ્વાસ્થ્ય માટે એક મહત્ત્વનું પરિબળ બની રહે છે.
એનાથી પત્નીને એવું લાગે છે કે મારા પરિવારમાં બધું સમુંસૂતરું છે. ‘ઓલ ઇઝ વેલ, ઇફ હસબન્ડ ઇઝ વેલ...’ અલબત્ત, આવી પરિસ્થિતિમાં પતિ પ્રત્યેની આર્થિક કે અન્ય પ્રકારની પરાધીનતા પણ ભાગ ભજવે છે. મોટે ભાગે ઇમોશનલ અને સોશિયલ બોન્ડિંગ મહત્ત્વનું હોય છે. ઘણીવાર સમય જતાં એકબીજા સાથે રહેવાની એવી ટેવ પડી જતી હોય છે કે અરસપરસ ‘ઇમોશનલ ઇન્ફેક્શન’ પણ લાગે છે, તેમ કહી શકાય.
અલબત્ત, માનવના કિસ્સામાં એના લિપિડ પ્રોફાઇલમાં ખરાબ ફેરફારો, સ્મોકિંગમાં વધારો, ઊંઘમાં ઘટાડો અને ચીડિયાપણાં જેવાં લક્ષણો સ્ટ્રેસને કારણે હતાં. એટલું જ નહીં, એણે એવું પણ કહ્યું કે ‘ક્યારેક તો મને બધું છોડી દેવાના અને ભાગી જવાના વિચારો
આવે છે.’
માનવને સાયકોથેરાપી અને કાઉન્સેલિંગની ખૂબ જરૂર હતી. એનો પ્રોબ્લેમ ‘ઓવર જનરલાઇઝેશન’નો હતો. સૌ પ્રથમ તો એણે એ સમજવાની જરૂર હતી કે પ્રોફેશનલ રિલેશનશિપમાં પ્રાઇવેટ ઇમોશન્સને બહુ જગ્યા આપીએ, તો લાગણીઓની ભેળસેળને લીધે અપેક્ષાભંગ થાય છે અને સરવાળે દુઃખ જ મળે છે. વળી, બિઝનેસ પાર્ટનરશિપ અને લાઇફ પાર્ટનરશિપમાં તફાવત જાળવવો જરૂરી છે. કોઈ એક નજીકની વ્યક્તિથી વિશ્વાસઘાત અનુભવાય એટલે ‘બધાં જ નિકટનાં લોકો પીઠ પાછળ ખંજર ભોંકશે’ તેવાં કાલ્પનિક સમીકરણો મૂકવાને લીધે સાજા-નરવા સંબંધો પણ સડવા લાગે છે.
જો પોતાનામાં બૌદ્ધિક અને બિઝનેસની તાકાત હોય, તો ગમે તેવી સ્થિતિમાં ફરીથી ઊભા થઈ શકાય છે. કોઈપણ સમસ્યા મોટેભાગે તેના ઉકેલને પોતાના ગર્ભમાં લઈને જ જન્મે છે; બસ, એ ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે પ્રયાસ કરવા જરૂરી હોય છે. ડિપ્રેશનની સ્થિતિમાં સાયકોથેરાપી અને કાઉન્સેલિંગનું કોમ્બિનેશન શ્રેષ્ઠ પરિણામો આપે છે. વધુ ગંભીર સ્થિતિમાં દવાઓ પણ મદદરૂપ થાય છે. સારવારને અંતે માનવની સમસ્યા દૂર થઈ. એણે સ્વ-બળે હવે નવી ધંધાકીય દિશા પકડી છે. વિનિંગ સ્ટ્રોક
જ્યારે કોઈ નજીકની વ્યક્તિ ઇમોશનલી ડિસ્ટર્બ હોય અને પોતે ખરેખર એને મદદ કરવી હોય, ત્યારે સહાનુભૂતિની સાથે બુદ્ધિથી વિચારીને વર્તન કરવું વધુ ઉપયોગી થઈ પડે છે.
Read Original Article →