મેંદી રંગ લાગ્યો:બંસરીના નાદે રમું રાસ રે, રંગીલી રસીલી બંસરી
મીઠી લાગે છે મુને કૃષ્ણ તારી બંસરી,
બંસરીના નાદે રમું રાસ રે, રંગીલી રસીલી બંસરી. . .
ભર રે નીંદરમાંથી ઝબકી ને જાગી,
વ્યાકુળ બનાવે દિન રાત રે, રંગીલી રસીલી બંસરી. . .
ભુલાવે ભાનસાન, ભૂલાવે ઘરકામ,
છોડાવે સાહેલીનો સાથ રે, રંગીલી રસીલી બંસરી. . .
ગોકુળમાં ગાજતી ને વૃંદાવન વાગતી,
વાગે છે મધુવન પાસ રે, રંગીલી રસીલી બંસરી. . .
શરદપૂનમની રઢિયાળી રાત છે,
વલ્લભ રમાડે રાસ રે, રંગીલી રસીલી બંસરી. . .
આવો શ્યામ આવો, રાસ રચાવો,
બંસરી બજાવો મારી પાસ રે, રંગીલી રસીલી બંસરી. . .
ગોપીઓને કૃષ્ણ પ્રિય એટલે એની બધી લીલા પણ વ્હાલી લાગે. બાલકૃષ્ણ યમુનામાં ધુબાકો દઈને કાળી નાગને નાથે, કોઈના ઘરમાં જઈને માટ ફોડે, માખણ ઢોળે, ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકે, અર્જુનના સારથિ બને, મામા કંસનો વધ કરે-ગોપીઓને મન નટવર એટલે નાયક નહિ, મહાનાયક! હરિનું તો આ ‘હીરોઈઝમ’ ગણાય સાથે ગોપીઓનું પણ ‘ડીવોશન’ જ કહેવાય કે જેને ચાહીએ, પૂજીએ એમાં બસ, લીન થઈ જવાનું.
બીજું એ કે વાદ્યનો પ્રભાવ વાદક પર અવલંબિત હોય છે. પોતાના પેટ ખાતર આપણી શેરીઓમાં પચ્ચીસ-પચાસ રૂપિયાના નાનકડા રાવણહથ્થા વેચવા નીકળેલો માણસ એવી ધૂન બજાવે કે આપણે તરત એ વાદ્ય ખરીદી લઈએ પણ આપણાથી વાગે? આપણી પાસે મજાની વાંસળી હોય પણ સૂર પર આંગળીઓ ગોઠવીને ફૂંક મારીએ ત્યાં ચિત્ર-વિચિત્ર અવાજ આવે! હવે આવું સંગીત કોને અને કેટલીવાર સાંભળવું ગમે? પણ એ જ બાંસૂરી દેવકી-નંદનો લાલો બજાવે તો? ગોપીઓ ઘેલી થઇ જાય, બધું છોડીને દોડી આવે.
‘મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. . . ’માં આવી જ કંઇક વાત છે. ગોપી કહે છે કે હે કનૈયા! મને તારી બંસરીનો સૂર બહુ મીઠો લાગે છે, હું એની ધૂન પર રાસ રમવા માંડું છું, તારી વાંસળી બહુ રસીલી, રંગીલી છે. હું તો થાકીને ઘસઘસાટ ઊંઘ માણતી હતી પણ તારી મોરલીએ મારી નીંદર ઉડાડી દીધી, મને વ્યાકુળ બનાવી મૂકી. એ વિજોગણ મને ભાનસાન અને ઘરકામ ભુલાવી દે છે, હું મારી સાહેલી સાથે હોઉં ને એનો સરવો સાદ સાંભળી જાઉં તો તારી પાસે ખેંચાઈ આવું છું.
તારી મોરલી ક્યારેક ગોકુળમાં, કોઈવાર વૃંદાવનમાં તો ક્યારેક મધુવનમાં ગહેકી ઊઠે છે. શરદપૂનમની અજવાળી-રઢિયાળી રાતે વલ્લભ રાસ રમાડે છે પણ હે શ્યામ! મને તો એવી આશા છે કે તમે મારી પાસે આવીને બંસીનો મધુરસ રેલાવો ને હું બસ, સાંભળતી રહું. . . આજીવન સંભાળતી રહું.
મધુસુદનની મોરલી કે વિઠ્ઠલની વાંસળીને લઈને સેંકડો લોકગીતો-ધોળ રચાયાં છે પણ લગભગ બધાં કર્ણપ્રિય અને ગાવા ગમે એવાં છે.
Read Original Article →