મેંદી રંગ લાગ્યો:કાનજી રે કૂડા તમે દલડાના રૂડા!
કાનજી રે કૂડા તમે દલડાના રૂડા!
મોહન મોરલીવાળા રે હો,
હે. . . મોરલી રે વાળા.
મથુરાની વાટે મહી વેંચવાને જાવાં,
સામા મળતા રે હો માવા,
હે. . . સામા મળતા.
વ્રજની ગોપિયુંને કોઈ ન વારે,
આડા ફરતા જમુનાને આરે,
હે. . . આડા ફરતા.
ધીરાં રે મૈયારણ હળવાં રે ગોવાલણ,
કે’તો તારી ચૂંદડીમાં ફૂમકાં મેલાવું,
હે. . . કે’તો તારી ચૂંદડીમાં.
મોરલીની હારે ઓલ્યા ફૂમકાળા પાવા,
મારગે મારગે આડા માવા,
હે. . . મારગે મારગે.
કેટલાંક લોકગીતો ગાઈએ ત્યારે સમજાય કે લોકગીતનું બંધારણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય છે. એને કોઈ છંદ, અલંકાર સાથે લેવાદેવા નથી, બસ તે સુગેય હોવું જોઈએ. જે ગેય નથી તે લોકગીત નથી. તેમાં ઢાળનું મહત્તમ મહાત્મ્ય છે એટલે શ્રવણમાધુર્ય તેનું અનિવાર્ય લક્ષણ છે. બાકી મુખડાની પ્રથમ લાઈનમાં અમુક અક્ષરો કે માત્રા આવે એટલા જ બીજી લાઈનમાં આવે એવું જરૂરી નથી, કવિતામાં આવું હોય પણ લોકગીતમાં નહીં. અરે, કેટલાંય લોકગીતોમાં મુખડું એક લીટીનું, બે લીટીનું કે એનાથી વધુ લીટીનું પણ હોઈ શકે, કોઈ ચોકઠાં નિર્ધારિત નહીં. લોકગાણાં કૃત્રિમતાથી દૂર અને નૈસર્ગિકતાની નજીક છે એથી જ જનહૈયે આવકાર-આદર પામ્યાં છે.
‘કાનજી રે કૂડા તમે દલડાના રૂડા. . . ’ લોકગીતની પ્રથમ લાઈનમાં જ ભારોભાર વિરોધાભાસ નજરે પડે છે. ગોપીઓએ કૃષ્ણને કૂડા, નકામા, ખરાબ, કપટી કહ્યા પણ પાછા દિલના, હૃદયના સાચા-સારા કહી દીધા! આ કેવું? કોઈ વિશે એમ કહીએ કે પેલી વ્યક્તિ આમ ખરાબ પણ આમ સારી! આનો અર્થ શું? આ તો કૃષ્ણ છે, તે વ્યક્તિ નહીં પણ વ્યક્તિવિશેષ છે. એ જ્યારે તોફાન કરે, લીલા રચે ત્યારે કૂડા પણ કલ્યાણકારી બને ત્યારે રૂડા! આવો કંઈક ભાવ ગોપીઓનાં મનમાં હશે.
ગોપીઓ મથુરામાં મહી વેંચવા નીકળે તો માવો આડો ફરે, જમુના તટે જાય તો ત્યાં પણ કનૈયો રસ્તો રોકી લે. ઉતાવળે પગલે જતી ગોપકન્યાઓને નંદલાલ હળવે હળવે સંચરવા જણાવી, એની ચૂંદડીમાં ફૂમકાં મેલાવવાની કામના વ્યક્ત કરે છે. ગોપિકાઓનાં મનમાં એ વાતનો અનહદ છતાં છૂપો ઉમંગ છે કે જે માર્ગે પોતે નીકળે છે તે રસ્તે કનૈયો આડો ફરે છે! કાનો આડો ઉતરે, રોકે, વડછડ કરે કે દાણ માગે કે લૂંટે એવું તો નસીબદાર સાથે જ બને એવું ગોપીઓને લાગતું.
ખૂબ જ વિચિત્ર બંધારણવાળું આ લોકગીત છે. મુખડા અને અંતરાની ત્રીજી લાઈનમાં માત્ર બે, ત્રણ શબ્દો જ આવે છે. આખી લીટી નથી, છતાં ગાવામાં ક્યાંય તૂટતું નથી, બરાબર બંધ બેસે છે. ઉલટું જો એ લાઈન કાઢી નાખીએ કે ન ગાઈએ તો લોકગીતની લિજ્જત ઓછી થઇ જાય એવું છે.
આવું ભાગ્યે જ બને, આવું કો’ક લોકગીતમાં જ બને. કેટલાંક અપવાદરૂપ લોકગીતોમાંનું આ એક છે. ખૂબ જ મસ્ત ઢાળ અને કોકિલના કંઠ. મધુરું કૃષ્ણગીત છે, પણ એ વાતની નોંધ લેવી જ રહી કે આવું, તાલાલા કે વંથલીની કેસર કેરી જેવું લોકગીત આજે ભાગ્યે જ સ્ટેજ પર સાંભળવા મળે છે. અનેકાનેક લોકગીતો વિલુપ્ત થઇ ગયાં, અનેક લોકગીતો વિલુપ્તિની કગાર પર ખડા છે એમાં આ લોકગીતોનો પણ સમાવેશ થઇ જાય છે.
Read Original Article →