ઓફબીટ:જીવન જીવવાની જડીબુટ્ટી: સત્ય, સંબંધ અને સહજતા

Magazine4/22/2026, 12:35:00 AM
ઓફબીટ:જીવન જીવવાની જડીબુટ્ટી: સત્ય, સંબંધ અને સહજતા
ક્યા રેક સંબંધોમાં ટેકન ફોર ગ્રાન્ટેડની દીવાલો ચણાય છે, તો ક્યારેક જૂઠના સહારે સફળતાનાં શિખરો સર કરવાની લાલચ જાગે છે. હકીકતમાં સાચું સુખ તો પોતાની ભીતરનાં મૌન અને એકાંતને સાંભળવામાં જ છુપાયેલું છે. આપણે થોડાક ફાયદા માટે ક્યારેક જૂઠું બોલીએ છીએ. એ થોડુંક બોલેલું જૂઠું પછી કાયમ માટે આપણને ટેવ પડી જતી હોય છે. ફાયદા માટે જૂઠું બોલવું અનિવાર્ય છે? ક્યારેક એવું લાગે છે કે તમે જો સાચા હો અને તમારી વાત સાચી રીતે પ્રગટ કરો તો પછી જૂઠું બોલવાની જરૂર નથી પડતી. જે વધારે જૂઠું બોલે છે ને એને યાદ પણ વધારે રાખવું પડે છે. જે સાચું કરે છે, સારું કરે છે એના માટે યાદ રાખવાની જરૂર નથી. તમને યાદ રહી જાય એ વાત જુદી છે. જીવન, સફળતા, આનંદ આ બધાં એકબીજાનાં જમા પાસાંઓ છે. એમને તમારા ઘરમાં આમંત્રિત કરવા માટે તમારે નિખાલસ રહેવું પડે. *** આપણી નજીકના લોકો હોય છે એને આપણે Taken for granted કરી દેતાં હોઇએ છીએ. ‘આ તો છે જ ને’, ‘એ તો મારા વિશે બોલવાનો જ ને’, ‘એ તો મારા વિશે ખરાબ જ બોલશે, હું જાણું જ છું એને.’ આવાં બધાં કેટલાંય વાક્યો આપણી આસપાસ રમતાં હોય છે અને આપણી આસપાસ Taken for grantedના માણસો જીવતા હોય છે. યાદ રાખજો, જેટલાં તમે મહત્ત્વનાં છો એટલાં જ એ વ્યક્તિઓ પણ મહત્ત્વનાં છે. જીવનમાં જે લોકો ખૂબ નજીક છે ને એને વારંવાર Thank you, I love you કહેવાનું શીખો. બની શકે કે એ લોકો તમારો સારો પ્રચાર કરે. તમારી પોતાની વાતમાં એ લોકોને વિશ્વાસ પડે. ક્યારેક એવું બને કે તમારો દૂરનો વ્યક્તિ છે અને કોઈ અકારણ અબોલા છે. આ અકારણ અબોલાને બોલકા કરવા માટે બીજું કંઈ નહીં, એક સરસ Good morningનો મેસેજ કરવો. ‘તમારી યાદ આવી, ફોન કર્યો.’ બસ, આટલુંક જ. આવું કરવાથી સંબંધોની આસપાસનું નિંદામણ આપોઆપ નીકળી જશે અને ઉગશે તુલસીની પવિત્રતા જેવો છોડ. *** ‘છોડી દેવાની કલા’ ઘણીવાર આ શબ્દ આપણે બોલીએ છીએ કે બસ મારે છોડી દેવું છે, મેં છોડી દીધું, ખરેખર તો આપણાથી કશું છૂટતું જ નથી. જેને આપણાથી છૂટવું હોય છે એ આપોઆપ છૂટી જાય છે. ક્યારેક એવું બને જેમ કેટલીક જગ્યાઓ આપણને બોલાવતી હોય જ્યાં આપણે ન ગયાં હોઇએ છતાં આપણને લાગે કે આપણે અહીંયાં ક્યાંક આવ્યાં છે. પહેલાં એવી જ રીતે છૂટા પડવા માટે પણ કેટલીક વ્યક્તિઓ નસીબમાં આવતી હોય છે. મને એક