આઠમી અજાયબી:ધુરંધરના લ્યારીમાં ધબકતું નાનકડું ગુજરાત

Magazine4/8/2026, 12:50:00 AM
આઠમી અજાયબી:ધુરંધરના લ્યારીમાં ધબકતું નાનકડું ગુજરાત
માયા ભદૌરિયા હમણાં ‘ધુરંધર’ ફિલ્મથી જાણીતું બનેલું લ્યારી નામ સૌને યાદ હશે જ! પડદા પર લ્યારીની સાંકડી ગલીઓ, જૂનાં જર્જરિત મકાનો તેમજ ફૂટબોલનાં મેદાનોનું વાસ્તવિક ચિત્રણ થયું, ત્યારે ફક્ત લ્યારીની વાર્તા નહીં પણ એના સંઘર્ષ અને ઝિંદાદિલીનો ઈતિહાસ પડદા પર હૂબહૂ ઊતરી આવ્યો. કરાચીના દક્ષિણ છેડે વસેલો આ વિસ્તાર માત્ર નકશા પરની ભૂગોળ કે ફિલ્મી પડદાનું કોઈ લોકેશન નથી, પણ સદીઓ જૂના સંબંધોનો એક જીવંત દસ્તાવેજ છે. કરાચીનું પ્રવેશદ્વાર ‘લ્યારી’ ભારત-પાકિસ્તાન વિભાજનની કડવી લકીરો ખેંચાઈ એ પહેલાં, અરબી સમુદ્રનાં મોજાં મુંબઈ, માંડવી અને કરાચીને એક અતૂટ તાંતણે બાંધતા હતા. લ્યારી એ સમયે માત્ર એક રહેણાક વિસ્તાર નહીં, પણ કચ્છ અને કાઠિયાવાડના સાહસિક માછીમારો, ખારવાઓ અને વેપારીઓ માટે કરાચીનું પ્રવેશદ્વાર ગણાતું. કચ્છના માંડવી બંદરેથી નીકળેલાં વહાણો જ્યારે કરાચી પહોંચતાં, ત્યારે તેમનું પહેલું સરનામું લ્યારી જ રહેતું. આ એક એવો સમય હતો જ્યારે કરાચી અને મુંબઈ વચ્ચેના સંબંધો એવા ગાઢ હતા કે વેપારીઓ સવારે કરાચીમાં ચા પીતા અને સાંજે મુંબઈના દરિયાકાંઠે ટહેલતા. ગલીઓમાં ગુંજતો કચ્છી લહેકો આજે પણ લ્યારીની ગલીઓમાં લટાર મારતા ક્યાંક કચ્છી લહેકો સંભળાય છે, તો ક્યાંક ગુજરાતી સંસ્કૃતિના અવશેષો નજરે પડે છે. લ્યારીમાં વસતા બલોચ, સિંધી અને કચ્છી સમુદાયો વચ્ચે અતૂટ તાણાવાણા છે, જેનો પાયો ગુજરાતનાં બંદરોએ નાખ્યો હતો. મૂળે, કચ્છના ખારવા, માછીમારો અને શ્રમિકો સદીઓ પહેલાં અહીં સ્થાયી થયા હતા. લ્યારીની જૂની ઈમારતોની બાંધણીમાં આજે પણ મુંબઈની જૂની ચાલ કે જામનગરની બજાર જેવી ઝલક જોવા મળે છે. ખાસ કરીને લ્યારીની ‘પથરા’ બજાર અને તેનાં જૂનાં મકાનોની બાલ્કનીઓ જોઈને એમ જ લાગે કે આપણે જામનગર કે પોરબંદરની કોઈ શેરીમાં ઊભાં છીએ. અહીંના વડીલોની વાતોમાં આજે પણ ‘માંડવી’, ‘ઓખા’ અને ‘દ્વારકા’ના સંદર્ભો જીવંત છે. લ્યારીમાં વસતો કચ્છી સમુદાય આજે પણ પોતાની જ્ઞાતિના રીત-રિવાજો અને પરંપરાગત ગુજરાતી ભોજનને વળગી રહ્યો છે. ભોજન અને ભાષા અહીંના લોકો મહેમાનગતિ માટે જાણીતા છે. બલોચી સજ્જી, નલી બિરયાની, હલવા-પૂરી અને છોલે, માછલી અહીંની પ્રખ્યાત વાનગી છે. લ્યારીમાં ક્યાંક આજે પણ ગુજરાતી શૈલીની રસોઈ, કઢી-ખીચડી અને કચ્છી ભોજનના અંશો જોવા મળે છે. લ્યારીની બહુમતી વસ્તી બલોચ હોવાથી અહીં મકરાણી બલોચી બોલી વધુ બોલાય છે. અહીંની ઉર્દૂ બોલવાની શૈલી પણ અનોખી છે. તેમાં બલોચી, સિંધી અને ગુજરાતી (ખાસ કરીને મેમણી અને કચ્છી) શબ્દોનું મિશ્રણ જોવા મળે છે. લ્યારીનાં જૂનાં બજારોમાં ફરતાં હોઈએ ત્યારે એવું લાગે કે આપણે જામનગર કે માંડવીની કોઈ જૂની ગલીમાં હોઈએ. વર્તમાન સ્થિતિ: સંઘર્ષ અને આશા વર્ષો વીતતાં લ્યારીએ ઘણું જોયું છે. રાજકીય ઊથલપાથલથી માંડીને ભયાનક ગેંગવોર અને આર્થિક કટોકટીના અનેક કપરા કાળ આ વિસ્તારે વેઠ્યા છે. એક સમયે લ્યારીનું નામ સાંભળતા જ લોકોનાં મનમાં હિંસાનું ચિત્ર ઉપસતું, પણ આજે એ ચિત્ર બદલાઈ રહ્યું છે. લ્યારીની જનતાએ પોતાની મૂળભૂત ઓળખ અને ખમીર ક્યારેય ગુમાવ્યું નથી. આજે લ્યારીના યુવાનો હિંસાના રસ્તે જવાને બદલે પોતાની અંદર રહેલી કળાને હથિયાર બનાવી રહ્યા છે. ખાસ કરીને રેપ મ્યુઝિક અને હિપ-હોપ દ્વારા અહીંના યુવાનો પોતાના દિલનો આક્રોશ અને સંઘર્ષ દુનિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લ્યારીના ગલી-મહોલ્લાના કલાકારો અને ઈન્ફ્લુએન્સર્સ આજે પાકિસ્તાન જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યા છે. લ્યારીના યુવા પ્રતિભાઓએ ફિલ્મો અને સંગીત આલ્બમ્સમાં કામ કરીને સાબિત કર્યું છે કે પ્રતિભા કોઈની મોહતાજ હોતી નથી. ભલે આજે સરહદો આડી આવી ગઈ હોય, પણ લ્યારીના મૂળમાં રહેલું ગુજરાત આજે પણ ત્યાંની હવામાં સુગંધ ફેલાવી રહ્યું છે. ‘કચ્છી પાડા’ કે ‘ગુજરાતી ગલીઓ’માં રહેતા વડીલોના ચહેરા પર આજે પણ વતનની યાદો જોઈ શકાય છે.
Read Original Article →