બ્લેક એન્ડ વ્હાઈટ:ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?
સ્વતંત્રતા પછી ભારત માટે પ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક મેડલ જીતી લાવનારા મહાન કુસ્તીવીર ખાશાબા દાદાસાહેબ જાધવને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કાર આપવાને મુદ્દે બૉમ્બે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે 4 મે, 2026 સુધીમાં આ મુદ્દે નિર્ણય લો. આશ્ચર્યજનક અને આઘાતજનક વાત એ છે કે ખાશાબા ભારતના એકમાત્ર એવા ઓલિમ્પિક મેડલ વિજેતા છે જેમને એ સિદ્ધિના સાડા સાત દાયકા જેટલા સમય પછી પણ પદ્મ એવોર્ડ અપાયો નથી!
ખાશાબા જાધવ 15 જાન્યુઆરી, 1926ના દિવસે મહારાષ્ટ્રના કરાડ શહેર નજીકના ગોલેશ્વર ગામમાં ગરીબ કુટુંબમાં જન્મ્યા. પિતા દાદાસાહેબ જાધવ પણ કરાડ વિસ્તારના જાણીતા પહેલવાન હતા. દાદાસાહેબનાં પાંચ સંતાનો પૈકી સૌથી નાના ખાશાબાએ કરાડની તિલક હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ‘ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ’માં પણ ભાગ લીધો હતો અને ક્રાંતિવીરોને આશ્રય આપવાનું અને તેમને છુપાવવાનું જોખમ ઉઠાવ્યું હતું. તેઓ બ્રિટિશ સરકારની વિરુદ્ધ પત્રિકાઓ વહેંચવાનું જોખમ પણ ઉઠાવતા હતા.
ખાશાબા પ્રથમ વાર 1948માં લંડનમાં યોજાયેલી સમર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા માટે ગયા હતા એ વખતે તેમના પ્રવાસનો ખર્ચ કોલ્હાપુરના મહારાજાએ આપ્યો હતો. ભૂતપૂર્વ અમેરિકન લાઈટ વેઈટ ચેમ્પિયન રીસ ગાર્ડનરે જાધવને રેસલિંગની તાલીમ આપી હતી. તેમણે ઓસ્ટ્રેલિયન રેસલર બર્ટ હેરિસને થોડી મિનિટોમાં જ ચિત્ત કરી દીધો એટલે ઓડિયન્સમાં બેઠેલાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. ખાશાબાએ એ વખતે અમેરિકન રેસલર બિલી જિમિગનને ય હરાવી દીધા હતા, પણ ઈરાનના મન્સુર રેઈસી સામે હારી ગયા એટલે ઓલિમ્પિક ગેમ્સમાંથી બહાર થઈ ગયા હતા.
ખાશાબાએ છ ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા નેશનલ ચૅમ્પિયન બંગાળી ઍથ્લેટ નિરંજન દાસને લખનૌમાં બે વાર હરાવ્યા, પણ દેશમાં રમતગમત ક્ષેત્રે ગંદું રાજકારણ રમાતું હતું એટલે 1952ના ઓલિમ્પિક ખેલાડીઓમાં તેમનો સમાવેશ ન થયો. પરંતુ એ જ વર્ષે ફરી વાર ખાશાબાએ નિરંજન દાસને હરાવ્યા એટલે સરકારી સ્પોર્ટ્સ અધિકારીઓએ નાછૂટકે ખાશાબા જાધવને હેલસિન્કીમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તક આપવી પડી. જોકે, ત્યાં જવા માટે જાધવને સરકાર તરફથી કોઈ આર્થિક સહાય અપાઈ નહીં, ત્યારે ગામનાં લોકોએ ફાળો ઉઘરાવ્યો અને ટિકિટ તથા અન્ય ખર્ચ માટે રૂપિયા એકઠા કરી આપ્યા. 23 જુલાઈ, 1952ના રોજ તેમણે હેલસિન્કી ઓલિમ્પિકમાં 125 પાઉન્ડ વેઈટ કેટેગરીમાં ચોવીસ દેશોના રેસલર સાથે ભાગ લીધો હતો. એ પછી તેમને એક રેસલિંગ સ્પર્ધા બાદ તરત જ સોવિયેટ યુનિયનના રશીદ મહમ્મદ સામે રેસમાં ઉતારી દેવાયા હતા.
બે સ્પર્ધાઓ વચ્ચે ઓછામાં ઓછું ત્રીસ મિનિટનું અંતર રાખવાનો ઓલિમ્પિક ગેમ્સનો નિયમ હોવા છતાં તેમને તરત જ રેસલિંગની નવી સ્પર્ધામાં ધકેલી દેવાયા હતા. તેમણે ભારતીય રમતગમત અધિકારીઓની મદદ માગવાની કોશિશ કરી, પરંતુ એ વખતે ખેપાની, અડિયલ, ભ્રષ્ટ અને દુષ્ટ ભારતીય રમતગમત અધિકારીઓ આઘાપાછા થઈ ગયા હતા! એટલે ખાશાબાએ નિ:સહાય બનીને એ સ્પર્ધામાં ઊતરવું પડ્યું હતું.
