મનદુરસ્તી:લગ્નજીવન સફળ થશે પણ... કન્ડિશન્સ એપ્લાય!
‘ડૉક્ટર, અમે જ્યારે અમારા કેટલાક ફ્રેન્ડઝને કહ્યું કે અમે ‘પ્રી-મેરેજ કાઉન્સેલિંગ’ માટે જઈએ છીએ તો એ લોકો હસવા લાગ્યાં. ઇન-ફેક્ટ ઘણા લોકો એ સમજી શકતા નથી કે સાયકોલોજીસ્ટ પાસે જનાર દરેક વ્યક્તિને માનસિક સમસ્યા હોય જ એવું નથી. ઘણી વાર જીવનમાં યોગ્ય મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન માટે પણ ચોક્કસ જવું જોઈએ. હું અને માહી એટલે જ આવ્યાં છીએ કે અમારે રિલેશનશિપમાં શું તકેદારી રાખવી અને એવી તો કેવી કન્ડિશન્સ એપ્લાય થાય છે કે જેનાથી ખુશહાલ લગ્નસંબંધ ટકી રહે છે.’ યુવરાજે પોતાની સ્પષ્ટ વાત કરી.
હાલના સમયમાં ખુશહાલ લગ્નસંબંધ સાવ અનાયાસે નથી રહેતો. એના માટે બે એવી વ્યક્તિઓ જોઈએ જે લાગણીની દૃષ્ટિએ સ્વસ્થ હોય, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ ધરાવતા હોય તેમજ શ્રેષ્ઠ જીવનસાથી તરીકે રહેવાનું કમિટમેન્ટ હોય.
પ્રેમ અને વિશ્વાસ કરતાં પણ મહત્ત્વની બાબત કોઈ હોય, તો એ છે સન્માન! પોતાના જીવનસાથીનો આદર કરવો એ મજબૂત સંબંધનું અનિવાર્ય પાસું છે. ઘણીવાર એવું બનતું હોય છે કે પતિ કે પત્ની જૂની ઓળખાણ કે મૈત્રી પછી લગ્નસંબંધમાં આવતા હોય છે. એટલે સાથીને દરેક બાબતમાં વધુ પડતી હળવાશથી લેવાની આદત હોય છે. જો આ જૂનો સંબંધ લગ્નમાં પરિણમે તો બે મિત્રો પતિ-પત્ની તો થઈ જાય છે, પણ પેલી વધુ પડતી હળવાશ કે મજાકની વૃત્તિ હજુ ચાલુ રહે છે. જે યુગલમાં આવી રમૂજવૃત્તિ જાહેરમાં અરસ-પરસ થયા કરતી હોય અને બંનેને એ માટે કોઈ વાંધો ન હોય તો ખાસ કોઈ સમસ્યા નથી આવતી, પણ જો કોઈ એકાદને પણ લગ્ન પછી જાહેરમાં કરાતી મજાક ન ગમે તો સામેવાળા સાથીએ એ વાતને સુપેરે સમજી લેવી જરૂરી છે.
જ્યારે સંબંધનું સ્ટેટસ બદલાય ત્યારે સ્વમાન સાચવવાની વૃત્તિ પણ બદલાતી હોય છે. જો કોઈ એક પણ સાથીને જાહેરમાં લોકોની વચ્ચે થતી મજાક ન ગમતી હોય તો સામેવાળાએ એ બાબતની ગંભીરતા સમજવી જોઈએ. પ્રેમ હોય એટલે પબ્લિકમાં પ્રેસ્ટિજની પથારી ન ફેરવી શકાય. આ વાત સમજાય તો સંબંધને મજબૂતાઈ મળે છે. અલબત્ત, અંગત રીતે રમૂજ કે મજાક સામેવાળાને પચે ત્યાં સુધી ચોક્કસ કરી શકાય છે અને એ સ્વસ્થ સંબંધ માટે જરૂરી પણ છે.
