રિફ્લેક્શન:ટોલ, ડાર્ક અને હેન્ડસમ : પુરુષોની બદલાતી ઓળખ

Magazine4/29/2026, 12:35:00 AM
રિફ્લેક્શન:ટોલ, ડાર્ક અને હેન્ડસમ : પુરુષોની બદલાતી ઓળખ
નમ્રતા દેસાઈ આ પણાં શાસ્ત્રોમાં, ઋગ્વેદમાં જણાવ્યું છે કે સ્ત્રીને સુંદર દેખાવા માટે કુલ સોળ શણગારની જરૂરિયાત હોય છે. આની પાછળ મા જગદંબાના અલગ-અલગ સોળ શૃંગાર અને ગુણો સાથે તેની વિવિધ અસર વિશે પણ માહિતી મળે છે. દુનિયામાં મોટાભાગની સ્ત્રીઓ સુંદર દેખાવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. હજી પણ ઘણી યુવતીઓના માનસ પર બાળપણથી જ એવી માન્યતા જાણે-અજાણે ઘર કરી ગઈ હોય કે એણે ફરજિયાત સુંદર દેખાવું જ જોઈએ તો જ સમાજમાં એની સ્વીકૃતિ થશે! એટલે કોસ્મેટિક અને બોડી શેપર્સનો બિઝનેસ અબજો અને ખરબોમાં ચાલે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી પુરુષો પણ આ હોડમાં દોડી રહ્યા છે. લગભગ 17 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના પુરુષો પોતાને હેન્ડસમ, ફિટ દેખાડવા માટે જાતજાતના નુસખાઓ અને નિતનવા ટ્રેન્ડની પાછળ ઘેલા થઈ રહ્યા છે. હોલિવૂડના જ્યોર્જ ક્લૂની કે જેમ્સ બોન્ડ- પિયર્સ બ્રોસ્નનની લુક ઈમેજને પાછળ રાખીને હવે બ્રાડ પિટ અને ‘ટાઈટનિક’ ફિલ્મના હીરો લિયોનાર્ડો ડિકેપ્રિયો જેવા ચોકલેટી ઈમેજ ધરાવતા પુરુષ વ્યક્તિત્વ વધુ ડિમાન્ડમાં છે. જિમ, સલૂન્સ, ડાયટ, મોન્ઝારો ઈન્જેક્શન, ઓઝોન થેરાપી, ગ્લુટાથાયોન, સપ્લીમેન્ટ્સ, કોસ્મેટોલોજી, સિક્સ પેક, આલ્કોહોલ અને ડ્રગ્સ એ આજના યુવાનોમાં આકર્ષક અને સ્ટાઈલિશ દેખાવા માટેની જરૂરિયાત બની ચૂકી છે. જો તમે આ બધું જ કરો છો તો તમે યુવતીઓનાં ગ્રૂપમાં ફેવરિટ છો! તમે એક સાથે ઘણી યુવતીઓ સાથે ચેટિંગ અને ચીટિંગ બંને કરી શકો તો તમારે તમારા બાહ્ય દેખાવને વધુ મહત્ત્વ આપવું પડશે! કારણ કે હવેનો સમય યુવતીઓને પણ પુરુષને જાણવામાં નહીં, ફક્ત જોવામાં અને માણવામાં જ ઈન્ટરેસ્ટ છે. તમે સ્ટાઈલિશ છો? પૈસાદાર છો? તો તમારી પસંદ મહત્ત્વની બની જાય છે. ‘લુક્સ મેક્સિંગ’ નામની એક ઓનલાઇન કોમ્યુનિટી છે. એમાં એક અજબ-ગજબનો કિસ્સો બન્યો છે, જે હાલમાં ઇન્સ્ટાગ્રામ અને ટિક્ટોક પર ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ ગ્રૂપમાં જોડાવા અને પોતાની કાયાપલટ કરવા માટે યુવાનો કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય છે. પીટર્સ નામના એક અમેરિકન ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા પર ‘ક્લેવિકુલર’ તરીકે એક ખતરનાક વીડિયો અપલોડ કર્યો છે અને યુવાનો આ વીડિયોને લાખોની સંખ્યામાં ફોલો કરી રહ્યા છે, જે સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ‘બોન સ્મેશિંગ’ ટ્રેન્ડમાં યુવાનો પોતાના ચહેરાના હાડકાં, ખાસ કરીને ‘જો લાઈન’ (Jawline) ને શાર્પ અને આકર્ષક બનાવવા હથોડાથી અથવા કોઈ ભારે વસ્તુથી પ્રહાર કરે છે. મેડિકલ એક્સપર્ટ આને સુંદર દેખાવાની પાગલપન વૃત્તિ ગણાવે છે. આમાં ચહેરો કદરૂપો તો થઈ જ શકે પણ મગજને અને નસોને ગંભીર ઈજા થઈ શકે છે, મૃત્યુ સુધી પણ પહોંચી શકાય છે. આધુનિક યુગમાં યુવાનો માટે ‘સુંદર દેખાવું’ માત્ર પસંદગી નહીં, પણ એક પ્રકારની જરૂરિયાત બની ગઈ છે. 1980માં ‘બોમ્બે ડાઇંગ’ બ્રાન્ડમાં શશી કપૂરના દીકરા કરણ કપૂરના મોડલિંગે તે સમયે સ્ત્રીઓમાં એક નોસ્ટેલજિક ક્રેઝ જગાવ્યો હતો. ત્યારબાદ કબીર બેદી, જોન અબ્રાહમ જેવા અનેક મોડેલ અને અભિનેતાઓ સ્ત્રીઓનાં સપનાંઓને વાચા આપતા. પરંતુ ત્યારે આ ઇફેક્ટ ફક્ત પેજ-થ્રી વર્તુળમાં જ વિહરતી. જ્યારે હવે પેડિક્યોર, બિયર્ડ લુક, ફ્રેન્ચ કટ, ફેશિયલ, આઈબ્રો એ ઘણા પુરુષો માટે લાઈફ સ્ટાઈલ અને રોજિંદી જરૂરિયાત બની ચૂકી છે. એક સમયે ટોલ એન્ડ ડાર્ક, બરછટ અને આંખોથી વાત કરતા પુરુષની પર્સનાલિટી હેન્ડસમ લુકમાં ગણાતી; જ્યારે હવે આજની ન્યૂ જનરેશન ગ્લુટાથાયોન IV ઈન્જેક્શન લઈને ગોરા લિસ્સા માર્બલ જેવા લુકમાં પરિવર્તિત થઈ રહી છે. ‘પરફેક્ટ બોડી’, ‘ગ્લોઈંગ સ્કિન’ અને ‘સ્ટાઇલિશ લુક’ - આ બધું હવે એક પ્રકારનો માપદંડ બની ગયું છે. સરેરાશ એક યુવક પોતાના લુક પાછળ- જેમાં કપડાં, શૂઝ, સલૂન, મોંઘા મોબાઈલ, પરફ્યૂમ, સિગારેટ, વ્હિસ્કી અને હાઈ-ફાઈ રેસ્ટોરન્ટનો સમાવેશ થાય છે - તેના માટે મધ્યમ વર્ગનો યુવક 5થી 7 હજાર અને શ્રીમંત ઘરના યુવકો 50 હજારથી 1 લાખ સુધીનો ખર્ચ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત દેખાતા ફિલ્ટર કરેલા ફોટા અને લાઈફસ્ટાઈલને જોઈને ઘણા યુવાનો પોતાના સ્વાભાવિક સ્વરૂપથી અસંતોષ અનુભવે છે. તેઓ પોતાને અન્ય લોકો સાથે સરખાવવા લાગે છે, જેનાથી આત્મવિશ્વાસ ઘટે છે. ઘણા કેસોમાં તો આ દબાણ ડિપ્રેશન, એંગ્ઝાયટી અને ‘બોડી ઈમેજ ઈશ્યૂઝ’ સુધી પહોંચે છે. આ સ્પર્ધામાં કેટલાક યુવાનો વધુ ખર્ચાળ બ્યૂટી ટ્રીટમેન્ટ્સ, જિમ અને ડાયેટ પ્લાન્સ તરફ વળે છે, જે હંમેશાં આરોગ્યપ્રદ હોય એવું જરૂરી નથી. ઘણીવાર તેઓ ‘ફિટ’ દેખાવા માટે પોતાના સ્વાસ્થ્ય સાથે સમજૂતી કરે છે. પરંતુ આ ચમકતી દુનિયામાં એક સત્ય ભૂલાઈ જાય છે - સુંદરતા માત્ર બહારની નહીં, પરંતુ અંદરની પણ હોય છે. આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને સ્વીકાર - આ ગુણો વ્યક્તિને ખરેખર આકર્ષક બનાવે છે.
Read Original Article →