સહજ સંવાદ:ભીષણ યુદ્ધની વચ્ચે ખીલતું યહૂદી હાસ્ય
છોડો આ લડાઈની રોજની વાતો. ચાલો થોડું હસી લઈએ.
આવું કોઈ કહી શકે તો તે ઇઝરાયેલની પ્રજા છે. પરાજિત થવાનો ગમ નહીં, જીત્યાનું અટ્ટહાસ્ય નહીં, બસ, જિંદગી અને રાષ્ટ્રના અસ્તિત્વ માટે સંજીવની સમાન સ્મિત!
એક પુસ્તક છે, ‘એન્સાઈક્લોપીડિયા ઑવ જ્યુઈશ હ્યુમર.’ સંપાદક હેન્રી ડી. સ્પોલ્ડિંગ કોઈ મોટા વિદ્વાન નથી. વિદ્વાન હોત તો આવું પુસ્તક થોડું કર્યું હોત? આમેય તેઓ વિદ્વત્તાની જિંદગી જીવ્યા નથી. ભારતીય સૂત્ર સાંભળ્યું હશે કે નહીં, પણ છેક બચપણથી તેમને મનુષ્ય તરીકે જીવવું હતું. આ હેન્રી તો મનુસ્મૃતિના એક વાક્યને અનુસર્યા: ‘મનુર્ભવ.. માણસ બનજે!’ એવું થવા માટે તે યહૂદી પ્રજાની જીવન-શૈલીનું નિરીક્ષણ કરતા થયા. હજારો વર્ષોથી આ પૂર્વજો ચારે તરફ ધુત્કાર જ પામ્યા. હિજરત, ગેસ ચેમ્બર્સ, શ્રમ છાવણીઓ, હત્યાઓ.. પોતાનું કહી શકાય એવું કોઈ સ્થાન નહીં. ‘નેક્સ્ટ ઇયર ઇન જેરુસલેમ’ સવારની પ્રાર્થનામાં માત્ર આ એક સપનું. અંતે તેનો જયકારો થયો. બેન ગુરિયનથી લઈને આઇન્સ્ટાઇન સુધીના મહાપુરુષો આપનારી યહૂદી પ્રજાને પોતાનો દેશ મળ્યો, ઇઝરાયેલ.
પણ ત્યાં રહેવું સહેલું ક્યાં હતું? ચારે તરફ એવા દેશો, જેમને ઇઝરાયેલ આંખના કણાની જેમ ખૂંચતું રહ્યું. ઇઝરાયેલને નષ્ટ કરી નાખવાના લોહિયાળ ખેલ શરૂ થયા. પણ આ તો ઇઝરાયેલ! અત્યારે તેનું લક્ષ્ય ‘ગ્રેટર ઇઝરાયેલ’ એટલે કે બૃહદ્દ ઇઝરાયેલનું છે. પોતાના દેશ અને સમાજ માટે કેવી સજ્જતા જોઈએ, કેવી દૃઢતા જોઈએ તે ઇઝરાયેલ પાસેથી શીખવા જેવું છે. આ દેશે ખારા પાણીને મીઠું બનાવવાનું કુશળ આયોજન કર્યું છે.
આ બધાના અનુભવ અને અનુભૂતિ સાથે હેન્રી વ્યવસાયમાં જોડાયા, સંપાદક તો તેઓ પછી બન્યા. શરૂઆતમાં પગરખાં બનાવવાની ફેક્ટરીમાં કામ કર્યું. પછી પત્રકારત્વમાં રસ પડ્યો. 35મા વર્ષે લેખન તરફ વળ્યા અને રચાયો આ હાસ્ય-ગ્રંથ. 500 પાનાંના આ દળદાર ગ્રંથમાં પ્રાચીનથી અર્વાચીનના ઉંબરે વેરાયેલા યહૂદી હાસ્યને સંકલિત કરાયું છે. આ હાસ્ય-વિસ્ફોટ અનુભવો, તે યહૂદી પ્રજાની યાતનામાંથી સર્જાયેલું હાસ્ય છે. તેમાં પ્રેમ, ઘૃણા, કળા, લગ્નના દલાલો, છૂટાછેડા, શરાબની દુકાનો, સેના, નાસ્તિકતા, યહૂદી-વિરોધીઓ, રઝળપાટ, મૃત્યુ, કરવેરા, ધૂમ્રપાન, ખાણીપીણી, રેસ્ટોરાં, અખબારો, શિક્ષણ, વિજ્ઞાન, આરોપીઓ, અદાલતો, તબીબો, હોસ્પિટલો, રાજકારણ, વકીલો, યુવાનો, રીતરિવાજો જેવા વિષયોનું વર્ગીકરણ કરાયું છે.
અહીં તેમાંની થોડીક સામગ્રી:
એક મિત્રે બીજાને પૂછ્યું, ‘ભગવાને સ્ત્રીની પહેલાં પુરુષને શા માટે બનાવ્યો હશે?’ બીજાએ જવાબ આપ્યો, ‘પુરુષ કેવી રીતે ઘડવો જોઈએ તેની સલાહ કોઈ આપે તેમ ભગવાન ઇચ્છતા નહોતા!’
