મનદુરસ્તી:માથાનો દુખાવો માનસિક પણ હોય?

Magazine6/3/2026, 12:35:00 AM
મનદુરસ્તી:માથાનો દુખાવો માનસિક પણ હોય?
જો આ માથાનો દુખાવો ન હોત તો બિઝનેસમાં હું હજુ ક્યાંય આગળ નીકળી ગયો હોત. છેલ્લાં પાંચ-સાત વર્ષોથી મને આ તકલીફ છે. અગત્યની બિઝનેસ મીટિંગ હોય કે વેકેશન પર હોઉં, મારો આ દુખાવો મારી સાથે જ હોય છે. બધા જ રિપોર્ટ્સ કરાવી ચૂક્યો છું. ન્યુરોફિઝિશિયને પણ કહી દીધું છે કે ‘તમારો દુખાવો સાયકોલોજિકલ હોઈ શકે.’ ડૉક્ટર, આવું કેવી રીતે થાય... કે દુખાવો માનસિક પણ હોય?’ યશભાઈ ટેન્શનમાં હતા. યશભાઈની કેસ હિસ્ટ્રી ઘણી સૂચક હતી. લગ્નને દસ વર્ષ થવા આવ્યાં હતાં. જોઈન્ટ ફેમિલી અને જોઈન્ટ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જીવન પસાર થઈ રહ્યું હતું. ત્રણ ભાઈઓ એકસરખો હિસ્સો ધરાવે અને ચોથો ભાગ એમના પિતાનો. ખૂબ ધમધોકાર ચાલતા બિઝનેસમાં મોટાભાગના નિર્ણયો પપ્પા લે. નાના બંને ભાઈઓ માર્કેટિંગ અને સેલ્સની ઓફિસ સંભાળે. યશભાઈને દરેક પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈટ પર જવાનું. ઓનગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને સબ-કોન્ટ્રાક્ટરો સાથે યશભાઈએ રોજિંદી ભાંજગડ કરવાની હોય. પોતે સિવિલ એન્જિનિયર હોવાથી સાઈટ સંભાળવાનું કામ એમણે જાતે જ પસંદ કર્યું હતું. પપ્પા અને નાના બંને ભાઈઓ આખો દિવસ એરકંડિશન્ડ ઑફિસમાં ઈઝીલી પસાર કરે. આ બધી વાત ધીરે ધીરે યશભાઈને ખૂંચવા લાગી. ‘હું પણ 25%નો સરખો માલિક તો પણ મારે આટલી બધી હાડમારી કેમ ભોગવવાની?’ બસ આ જ વાત યશભાઈના ચેતન-અચેતન મનમાં ઘૂમરાયા કરે. હવે તો પત્ની આશિનીબહેન પણ કહેવા લાગ્યાં હતાં, ‘બધી મજૂરી તમારે કરવાની અને પ્રોફિટમાં માત્ર ચોથો ભાગ?’ આવી વાતોથી યશભાઈને વધારે મૂંઝવણ થાય અને ગુસ્સો આવે. પરંતુ આખો પરિવાર વર્ષોથી સંયુક્ત હતો. સમાજમાં ‘આજની તારીખે પણ આવો સંયુક્ત પરિવાર ભાગ્યે જ જોવા મળે’ એવી પ્રતિષ્ઠા પ્રસરેલી હતી અને એ પણ સાચું હતું કે ઘરમાં ક્યારેય કોઈ બીજાની સાથે ઊંચા અવાજે વાત ન કરે. દરેક સભ્ય અન્ય સભ્યનું માન અને મર્યાદા જાળવે, પણ હવે યશભાઈથી રહેવાતું નહોતું. ભયંકર ગુસ્સો આવે અને વિદ્રોહ કરવાનું વારંવાર મન થઈ આવે, પણ મર્યાદા નડે એટલે કોઈને કશું કહે નહીં. બીજી તરફ પત્નીનું પ્રેશર પણ વધતું જાય. યશભાઈની આ સેન્ડવિચ જેવી સ્થિતિ ‘ન કહેવાય, ન સહેવાય’ એવી થઈ રહી હતી. આ જ સ્ટ્રેસ એમના માથાના દુખાવા તરીકે બહાર આવ્યો. શરીર અને મન એ જુદી બાબતો ચોક્કસ છે, પણ બંને સતત આંતરક્રિયા ધરાવે છે. મનની શરીર પર સતત અસરો થયા કરે છે. દુ:ખ, હતાશા, ગુસ્સો, ક્રોધ, તિરસ્કાર, ઈર્ષ્યા વગેરે નકારાત્મક લાગણીઓની આપણા શરીર પર વિવિધ પ્રકારે અસરો થાય છે. જ્યારે ક્રોધ, તિરસ્કાર કે ઈર્ષ્યા જેવાં નેગેટિવ ઈમોશન્સ અભિવ્યક્ત થઈ શકતા નથી, ત્યારે તેનું મનના ઊંડાણમાં દમન થાય છે. મતલબ કે, એ સમયે આપણે એ નકારાત્મક લાગણીને જાણે-અજાણે મનના ઊંડાણમાં ધકેલી દઈએ છીએ. પછી જ્યારે એ પાછી બહાર આવવા મથામણ કરે, ત્યારે કોઈ ને કોઈ શારીરિક લક્ષણ સ્વરૂપે દેખા દે છે. જો કોઈ પ્રકારની માનસિક મૂંઝવણ કે સમસ્યા અનુભવાતી હોય તો એનો સૌથી પહેલો ઉપાય છે કે કોઈ નજીકની વિશ્વાસપાત્ર વ્યક્તિને વાત કરવી. એટલું યાદ રાખીએ કે જે સમસ્યા હેરાન કરતી હોય તેના વિશે યોગ્ય જગ્યાએ વાત કરવાથી એ સમસ્યા નબળી પડવાની શરૂઆત થઈ જાય છે. ક્યારેક એવું થાય કે ‘માત્ર હું જ દુનિયામાં સૌથી વધારે દુ:ખી છું’, પણ એવું હોતું નથી. આપણા જેવા પ્રશ્નોથી અનેક લોકો દુનિયામાં પીડાતા હોય છે. જરૂર હોય છે એને ઓળખવાની અને યોગ્ય રીતે મેનેજ કરવાની. જરૂર પડ્યે નિષ્ણાતનો સંપર્ક કરવામાં સામાજિક સંકોચ રાખવો જોઈએ નહીં. યશભાઈની સારવારમાં હિપ્નોથેરાપી તો ‘ટ્રીટમેન્ટ ઑફ ચોઈસ’ હતી જ, સાથે ફેમિલી કાઉન્સેલિંગના સેશનમાં અન્ય ભાઈઓ અને એમના પિતા સાથે ખુલ્લી વાતચીત થઈ. પરિવારના અન્ય કોઈ સભ્યોને આ સમસ્યાની જાણ જ નહોતી. બધા સભ્યો મદદ માટે તૈયાર થયા. યશભાઈ પણ હવે કોઈ બીજા એન્જિનિયર્સને અપોઈન્ટ કરીને પોતાની એ.સી. ઑફિસમાં બેસવા લાગ્યા. દમિત દુખાવાની ફરિયાદનું નિરાકરણ થયું. વિનિંગ સ્ટ્રોક અચેતન માનસમાં જાણે-અજાણે ધકેલી દેવાયેલી લાગણીઓ એક પ્રકારની શક્તિ ધરાવે છે જેનો ક્યારેય નાશ થતો નથી, પણ તેનાં સ્વરૂપો અને અભિવ્યક્તિ બદલાયાં કરે છે.
Read Original Article →