રેઈનબો:હું મારી માનો થાકોડો અનુભવી શકું છું…
રક્ષા શુક્લ દુ ષ્કાળથી અસરગ્રસ્ત ભિલોડા વિસ્તારમાં લોકોને રોજગાર મળી રહે એ માટે સરકારે તળાવ ખોદી એને ઊંડું કરવાની કામગીરી શરૂ કરેલી. સુક્કીભઠ્ઠ ધરતી પર સૂરજની કાળઝાળ અગનજ્વાળા સૌના દેહને દઝાડતી હતી. ત્યાં એક કાર આવી ઊભી રહી. તેમાંથી ઉપેન્દ્ર ત્રિવેદી ઉતર્યા. મજૂરો તેમને ઘેરી વળ્યા. મજૂરોના લિસ્ટમાં પોતાનું નામ લખાવી તેઓ પાવડો-કોદાળી લઈને શ્રમમાં જોડાયા.
મજૂરો દુષ્કાળ ભૂલ્યા; પડદા પર જોયેલો વીર માંગડાવાળો, જેસલ જાડેજો કે માલવપતિ મુંજ તેમની સાથે હતો. ઉપેન્દ્રભાઈની ફિલ્મોનાં પ્રસિદ્ધ ગીતો ગાતાં ગાતાં લોકોએ માટી ખોદી. ઉપેન્દ્રભાઈએ સાંજે 6 વાગે મજૂરી લેવા બધાની સાથે લાઇનમાં ઊભા રહી રાહત કામગીરીના મસ્ટરમાં સહી કરી 16 રૂપિયા અને 60 પૈસા લીધા. મજૂરીનો દિવસ પણ એક આનંદમય મીઠું સંભારણું બની ગયો. તે દિવસે મજૂરી કરનારને ન થાક લાગ્યો, ન કોઈ અફસોસ યાદ આવ્યો.
કોરોનાનો કપરો કાળ સૌથી વધુ શ્રમિકવર્ગને નડ્યો. લોકડાઉન બાદ કામ-ધંધા બંધ થતાં મુંબઈ, સુરત સહિતનાં મોટાં શહેરોમાં કામ કરતા મજૂરો અટવાયા. પગપાળા કુટુંબકબીલા સાથે તડકો અને ભૂખમરો વેઠીને પણ વતન જવા તૈયાર હતા. પેટને બે વખત ભોજન ક્યાંથી આપવું એ સવાલ દિવસ ઊગતાની સાથે જ મોં ફાડીને ઊભો હતો. નવાઝ દેવબંદીનો શેર આંખોમાં આંસુ ન લાવે તો જ નવાઈ!
ભૂખે બચ્ચોં કી તસલ્લી કે લિયે, માને ફિર પાની પકાયા દેર તક.
એક્ટર સોનુ સૂદ રીલ લાઈફમાં મોટાભાગે વિલનનું પાત્ર ભજવનાર રિયલ લાઈફમાં કોરોનાકાળમાં હીરો બની ગયો. અનેક લક્ઝરી બસોમાં શ્રમિકોને તેમના વતનમાં નિઃશુલ્ક પાછાં મોકલવાનું કામ સોનુએ કર્યું હતું. સુન્દરમ્ મજૂર સ્ત્રીને વાચા આપતા લખે છે કે ‘દુનિયાને ઘેર ફૂલ-મોતીની છાબડી, મારે શકોરું ને રાબડી.’ કાંઠા વિસ્તારના હજારો ગરીબ અને પછાત અગરિયા પરિવારો પોતાના ભૂલકાઓ સહિત પરિવારજનો સાથે રણમાં જઈ ઝૂંપડું બાંધે છે અને 7-8 માસ સુધી ગાત્રો થીજાવતી કડકડતી ઠંડીમાં અને ધોમધખતા તાપમાં દિવસ-રાત મીઠું પકવવાનું કામ કરે છે. 98% અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે.
મંદીના સમયમાં સુરતના રત્નકલાકારો હિજરત કરે ત્યારે સુરતની મૂરત ઝાંખી પડે છે. મકાનોનાં બાંધકામમાં આદિવાસી ગોધરિયા કડિયા મજૂરોનું લોહી અને લાગણી છે. બીજાના માટે મકાન બાંધનાર માટે પોતાનું મકાન નથી. તેઓ જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાં ખુલ્લી જગ્યામાં તંબુ તાણીને રહેતા હોય છે. મોટી હોટેલમાં મોટાં બિલ સાથે મોટી ટિપ આપવામાં આપણે ગૌરવ અનુભવીએ છીએ પણ મજૂરી કરતા લોકો સાથે ભાવતાલ કરવામાં આપણને શરમ નથી આવતી. મજૂરી કરતા નિર્દોષ બાળકના મનોભાવને વાચા આપતા બ્રિટિશ ગાયક-ગીતકાર પેરિસ પાલોમાએ તેના ‘લેબર’ કાવ્યમાં લખ્યું છે કે...
‘Papa, papa I want to go to school,
Papa said Shut up your mouth you little fool,
Now go to work with your lunch and tool,
Before the sun melts the dawns cool.’