શબ્દ ગમે છે વહેવું. જેવાં છીએ એવાં રહેવું. જીંદગીના દરેક ચડાવ-ઉતાર, દરેક વળાંક, દરેક સ્વભાવ, દરેક પડાવ, દરેક અભાવ, હાવભાવ આ બધાં સાથે વહેતાં આવડે તો પછી કશું છોડવું નહીં પડે. વહેતાં શીખી જઈશું તો આપોઆપ જીવતાં પણ શીખી જઈશું. *** આપણા જીવનમાં આ યાદ રાખવા જેવી બાબત છે. કેટલાક માણસો એટલા બધા સંકોચશીલ, લાગણીશીલ હોતા નથી પણ દેખાય એટલી બધી એમનામાં Guiltiness હોય કે મેં આનું નથી કર્યું આ. આ બધું કાઢી નાખીને જીવવું ઉઘાડે છોક. જેમ છીએ એમ જીવવું, કોઈના માટે જીવવું નહીં, કોઈક નું કામ અધુરું રહી ગયું હોય તો રહી ગયું હોય, એના માટે આપણી ઊંઘ અધૂરી ન રહેવી જોઈએ. એ ક્યારેક કાલે પૂરી થશે. ધર્મ માટે અધર્મનો સહારો પણ લેવો પડે તોય મંજૂર છે એવું કૃષ્ણએ શીખવાડ્યું છે. *** ઘણી વાર એવું બને છે કે આપણે પ્રયત્ન કરીએ પછી કંટાળો આવવા લાગે. ‘બોરિંગનેસ’ આજના સમયનો સૌથી મોટો રોગ છે. આપણે તરત બોર થઈ જઈએ છીએ. ઉતાવળ કરીએ છીએ, એંગ્ઝાયટી અનુભવીએ છીએ અને પછી કંટાળો આપણને ઘેરી વળે છે. પરિણામે આપણે કામ મૂકી દઈએ છીએ, પ્રયત્નોથી થાકી અને હારી જઈએ છીએ. છેક સુધી પ્રયત્નો કરવા, નિષ્ફળ જઈએ ત્યાં સુધી મથવું અને નિષ્ફળ ગયા પછી ફરીથી એકડો ઘૂંટવો. નિષ્ફળ ગયેલી વાત આપણા અનુભવમાં વધારો કરે છે, આપણી આવડતની ધારને તેજ કરે છે અને પછી જે સર્જાય છે તે જ સફળતા છે. કોઈપણ કાર્યક્ષેત્ર હોય કે જીવનની અંગત બાબત, પ્રયત્નો કરવા અને નિષ્ફળતાથી ડરવું નહીં. નિષ્ફળતા અળખામણી નથી, તે જ સફળતા સુધી દોરી જાય છે. * * * મૌનની મજા અને એકાંતનો આનંદ. મૌન એટલે આપણે માત્ર ચૂપ રહીએ એટલું જ નહીં, આપણી ક્રિયાઓ પણ શાંત રહેવી જોઈએ. વિચારશૂન્યતા. કશું વિચારવાનું પણ નહીં, કોઈ ક્રિયા કરવાની નહીં. દિવસની અમુક સેકન્ડો કે મિનિટો એવી રાખવી, જેમાં આપણે ગેજેટ્સ અને મોબાઈલથી દૂર હોઈએ. ઘણીવાર આપણે ચૂપ હોઈએ છીએ પણ મોબાઈલમાં મથેલા રહીએ છીએ, તેને કારણે આપણને આપણું એકાંત નથી મળતું. મોબાઈલમાં તો જેને આપણે નથી બોલાવવા અથવા જે આપણને નથી ગમતા, તેને પણ જવાબ આપવા પડે છે અને મનગમતા વ્યક્તિના જવાબની રાહ જોવી પડતી હોય છે. એકાંત એ છે કે આ બધું સ્થિર કરી દેવું અને આપણા શરીરને સાંભળવું. તેની પણ એક ભાષા છે. તે જે જવાબ આપશે ને, ત્યાંથી સફળતાનું કિરણ કૂંપળ થઈને ફૂટતું હોય છે, જે પછી આકાશને આંબે તેવું બની જાય છે. કેટલાંક એકાંત આપણને એકલતા તરફ નથી લઈ જતા, પણ આપણી અંદરનો રસ્તો બતાવતા હોય છે.
Read Original Article →