પ્રસંગકથા:સંસ્કાર, કરુણા અને કેળવણી: કાકા કાલેલકરનાં સંસ્મરણો
નટવર આહલપરા કાકા કાલેલકરના મનમાં વારંવાર સ્મરણ થતું કે: ‘કેળવણી કહે છે હું સત્તાની દાસી નથી, કાયરોની દીકરી નથી, વિજ્ઞાનની સખી નથી, અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો માત્ર ધર્મનું પુનરાગમન છું. મનુષ્ય હૃદય, બુદ્ધિ તેમજ તમામ ઇન્દ્રિયોની સ્વામિની છું. માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર મારા પગ છે. કળા અને હુન્નર એ મારા હાથ છે. વિજ્ઞાન એ મારું મસ્તક છે. ધર્મ મારું હૃદય છે. નિરીક્ષણ અને તર્ક મારી આંખો છે. ઇતિહાસ એ મારા કાન છે. સ્વતંત્રતા મારો શ્વાસ છે.’
મા, દીકરી, વહુ, પૌત્રી, દોહિત્રી, નાની, દાદી, સાસુ, નણંદ, માસી, કાકી, ભાભી, ફઈ, મામી જેવાં વિવિધ સ્ત્રીપાત્રો વચ્ચે કાકા કાલેલકરે પોતાના જીવન ઘડતરમાં મોટી બહેનનો (આક્કાનો) ફાળો અમૂલ્ય છે તેમ નોંધ્યું છે. તેના બે પ્રસંગો આજના સમયમાં પણ ખૂબ જ પ્રેરણા આપી જાય છે.
કાકા કાલેલકર અને તેમના આક્કાનો પ્રથમ પ્રસંગ આમ છે: ‘એક દિવસ આક્કાએ આઈને કહ્યું: ‘ઘરમાં આ પોપટ રાખ્યો છે એને આપણે છોડી મૂકીએ – ઉડાડી દઈએ.’ મેં પૂછ્યું, ‘કેમ? એ તો બધાંનો માનીતો પોપટ છે.’ આક્કાએ તરત જ સુસ્વર કંઠે ‘નળ દમયંતી આખ્યાન’ ગાવાનું શરૂ કર્યું. તેમાં જ્યારે રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા માટે રાજાને અનેક રીતે કરગરીને વિનવે છે, અને તોયે રાજા છોડતા નથી; એ જોઈ નિરાશ થઈને પોતાની મા, પોતાની માદા અને બચ્ચાનું સ્મરણ કરી વિલાપ કરે છે, એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડ્યાં હતાં! આંસુ ખાળીને પછી દરેક કડીનો એણે એવો અર્થ કરી બતાવ્યો હતો.’
સૌનાં હૈયાં પીગળી ગયાં અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ. વિષ્ણુએ સીતાફળના ઝાડ ઉપર પાંજરું ટીંગાડી રાખ્યું અને ધીમે રહીને એણે બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહીં; એ તો હેબતાઈ જ ગયો હશે! બીજી ક્ષણે પાંજરાની સળી પરથી કૂદી પડી બારણામાં બેઠો અને ત્યાંથી ‘ફર્રર્ર’ આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. થોડા જ વખત પછી પોપટ પાછો આવ્યો અને પાંજરા ઉપર બેઠો. વિષ્ણુ કહે, ‘એ તો જવાનો નથી. ચાલ, એને ધીમે રહીને પકડી પાંજરામાં પૂરી દઉં.’
આક્કાએ ચોખ્ખી ના પાડી. પછી રોજ એ પોપટ સીતાફળના ઝાડ પર આવીને બેસે; અમે મરચાં આપીએ તે ખાય ને ઊડી જાય. આમ એકાદ મહિનો ચાલ્યું હશે. વખત જતાં એ પોપટ બીજા પોપટો સાથે ભળી ગયો, અને પછી તો અમારી પાસે આવતાં ડરતાં શીખ્યો.
મોટી બહેનનું (આક્કાનું) હૃદયસ્પર્શી ચરિત્ર કાકા કાલેલકરે ખૂબ સુંદર રીતે આલેખ્યું છે. તેમના વ્યક્તિત્વના ઘડતરમાં આક્કાનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. આક્કાના અકાળ મૃત્યુને લીધે કાકા કાલેલકરના જીવનમાં થોડો સમય ઉદ્વેગ અને રુક્ષતા આવી ગયાં હતાં. ‘શહાણું માણુસ લાભત નાહીં’ (ડાહ્યું માણસ લાંબું જીવતું નથી) — આક્કાનું આ વાક્ય આખરે સાચું પડ્યું હતું.
Read Original Article →