1986માં જન્મેલ સબીર હકા 32ની યુવા આયુમાં પોતાને નામે બે કાવ્યસંગ્રહ ધરાવે છે પણ ઘર નહીં, કેમકે એ શ્રમિક વર્ગનો મજૂર છે. એ ઘર બાંધવાની મજૂરી કરે છે પણ પોતે ખાનાબદોશની જેમ ઝૂંપડાં બદલતો રહે છે. એક ઇન્ટરવ્યૂમાં એ કહે છે કે ‘હું થાક્યો છું, બેહદ થાક્યો છું. હું જન્મ્યા અગાઉથી જ થાક્યો છું. મારી મા મને ગર્ભમાં પાળતી વખતે મજૂરી કરતી હતી, હું ત્યારથી જ એક મજૂર છું. હું મારી માનો થાકોડો અનુભવી શકું છું, એનો થાક હજી મારા શરીરમાં છે.’
સાહિત્યમાં ધીમે ધીમે સ્વપ્નિલ રોમેન્ટિસિઝમને જાકારો મળ્યો અને સામાન્ય કક્ષાનાં પાત્રોવાળી વાસ્તવવાદી કથાઓ સ્વીકારાવા લાગી. ફ્રેન્ક નોરિસ અને થિયોડોર ડ્રેઝર 20મી સદીના પ્રારંભમાં અમેરિકન કથાસાહિત્યના અને પ્રાકૃતિકતાની સાહિત્યિક ચળવળના મુખ્ય વ્યક્તિ હતા. નોરિસ કે ડ્રેઝર જેવા સર્જકોની કૃતિમાં માનવતાવાદી સ્વર સંભળાય છે.
વિરાટ રાક્ષસી યંત્રો અને તેની સામે શ્રમિકવર્ગની અવદશા માટે તેઓએ તીવ્રતાથી પ્રતિભાવ આપ્યા છે. દિલીપકુમાર અભિનિત ‘નયા દૌર’ ફિલ્મની વાર્તામાં રોડના બાંધકામની વાત સાથે મજૂરોના શ્રમની વાત સુપેરે વણી લેવાઈ છે. ‘કૂલી’ ફિલ્મમાં ઈજા પામેલા મહાનાયક અમિતાભ માટે ઊમટેલો લાગણીનો ધોધ સૌને ભીંજવી ગયેલો. પછી અમિતાભ સાજા થયા ત્યારે સૌથી વધુ મજૂરો હોસ્પિટલ બહાર હતા.
ગાંધીયુગના સાહિત્યમાં શ્રમિકોની વેદનાનો વેદ આલેખાયો છે. પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ કે ‘માનવીની ભવાઈ’માં શ્રમજીવીઓની વાત સહજ રીતે વણાઈને આવે છે. દોસ્તોએવસ્કીની નોવેલ ‘ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ’ કે ટોલ્સટોયની ‘વોર એન્ડ પીસ’માં શ્રમિકવર્ગના જીવનની યંત્રણા, ગૂંગળામણ અને સંઘર્ષ પડઘાય છે. આ વાસ્તવવાદી સાહિત્યમાં મજૂરોનું શ્રીમંતો દ્વારા રોજબરોજ થતું અપમાન કે ઘૃણામાંથી જન્મ લેતા વિદ્રોહનું આલેખન જોવા મળે છે.
ગુલઝાર સાહેબે પણ દાદ માટે નહીં, પરંતુ હિજરતી શ્રમિકો માટે હૃદયમાં જે દર્દ ઊઠ્યું તેનાથી છૂટકારો પામવા ‘મહામારી લગી થી’ કાવ્ય લખ્યું હતું. અનાજની ગુણો ઉપાડતા મજૂરની પીડા વર્ણવતા કવિ સૌમ્ય જોશી તેના એક અછાંદસમાં કહે છે કે, ‘માદરબખત સૂરજ ને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગુણ, કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે!’
મજૂરને બધું મંજૂર હોય એવું ન હોય, એનું પણ સ્વમાન અને સંવેદના હોય છે. સામાન્ય રીતે એની દરકાર લેવાતી નથી. ખરેખર તો મજૂર સમાજજીવનની ધરી છે. એક દિવસ કામવાળા ન આવે તો કેટલાંય ઘર ગરીબડાં બની જતાં હોય છે. મહિનાનું મૂલ્ય જાણવું હોય તો અધૂરા માસે જન્મ આપનારી મહિલાને પૂછો અને એક દિવસનું મૂલ્ય જાણવું હોય તો રોજ રળીને પોતાનું પેટ પૂરું કરનાર મજૂરને પૂછો. ધોધમાર વરસાદમાં એક મજૂરના ઝૂંપડાની છતમાંથી જ્યારે પાણી ટપકી રહ્યું હતું ત્યારે બાળક કહે છે, ‘જેને ઝૂંપડું પણ નહીં હોય એનું શું થતું હશે આ વરસાદમાં?’ 1લી મે મજૂર દિવસ છે અને શેઠ દિવસ પણ... ઇતિ…
ગુણવાન એ છે જે લોકોના દોષોથી પોતાની જાતને મુક્ત
નથી માનતો.- ખલીલ જિબ્રાન
Read Original Article →