ક્યારેક બે માણસ અમુક બાબતોને લઈને નજીક આવ્યા હોય છે. કોમન શોખ, કોમન મિત્રો, કોમન ગોલ્સ વગેરે... પણ એવુંય શક્ય છે કે વખત જતા આ પસંદગીઓ બદલાય અથવા ક્યારેક કેટલીક બાબતો અંગે મતભેદ થયા કરે. પરસ્પર સહમત ન થવું એ કોઈ સંબંધ-ઘાતક વલણ ન કહી શકાય. એ યાદ રાખવું જોઈએ કે એક લોકશાહીયુક્ત લગ્નજીવનમાં બંનેને પોતાનો અભિપ્રાય અભિવ્યક્ત કરવાનો અધિકાર છે તેમજ એ વિશે ચર્ચા કરવાની પણ જરૂર હોય જ છે. અસહમતી થાય તો એ વાસ્તવમાં સંઘર્ષ નિવારણ માટેની એક તક સમજીને પોતાની કોમ્યુનિકેશન સ્કીલ મજબૂત બનાવવાની તક સમજવી જોઈએ. ગુસ્સો, ચીડ, નફરતની ભાવના, અણગમો, ચૂપ થઈ જવું, આક્રમક થવું, પલાયન કરવું વગેરેમાંથી પોતાની વર્તન તરેહ કઈ છે તે સમજી લેવામાં આવે તો પરસ્પરની પ્રતિક્રિયાઓ બદલી શકાય છે, એટલું યાદ રાખવું.
અન્ય એક પાસું છે કે, બંનેએ એકબીજાનાં નિકટનાં સગાં અને સ્નેહીઓનો આદર કરવો પડશે. જો જીવનસાથી પ્રત્યે કોઈ અંગત ફરિયાદ કે અણગમો હોય તો એ તિરસ્કારનો ચેપ સગાં-વહાલાં સુધી ન ફેલાય તે જોવાની પરિપક્વતા હોવી જરૂરી છે. એ જ રીતે એથી ઉલટું પણ ધ્યાન રાખવું. જો પોતાના જીવનસાથીને ગમતાં લોકોને પોતાનાં ગમતાં કરીએ તો સોનામાં સુગંધ ભળે એ નક્કી છે!
સૌથી મહત્ત્વની છે, બ્રીધિંગ સ્પેસ! મતલબ પ્રેમ કરતા હો એટલે સામેનાને સ્વતંત્ર શ્વાસ લેવાની પણ છૂટ ન હોય તો એ પ્રેમ નહીં પણ પઝેશન છે, જે ધીમે ધીમે વિકૃતિમાં પરિણમી શકે. સાથીના ધ્યેયો અને કામની કદર કરવી પણ એક પ્રકારનો પ્રેમ જ છે. અને છેલ્લે, જે પ્રેમ હોય એને શાબ્દિક કે હાવભાવની અભિવ્યક્તિની જરૂર પડે છે. પ્રેમને હંમેશાં મૌન રાખીએ અને સામેવાળાએ એ મૌન સમજી લેવું જોઈએ, એવી ફિલ્મી કે કાવ્યાત્મક અપેક્ષા દર વખતે કામ નથી લાગતી. એટલે પ્રેમને અભિવ્યક્ત કરવો એ સંબંધની મૂળભૂત જરૂરિયાત છે.
યુવરાજ અને માહી બંનેએ આ બાબતો શાંતિથી સાંભળી. બંને સંબંધ સાચવવાનાં આ સોનેરી સૂત્રો પચાવી રહ્યાં હતાં. વિનિંગ સ્ટ્રોક
લગ્નસંબંધમાં સામેવાળી વ્યક્તિ પરફેક્ટ હોવી જોઈએ, એ વિચાર પોતાનું ઈમ્પરફેક્શન દર્શાવે છે.
Read Original Article →