એક મિત્રે બીજાને પૂછ્યું, ‘મને સમજમાં નથી આવતું કે તારા જેવો આકર્ષક યુવાન હજુ સુધી કેમ પરણી શક્યો નથી?’ તેણે જવાબ આપ્યો: ‘શું કરું, કોઈ છોકરીનો પરિચય થાય છે અને પછી તુરત જ મને એવો ખ્યાલ આવે છે કે તે મારી માની જેમ જ રસોઈ કરે છે અને મારા પિતાના જેવી દેખાય છે!’
એક કલાકારે લગ્ન કરાવતા દલાલને કહ્યું કે ‘મારે લાયક કોઈ છોકરી શોધી આપજે.’ પેલો એક છોકરીને લાવ્યો તો કલાકાર તેને જોઈને થીજી ગયો. આટલી બેડોળ? એક આંખ ફાંગી, મોટુંમસ નાક, જાડા હોઠ… ‘મેં આવી યુવતી માટે કહ્યું હતું?’ દલાલ કહે, ‘ભાઈ, તું તો મોટો કલાકાર છે. એટલે કાં તો તું પિકાસોના ચિત્ર જેવી છોકરી પસંદ કરે અથવા કોઈનેય નહીં. એટલે હું પિકાસોના ચિત્ર જેવી જ યુવતી લાવ્યો ને!’
પોતે કેમ લગ્ન કરતી નથી, તે એક અપરિણીત સ્ત્રીના શબ્દોમાં: ‘મેં પંપાળવા માટે કૂતરો રાખ્યો છે, ફાયરપ્લેસનો અગ્નિ મને ગરમી આપે છે, પોપટ કાયમ કચકચ કરે છે અને એક બિલાડી મારી પાછળ પાગલ થઈને રાત-દિવસ મારી સાથે રહે છે. બોલો, હવે પતિની શી જરૂરત છે?’
છૂટાછેડાના કેસમાં ન્યાયાધીશે સ્ત્રીને પૂછ્યું, ‘મેડમ, તમારી ઉંમર કેટલી?’ સ્ત્રીએ કહ્યું, ‘35.’ ન્યાયાધીશે કહ્યું, ‘આ જન્મના પ્રમાણપત્રમાં તો તમે 50 વર્ષનાં છો.’ સ્ત્રીએ કહ્યું, ‘આપ સાચું કહો છો, પણ છેલ્લાં 15 વર્ષથી તો હું પતિની સાથે છું. તેને કંઈ જિંદગીમાં થોડી ગણી શકાય?’
‘પણ, તું શા માટે છૂટાછેડા લેવા માગે છે?’ મિત્રે પૂછ્યું. યુવકે કહ્યું, ‘મારી પાસે ઘણાં કારણો છે.’ મિત્રે કહ્યું, ‘મને જણાવીશ?’ યુવકે ના પાડી. મિત્રે કહ્યું, ‘તારી પત્ની સુંદર છે, સરસ છે, તારા પ્રત્યે એકદમ નરમ રહે છે...’ પેલાએ પોતાના બૂટ ઉતાર્યા અને કહ્યું: ‘આ મારા બૂટ છે. એકદમ ચકચકતા છે, સરસ છે, ચામડું પણ પોચું છે.’ મિત્ર કહે, ‘બરાબર છે.’ યુવકે કહ્યું, ‘પણ આ બૂટ મને અંદર ક્યાં ડંખે છે, તેની તો માત્ર મને જ ખબર છે, સમજ્યો?’
એક રશિયન યહૂદી સૈનિક વિશ્વયુદ્ધમાં ડરીને સેના છોડીને નાસી ગયો. પછી તે પકડાયો. સજા સંભળાવતાં પહેલાં ન્યાયાધીશે કહ્યું: ‘જે ડરપોક અને રશિયા-દ્રોહી હોય તે જ ભાગી જાય.’ સૈનિકે કહ્યું: ‘એવું નથી સાહેબ. હું મારા જર્મન દુશ્મનોને એટલો બધો ધિક્કારતો હતો કે તેમની સામે જોવા પણ નહોતો માગતો, એટલે મોરચા પરથી ભાગી ગયો.’
એક રશિયન જનરલે સૈનિક છાવણીની અચાનક મુલાકાત લીધી. તેને નવાઈ લાગી કે સૈનિકોના ગણવેશ અત્યંત ગંદા હતા. એટલે તેણે હુકમ કર્યો, ‘આ સૈનિકોના ગંદા બનિયન બદલાવી નાખો.’ છાવણીનો ઇન્ચાર્જ કહે, ‘પણ સાહેબ, એમ કેમ થઈ શકે? બધા સૈનિકો પાસે એક જ બનિયન છે..’ જનરલે ગર્જના કરી, ‘તો શું થયું? બધા સૈનિકો એકબીજાના બનિયન બદલાવી લે!’
આવી 2000 જેટલી રમૂજો આ ગ્રંથમાં છે. તેના પરથી સમજાય છે કે યાતનાના અરણ્ય વચ્ચે જિંદગીનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ પ્રજાએ હળવાશનો કેવો શાનદાર ઉપયોગ કર્યો છે!
Read Original Article →