આજ-કાલ:781 વર્ષ ચાલ્યું એક યુદ્ધ
ઈ રાન વિરુદ્ધ અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધે દુનિયાભરને અદ્ધર શ્વાસે કરી મૂક્યાં છે કે આનો અંત ક્યારે આવશે. રશિયા-યુક્રેન યુદ્ધ 2022ની 24 ફેબ્રુઆરીએ શરૂ થયું એટલે આજે (8 એપ્રિલ, 2026ના રોજ) 1505 દિવસ થાય! પણ હવે કોઈ એની ફિકર તો જવા દો, ઉલ્લેખ પણ કરતું નથી.
યુદ્ધ હવે અણિશુદ્ધ ધંધો બની ગયું છે. આ ખૂનામરકી ફાંકા-ફોજદારી, નકરા સ્વાર્થ, દાદાગીરી અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય રાજકારણનું અનૌરસ સંતાન છે. આજકાલનાં યુદ્ધમાં સૌથી સસ્તી જણસ એટલે માનવ-જીવન.
માનવીને અસંભવ લાગે એવી કડવી હકીકત એ છે કે વિશ્વમાં સૌથી વધુ લાંબા ચાલેલા યુદ્ધનો સમયગાળો 781 વર્ષનો છે! એની ઇતિહાસમાં ‘રીકોન્ક્વિસ્ટા’ યુદ્ધ તરીકે નોંધ છે. આમાં એક મોરચે સ્પેન અને પોર્ટુગલ હતા, તો સામે હતા ઇબેરિયન દ્વીપકલ્પના મુસ્લિમ શાસકો. હાલ આ ઇબેરિયન દ્વીપકલ્પ એટલે સ્પેન, પોર્ટુગલ, એન્ડોરા, જિબ્રાલ્ટર અને ફ્રાંસનો હિસ્સો. આ સંઘર્ષ ઈ.સ. 711માં શરૂ થયો હતો. ઈ.સ. 718 સુધી મૂરોએ ઇબેરિયાનો મોટો ભાગ કબજે કર્યો.
ઐતિહાસિક સંદર્ભમાં ‘મૂર’ એટલે મધ્યયુગીન આફ્રિકન મુસ્લિમ. 11મી સદીમાં ખલીફા શાસન નબળું પડ્યા બાદ ખ્રિસ્તી રાજ્યો ધીમે-ધીમે મજબૂત બન્યાં અને ફરી પ્રદેશ પર કબજો જમાવ્યો. છેક ઈ.સ. 1492માં ગ્રાનાડા ફર્ડિનાન્ડ દ્વિતીય અને ઇઝાબેલા પહેલાના કબજામાં આવતા યુદ્ધનો અંત આવ્યો હતો. આ સદીઓ ચાલેલી લડાઈમાં 70 લાખ માણસો માર્યા ગયાનો દાવો થાય છે, જેને અમુક ઇતિહાસકારો માનતા નથી.
રોમન-જર્મેનિક યુદ્ધો (708 વર્ષ): આ યુદ્ધો ઈ.સ. પૂર્વે 113થી ઈ.સ. 596 સુધી ચાલેલા સંઘર્ષોની શ્રેણી હતી. આ બાથંબાથી રોમન સામ્રાજ્ય અને ભવિષ્યમાં આકાર લેનારા જર્મન પ્રદેશો વચ્ચે ચાલી હતી. ઈ.સ. 476માં રોમુલસ ઓગસ્ટસની હારથી પશ્ચિમ રોમન સામ્રાજ્યનો સૂર્યાસ્ત થયો. સમયાંતરે ફ્રેન્ક અને વિઝિગોથ શાસકોએ બાકીના પ્રદેશોને વહેંચી લીધા અને આ લાંબા સંઘર્ષનો અંત આવ્યો. આ રીતે રોમન-જર્મેનિક યુદ્ધોએ રોમન સામ્રાજ્ય અને જર્મેનિક પ્રદેશોની ભૂગોળ અને રાજકીય સ્થિતિ બદલી નાખી હતી.
ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ (706 વર્ષ): ઈ.સ. 1109થી ઈ.સ. 1815 સુધી ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ લડતા રહ્યા હતા. આ 706 વર્ષના એંગ્લો-ફ્રેન્ચ યુદ્ધોમાં એજિનકોર્ટ, ક્રેસી અને વોટરલૂ જેવાં યુદ્ધો મહત્ત્વપૂર્ણ હતાં. આ સંઘર્ષોએ યુરોપ તો ઠીક પણ સમગ્ર વૈશ્વિક રાજકારણ પર પણ અસર કરી હતી. ઘણા ઇતિહાસકારો અમેરિકન ક્રાંતિમાં પણ ફ્રાન્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને આ લડાઈ સાથે જોડે છે.
રોમન-પર્શિયન ઘર્ષણ (681 વર્ષ): ઈ.સ. પૂર્વે પહેલી સદીથી લઈને ઈ.સ. 628 દરમિયાન વિશ્વનાં બે શક્તિશાળી સામ્રાજ્યો સામસામે આવ્યાં હતાં. 681 વર્ષ ચાલેલા આ રોમન-પર્શિયન ઘર્ષણે વિશ્વની સૈન્ય તકનીક અને યુદ્ધની રણનીતિમાં મોટા ફેરફારો લાવ્યા હતા.
બાયઝેન્ટાઇન-બલ્ગેરિયન યુદ્ધો (675 વર્ષ): આજની પેઢીને બાયઝેન્ટાઇન સામ્રાજ્યની જવલ્લે જ ખબર હશે. એ 395માં રોમન સામ્રાજ્યના વિભાજન પછી મધ્ય-પૂર્વમાં બનેલું પૂર્વીય રોમન સામ્રાજ્ય હતું, જે 1,000 વર્ષથી વધુ સમય સુધી ટકી રહ્યું. તેની રાજધાની કોન્સ્ટેન્ટિનોપલ (આજનું ઇસ્તંબુલ) હતી. બાયઝેન્ટાઇન અને બલ્ગેરિયા વચ્ચે ઈ.સ. 680માં શરૂ થયેલાં યુદ્ધોનો અનેક સંધિઓ અને લડાઈઓ પછી ઈ.સ. 1355માં અંત આવ્યો. ટૂંકમાં બંને 675 વર્ષ લડ્યા હતા.
ક્રૂસેડ્સ (604 વર્ષ): ઈ.સ. 1095થી 1699 સુધી ચાલેલાં ધાર્મિક યુદ્ધોમાં યુરોપિયન ખ્રિસ્તી સેનાઓએ મધ્ય-પૂર્વમાં મુસ્લિમ નિયંત્રણ હેઠળના પ્રદેશો પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો. 604 વર્ષનાં આ ક્રૂસેડ્સ યુદ્ધોની અસર હજી પણ ઠેર-ઠેર ધાર્મિક અને રાજકીય તાણ રૂપે દેખાય છે.
આ સિવાય અતીત અરબ-બાયઝેન્ટાઇન (421 વર્ષ), યેમેની-ઓટોમન (373 વર્ષ), મોરોક્કો-પોર્ટુગલ (354 વર્ષ), રુસો-તુર્કી (350 વર્ષ), અને સ્પેનિશ-મોરો (333 વર્ષ)ના રક્તપાતથી લાલચોળ થયેલો છે. મહત્ત્વાકાંક્ષા, વિસ્તારવાદ, સંસ્કૃતિ અને ધર્મ વચ્ચેના ટકરાવસમા આ યુદ્ધોએ વૈશ્વિક માનવજીવન, રાજકારણ અને સંસ્કૃતિ પર અમીટ અસર પાડી છે. તમને શું લાગે છે ભારત અને પાકિસ્તાન ક્યાં સુધી લડતા રહેશે?
ઓનલાઈન-ઓફલાઈન
યુદ્ધ એ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ સમસ્યાની શરૂઆત છે.- અજ્ઞાત
Read Original Article →