રેઈનબો:જળનો જય જયકાર : ગાગરથી સાગર સુધી
રક્ષા શુક્લ એ ક માણસે વેચનાર છોકરાને પાણીની બોટલની કિંમત પૂછી, ત્યારે પેલા છોકરાએ કહ્યું કે ‘તમને ખરી તરસ લાગી જ નથી, જેને તીવ્ર તરસ હોય એ કદી ભાવ ન પૂછે.’ સામાન્ય માણસની કેવી અસામાન્ય વાત. રસ્તાના ખાડાથી ડરે એને કદી મંઝિલ મળતી નથી.
રણમાં અચાનક પાણી મળી જાય તો એવું લાગે કે જીવનમાં પહેલીવાર પાણી પી રહ્યા છીએ. ઠંડા પાણી માટે ફ્રિજ પાસે દોડતી નવી પેઢીને કદાચ માટીની માદક સોડમવાળા માટલાંનાં ઠંડાં પાણીનો સ્વાદ ખબર જ નથી. તો ‘પાણિયારું’ શબ્દ તો ક્યાંથી કાને પડ્યો હોય! માણસ ખોરાક વગર જીવી શકે, પણ પાણી વગર નહીં જ. પાંચ તત્ત્વોથી બનેલા આપણા શરીરમાં પણ જળતત્ત્વ અતિ મહત્ત્વનું છે. ઈશ્વરને અર્ધ્ય આપો એટલે પાણી જળ બની જાય છે.
પાણી પ્રકૃતિનું એક અનિવાર્ય અંગ છે એટલે જ પ્રકૃતિનો ત્રીજો હિસ્સો રોકીને બેઠું છે. પાણીની પ્રકૃતિ વહેવાની છે. ઢાળ ન હોય તોય દોડવાનું. શાસ્ત્રોમાં કહ્યું છે કે પાણીને ખાવું અને ભોજનને પીવું. પાણીને મમળાવીને પીવાથી તેમાં લાળતત્ત્વ ભળતું જાય છે જે પાચન માટે ખૂબ ઉપયોગી હોય છે. મહર્ષિ વાગભટ્ટજીએ પ્રથમ સૂત્રમાં લખ્યું છે કે ‘ભોજનાન્તે વિષપ્રદમ્.’ ભોજનના અંતે પાણી પીવું વિષ સમાન છે. જળ એટલે સલિલ, નીર, ઉદક, તોયમ્, વોટર વગેરે. વેરી સિમ્પલ. બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઓક્સિજન. જેને પોતાનો કોઈ સ્વાદ, ગંધ કે રંગ હોતા નથી. પાણી બે રંગ અને પારદર્શક હોવાથી ‘જિસમેં મિલા દો લગે ઉસ જૈસા.’ કેટલી સ્થિતિસ્થાપકતા અને નરમાશ!
વાદળ ભારે પગલે થાય ત્યારે જળને ચોમાસું બેસે છે. યુવતીઓને પણ જ્યારે સોળનું ચોમાસું બેસે છે. ત્યારે એ પાણીમાં કૈંક યુવાનોના દિલ ડૂબે છે. શ્રાવણમાં મહુડા-પીધેલ સપનાં ધસમસ દોટ મૂકે છે અને નવાં સગપણો ફૂટી નીકળે છે. એ સુમધુર સગપણમાં ટીપાનું તોરણ એને લગ્નમંડપની ફેન્ટસી સુધી દોરી જાય છે. નમણું યૌવન જ્યારે પાણીમાં ડૂબકી મારે છે ત્યારે બે કાંઠાનાં ગામો ડૂબી જાય છે.
પાણી બોલતાં જ મોં અને મન તરસ્યાં થઈ જાય છે. નિર્મળ અને નિરાકાર હોય એટલે જળનો જયકાર થાય છે. એટલે જ એના નામે દરિયો બોલે છે અને નદિયું ડોલે છે. તરતાં શીખવું હોય તો એનું પુસ્તક નથી વાંચવાનું હોતું, દિલ અને ડિલ સાથે પાણીમાં ધુબાકો મારવો પડે. શાંત પાણી ઊંડાં હોય. નીરવતામાં પથ્થરો વચ્ચે વહેતાં પાણીમાંથી ફૂટતું શાંત સૂરીલું સંગીત નિષ્પન્ન થાય છે એને કદી કાનથી ચાખ્યું છે?
