મેંદી રંગ લાગ્યો:મને નથણી ઘડાવી દેને સોનીડાના છોકરા રે…

Magazine4/8/2026, 12:50:00 AM
મેંદી રંગ લાગ્યો:મને નથણી ઘડાવી દેને સોનીડાના છોકરા રે…
અમે મચ્છુનાં પાણી ગ્યાં’તાં સોનીડાના છોકરા રે, મને ન્યાંથી રે માયા લાગી સોનીડાના છોકરા રે. મને નથણી ઘડાવી દેને સોનીડાના છોકરા રે, તારે ઘરનું સોનું ને એરણ ઘરની સોનીડાના છોકરા રે. મને તારો રે નેડલો લાગ્યો સોનીડાના છોકરા રે. મને કડલાં ઘડાવી દેને સોનીડાના છોકરા રે, તારે ઘરનું રૂપું ને એરણ ઘરની સોનીડાના છોકરા રે. મને તારો રે નેડલો લાગ્યો સોનીડાના છોકરા રે. મને કાંબિયું ઘડાવી દેને સોનીડાના છોકરા રે, તારે ઘરનું ચાંદી ને એરણ ઘરની સોનીડાના છોકરા રે. મને તારો રે નેડલો લાગ્યો સોનીડાના છોકરા રે. મને હારલો ઘડાવી દેને સોનીડાના છોકરા રે, તારે ઘરનું સોનું ને એરણ ઘરની સોનીડાના છોકરા રે. મને તારો રે નેડલો લાગ્યો સોનીડાના છોકરા રે. ગુજરાત લોકમાતાઓથી હર્યુંભર્યું છે. રણપ્રદેશને બાદ કરતા આખા પ્રદેશને નદીઓએ ભરડો લીધો છે. આપણી સંસ્કૃતિ જ નદીકિનારે ફૂલીફાલી છે, એટલે સરિતા સાથે આપણો વારસાગત સંબંધ છે. નર્મદા, સાબરમતી, વિશ્વામિત્રી, તાપી, ભાદર, શેત્રુંજી, ગોમતી, હિરણ, મચ્છુ, ભોગાવો, આજી, રૂપેણ, મેશ્વો જેવાં દસ-વીસ નામ આપણને આવડે છે, પણ ગુજરાતનાં પાંચ-દસ ગામ મૂકો ત્યાં એક નદી આવે એનુંય નામકરણ થયું જ હોય! લોકો એને વેણુ, ઉતાવળી, ઉબેણ જેવાં નામે ઓળખતા હોય. એ જે તે તાલુકા કે જિલ્લાના લોકો માટે પોતીકી ગંગા-યમુના હોય છે! ‘અમે મચ્છુનાં પાણી ગ્યાં’તાં સોનીડાના છોકરા રે...’ – આ એક અલ્પ પ્રચલિત પણ મધમીઠું લોકગીત છે. નાયિકા મચ્છુએ પાણી ભરવા જાય છે, જ્યાં તેને કોઈ ‘સોનીડાના છોકરા’ સાથે નેડો લાગે છે. જસદણ-વીંછિયા પાસેના મદારા (મદાવા) ડુંગરમાંથી નીકળીને વાંકાનેર થઈ, મોરબી અને માળિયા બાજુથી 130 કિ.મી. જેટલું અંતર કાપીને મચ્છુ નદી કચ્છના રણમાં સમાઈ જાય છે; એટલે આ લોકગીત કયા પંથકનું છે એ સહજે સમજાઈ જાય છે. આપણી ભામાઓ કેટલી ભોળી હતી એ લોકગીતની નાયિકાની માંગણી પરથી સ્પષ્ટ થાય છે. અલંકારનો શોખ હોવો એ સ્ત્રીસહજ લાક્ષણિકતા છે, પણ અહીં તો નાયિકાના ભોળપણની ચરમસીમા ત્યારે આવે છે જ્યારે એણે છોકરાને કહ્યું કે, ‘તું સોની છે એટલે તારે સોનું, રૂપું અને ચાંદી તો ઘરનાં જ હોય! તું મને નથણી, કડલાં, કાંબિયું અને હારલો વગેરે ઘડાવી દેજે.’ વળી એરણ જેવાં જરૂરી સાધનો પણ તેમની પાસે હોય. તમે જન્મજાત સુવર્ણકાર એટલે તમને ઘડતાં પણ આવડે! એને તો એમ જ હશે કે સોનીને પોતાની સોનાની ખાણો હોય ને જરૂર પડ્યે એમાંથી સોનું ખોદી કાઢે. આ મહામૂલી ધાતુમાંથી બનતાં ઘરેણાંની વાતો ગવાય છે, કારણ કે જરૂરતના સમયે ઝડપથી રોકડમાં રૂપાંતરિત થતું અને વધુમાં વધુ વળતર આપતું કોઈ રોકાણ હોય તો તે આ ધાતુ છે. ઘરેણાં કાળી રાતે પણ રૂપિયા અપાવી શકે છે. જમીન, મકાન કે ફાર્મહાઉસ ચાર-છ કલાકમાં વેચી શકાતાં નથી. શેરબજારમાં તો શેર ગમે ત્યારે કાગળ થઈ જાય! દેશમાં કે પરદેશમાં કોઈ ભૂતપૂર્વ કે અભૂતપૂર્વ ઘટના બને તો શેરબજાર ધડામ. ભારતીયો માટે સોનું અને ચાંદી જ મુશ્કેલ સમયની સીડી હોય છે. વિશ્વના દેશો બાખડે તોય સોના-ચાંદીના ભાવ તો વધે જ છે!
Read Original Article →