મેનેજમેન્ટની ABCD:‘અશક્ય’ સિર્ફ એક અભિપ્રાય છે

Magazine4/15/2026, 12:35:00 AM
બી.એન. દસ્તુર મા રી 93 વર્ષની જિંદગીમાં જો એક પરમ સત્ય મેં અનુભવ્યું હોય તો તે એ છે કે ‘અશક્ય માત્ર એક અભિપ્રાય છે. (impossible is only an opinion.) જિંદગીનાં પ્રથમ 28 વર્ષ જ્યાં વિતાવ્યાં- નવસારીના દસ્તુરવાડમાં, ત્યાં એક નાનકડું ઘર છે જ્યાં જમશેદજી તાતાનો જન્મ થયો હતો. સન 1900માં તાતાએ સ્ટીલ બનાવવાનો પ્લાન્ટ ઊભો કરવાનું વિચાર્યું ત્યારે ઈન્ડિયન રેલ્વેના ચીફ કમિશનર સર ફ્રેડરિક અપકૉટ સાહેબે કહ્યું હતું, ‘જો તાતા સ્ટીલ બનાવે તો હું બધું જ ખાઈ નાખીશ.’ અપચો થવાના ડરે સર ફ્રેડરિકે એમનો ઈરાદો માંડી વાળ્યો. જમશેદજી તાતાના પાડોશીના નાતે મારા કુટુંબની ડિક્શનરીમાં ‘અશક્ય’ શબ્દને નો એન્ટ્રી. 1921 અને 1952ના સમયગાળામાં માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે 10 મોટા પ્રયત્નો થયા. સઘળા નિષ્ફળ. 13 પર્વતારોહકો ઉકલી ગયા. દુનિયા આખી બોલી ‘અશક્ય.’ પણ 29 મે, 1953ના રોજ સવારે 11.30 કલાકે સર એડમન્ડ હિલેરી અને તેનઝિંગ નોરગેએ એવરેસ્ટ સર કર્યા. અશક્ય? 1953થી 2026 સુધીમાં 7600 વ્યક્તિઓ એવરેસ્ટના શિખરે પહોંચી. 1965માં અવતાર સિંઘ ચીમા એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય બન્યા. 1984માં બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા બન્યાં. 1952માં હું સ્પોર્ટ્સ કોલેજમાં હતો ત્યારે એવું મનાતું હતું કે માનવીનું હૃદય ચાર મિનિટમાં એક માઈલ દોડવાનો બોજો સહન ન કરી શકે. 6 મે, 1954ના રોજ રૉજર બેનિસ્ટરે 3 મિનિટ અને 59.4 સેકન્ડમાં એક માઈલ દોડી અશક્યને શક્ય બનાવ્યું. 1954 બાદ કુડીબંધ એથ્લીટો ચાર મિનિટમાં માઈલ દોડ્યા. પેટ્રોકેમિકલની રિફાઈનરી ઊભી કરવી હોય તો સાતથી દસ વર્ષ જોઈએ, એવું દુનિયા આખી માનતી. ધીરુભાઈ અંબાણીએ ફક્ત 33 મહિનામાં દુનિયાની સૌથી મોટી રિફાઈનરી ઊભી કરી નાંખી. ઈતિહાસ સાક્ષી છે કે જે લીડરો અશક્યને માત્ર એક અભિપ્રાય ગણે છે તે ‘સ્ટ્રેટજિક ઑડિસિટી(strategic audeciry)થી અશક્યની એસીતેસી કરી શકે છે. બિઝનેસનાં સંદર્ભમાં હું અશક્યનો અર્થ કરું છું- આજની તારીખમાં મારાથી શક્ય નથી.’ જે તમને અશક્ય મહેસૂસ થાય છે તે કોઈ નિષ્ણાતને સોંપી દો અથ‌વા જરૂરી આવડત, માહિતી, જ્ઞાન, અનુભવ મેળવો. મેનેજમેન્ટની પ્રથમ કિતાબ, શ્રીમદ્ ભગવદ ગીતામાં કિસન મહારાજ કહે છે કે જે કંઈ કરવાનું છે તે પૂરી તાકાતથી કરી નાખો. પરિણામની ચિંતા કરવાની મનાઈ. જ્યારે તમે ‘અશક્ય’ શબ્દનો ઉપયોગ કરો છો ત્યારે જાતને એવું કહો છો કે ધારેલું પરિણામ શક્ય નથી. આ તમારો અભિપ્રાય છે. પારસી વડીલો કહે છે, ‘દીકરા, ઈમપોસિબલ શબ્દ તું બોલતો ના, કારન કે તને જે ઈમપોસિબલ લાગેચ, તે કોઈ બબૂચક પોસિબલ બનાવી નાખસે.’ અશક્ય શબ્દ કાર્યની મર્યાદા બતાવતો નથી, તમારી કલ્પનાશક્તિની મર્યાદા બતાવે છે. મારા ગુરુ ડો. ઓટો પેલ્ટઝર સાહેબ કહેતા કે રમતના મેદાનની હાર એ શરીરની હાર નથી, મનની હાર છે. મેદાનમાં જે રેકોર્ડ્ઝ બને છે તે તૂટવા માટે જ બને છે. યુવાનીમાં ડો. પેલ્ટઝરે લાંબા અંતરની દોડના છ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા. 1959 સુધીમાં એ બધા જ તૂટી ગયા. આપણા દેશના લશ્કરમાં એક શિરસ્તો છે: જે ખૂબ મુશ્કેલ છે તે અમે હમણાં જ લપેટી લઈશું. જે ‘અશક્ય’ છે તેને લપેટવા થોડો સમય જોઈશે.’
Read Original Article →