આંસુ પણ પાણી સ્વરૂપે જ છે. આંસુ વહેવાની સાથે જાણે દર્દનો મોક્ષ થાય છે. જોકે, થીજેલી વેદના આંસુ સાથે પણ પીગળીને વહી જતી નથી. પાણી વચ્ચે કોરું કોરું તરફડવું આને જ કહેવાતું હશે! તરસ અને પાણી એક સિક્કાની બે બાજુ છે. બંનેનું અસ્તિત્વ એકબીજા પર નિર્ભર છે.
તેલુગુ કવિ ડૉ. એન. ગોપી રચિત 106 પાનાંનું દીર્ઘકાવ્ય ‘જલગીતમ્’માં એ જળનાં વિવિધ રૂપોને આલેખે છે, જે એક મોટી સાહિત્યિક ઘટના છે. અહીં જળના ઝળહળ રૂપની વિધવિધ વ્યંજના ભાવકને ભીંજવી જાય છે. ‘સ્પર્શ માત્રથી તારા વસુધા, સદ્ય-પ્રસૂતા બની નિત્ય, ને ભર્યાં જળાશય જે જે તેં, એ બની ગયાં ગર્ભાશય.’ ડૉ. એન. ગોપી કુલપતિ હતા. તેઓ કહેતા ‘કવિ હોવું એ મારે મન વાઈસ ચાન્સેલરના પદ કે ડૉક્ટરેટની પદવી કરતાં વિશેષ મહત્ત્વનું છે.’
જૂના વખતમાં પાણીના સ્રોત તરીકે કૂવો કે નદી જ હતાં. જ્યાં રોજ દૂરના કૂવેથી પાણી ભરીને લાવવું પડે એવા ભાલ જેવા નપાણિયા પ્રદેશમાં ત્યારે કોઈ દીકરી દેવા રાજી ન થતું. માથે બેડું મૂકીને પાણી ભરવા જતી નમણી નારીનું દૃશ્ય હવે આંખને દોહ્યલું છે. ગીતોમાં વહુવારુ લાડમાં કહેતી હોય કે ‘સાહ્યબા, હું રે ત્રાંબાની હેલે પાણીડાં નહીં ભરું.’ એનું કારણ પણ કેટલું રૂપાળું કે એને રૂપાના બેડાની હોંશ છે.
અહીં આ વાત ઘરકામ નહીં કરવાનું કોઈ બહાનું કે ભાવના નથી. કૂવાના કાંઠડે જ અલ્લકમલ્લકની વાતો નીકળતી. વહુવારુઓ ખાલી બેડામાં પિયરનાં મીઠાં સંભારણાં, પીયુ સાથેની રમતિયાળ ગોઠડી કે સાસરિયા તરફથી અપાતી પીડા ભરીને કૂવાકાંઠે કે નદીકાંઠે લાવતી. પનિહારીઓ સહિયરો પાસે ખાલી થતી, પછી ખાલી બેડામાં પાણી ભરાતું.
પાણીની ઘૂસણખોરીથી કેવાં ભયાનક પરિણામ આવે તે આપણે ‘ટાઈટેનિક’ અને ‘પોસાઈડન એડવેન્ચર’ ફિલ્મમાં સુપેરે જોયું છે. બોલિવૂડની સુંદર ફિલ્મ ‘જલ’માં પાણીની અછતને કેન્દ્રમાં રાખી વાર્તા રચાઈ છે. પાણી આપણી જીવાદોરી સમાન હોવા છતાં જ્યારે પોતાનું અતિ રૌદ્ર અને વિનાશક સ્વરૂપ દર્શાવે છે ત્યારે ઘાતક સુનામી કે પૂર રૂપે ભયંકર કટોકટી સર્જે છે. મોરબીના મચ્છુ ડેમ જળ હોનારતમાં હજારો લોકોનાં મોત થયાં હતાં. આ જ મોરબીમાં ઝૂલતો પુલ તૂટે ત્યારે જીવ હવામાં ઝોલાં ખાવા લાગે છે.
પાણીનાં અનેક સ્વરૂપો છે- ટીપું, ઝાકળ, વરસાદ, ભેજ, બરફ, વમળ, વાદળ, વરાળ, તરંગ, ફીણ, મોજાં, પરપોટો, ફુવારો, સેર, સીકર, ઝીલ, છાંટા, છાલક, છોળ, ધોરિયો, ધધુડિયો, ધાર, ધારા, હેલી, પૂર વગેરે. ટૂંકમાં પાણીથી વધુ કોઈ પાણીદાર નથી.
ઇતિ
જોખમ ઓછું હોય છે ત્યાં મળતર પણ ઓછું હોય છે.
- હેલન કેલર
Read Original Article →