થાકેલા ખાશાબાએ સોવિયેટ યુનિયનના રશીદ મહમ્મદ સામે ટક્કર લીધી, પરંતુ ફાઈનલમાં જવાનો ચાન્સ તેમણે ગુમાવી દીધો હતો. જોકે, તેમણે કેનેડા, મેક્સિકો અને જર્મનીના પહેલવાનોને હરાવ્યા હતા એટલે બ્રોન્ઝ મેડલ તો જીતી જ લીધો હતો. એ વખતે ખાશાબાના કલીગ ક્રિષ્નારાવ મનગાવે પણ અન્ય કેટેગરીમાં રેસલિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ તેઓ માત્ર એક પોઈન્ટથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા હતા. ખાશાબા જાદવને જો સરખી તક અપાઈ હોત અને ભારતીય અધિકારીઓએ હલકટાઈ ન બતાવી હોત, તેમની વિકૃત મનોવૃત્તિ બાજુ પર રાખી હોત તો એ વખતે ખાશાબા ભારતને સિલ્વર કે ગોલ્ડ મેડલ ચોક્કસ અપાવી શક્યા હોત.
ખાશાબાએ ઓલિમ્પિક ગેમ્સમાં 26 વર્ષની ઉંમરે એથ્લેટ તરીકે વ્યક્તિગત મેડલ મેળવ્યો એ અગાઉ બ્રિટિશ શાસન હેઠળના ભારતને અડધી સદી આગાઉ 1900ના વર્ષમાં ઓલિમ્પિક મેડલ મળ્યો હતો (એ વખતે એથ્લેટ નોર્મન પ્રીચાર્ડે બે સિલ્વર મેડલ મેળવ્યા હતા).
1955માં ખાશાબાને પોલીસદળમાં નોકરી મળી અને તેમણે 27 વર્ષ સુધી પોલીસ ઑફિસર તરીકે નોકરી કરી અને તેઓ આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા. એ પછી પણ જાધવને અન્યાય થયો. રિટાયર થયા પછી પણ તેમણે પેન્શન માટે આખી જિંદગી સંઘર્ષ કરવો પડ્યો (1984માં તેમનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું એ પછી તેમના પત્નીએ પણ સરકારી સહાય મેળવવા માટે દરબદર ભટકવું પડ્યું હતું!).
સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પણ દાયકાઓ સુધી ખાશાબાની અવગણના કરી. 1982માં દિલ્હીમાં એશિયન ગેમ્સ યોજાઈ એ વખતે સમ ખાવા પૂરતા તેમને ટોર્ચ રનનો હિસ્સો બનાવાયા હતા. હા, મહારાષ્ટ્ર સરકારે તેમને 1992-93ના વર્ષ માટે (મરણોત્તર) છત્રપતિ પુરસ્કાર આપ્યો હતો અને તેમને 2001માં (મરણોત્તર) અર્જુન એવોર્ડ અપાયો હતો.
2010માં દિલ્હીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું ત્યારે નવા રેસલિંગ વેન્યુનું ઉદઘાટન થયું એને ખાશાબા જાધવ નામ અપાયું હતું, પરંતુ ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખાશાબાને પદ્મ એવોર્ડથી વંચિત રખાયા હતા. ખાશાબા એકમાત્ર ઇન્ડિયન ઓલિમ્પિક મેડલિસ્ટ બની રહ્યા કે જેમને પદ્મ (પદ્મશ્રી, પદ્મભૂષણ કે પદ્મવિભૂષણ) એવોર્ડથી સન્માનિત ન કરાયા. બાકી આજ સુધીના તમામ ઓલિમ્પિક મેડલિસ્ટને પદ્મ એવોર્ડથી સન્માનિત કરાયા છે.
આપણા દેશની શરમજનક અને કડવી વાસ્તવિકતા એ છે કે સરકારોને તો ઠીક, દેશના મોટા ભાગના લોકોને ય દેશ માટે કશું કરી છૂટનારા ઘણા માણસો યાદ નથી આવતા. ઘણા ખેપાનીઓ કૈંક તિકડમ અને કોઠાકબાડા કરીને અબજપતિ કે નેતા કે બાબા-બાપુ-સ્વામી-મહારાજ બની ગયા હોય તેમના પ્રત્યે અહોભાવ ધરાવનારા લોકોએ ખાશાબાનું નામ પણ નહીં સાંભળ્યું હોય. આપણા દેશની આ કરુણતા છે.
Read Original Article →