સહજ સંવાદ:ઈરાન, અમેરિકા, રશિયામાં આપણાં ક્રાંતિતીર્થો?
હા, થોડી નવાઈ લાગશે, પણ ઇતિહાસ તેનો સાક્ષી છે. આજે તો આ તમામ સ્થાનોએ પરસ્પર હુમલા અને હત્યાઓથી ઘેરાયેલું યુદ્ધ ચાલે છે. ઘાતક બોમ્બ અને મિસાઈલો રાત-દિવસની મર્યાદા વિના તબાહી મચાવી રહ્યાં છે. આ કોઈ એક ઇઝ્મની લડાઈ છે જ નહિ. કટ્ટર ઈસ્લામિક અને આરબ રાષ્ટ્રો, પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતું ઈઝરાયેલ, પેટ્રોલિયમ અને ડોલરની ભૂખ સાથે યુદ્ધ કરી રહેલું અમેરિકા, સામ્યવાદી ઓછો અને સત્તાવાદી વધુ એવો રશિયાનો પુટિન અને સૌથી ધૂર્ત નેતૃત્વ સાથે આગળ ધપી રહેલું ચીન– આ દેશોની રાજરમતનો ભોગ દુનિયા બની છે.
તેની વચ્ચે એ રસપ્રદ ભૂતકાળનો અંદાજ મેળવવા જેવો છે કે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની અનેક ઘટનાઓ આ દેશોમાં રચાઇ હતી. ઈરાનમાં ભારતીય દેશભક્ત ક્રાંતિકાર અંબાપ્રસાદ સૂફીની એક મજાર છે, તમે તેને સમાધિ નામ પણ આપી શકો. સૂફી મોટા ગજાના વકીલ હતા. મુરાદાબાદમાં જન્મ્યા હતા. જન્મ સમયે જ એક હાથ નહોતો. તે કહેતા, ‘1857ના વિપ્લવમાં ભાગ લીધો હતો – પૂર્વજન્મે, અને એક હાથ લડાઈમાં કપાઈ ગયો હતો! ’ તેઓ કવિ અને પત્રકાર હતા, અખબાર ચલાવતા. તે સમયે ઈરાનમાં ભારતીય આઝાદી માટે સક્રિય એક મંડળી હતી, જેમાં બધા ભારતીયો હતા. સૂફી પણ ઈરાનમાં પહોંચ્યા. શિરાજ સ્થાનની નજીક રહી ભારતમાં વિપ્લવ માટે કામ કર્યું. બ્રિટિશ ગુપ્તચરોને ખબર ના પડે એટલે એક મસ્જિદમાં મુલ્લા તરીકે રહેતા હતા.
અંગ્રેજો સામેના ગોળીબારમાં તેમનો હાથ હતો. 1915માં તેઓ પકડાયા. સૈનિકી અદાલતે સજા આપી કે આ ભયંકર હિન્દુસ્તાનીને ગોળીએ ઉડાવી દેવામાં આવે. દિવસ નક્કી થયો અને સૂફીને જેલમાંથી બહાર લાવીને બંદૂકની ગોળીથી વીંધી નાખવા માટે સૈનિકો ત્યાં ગયા, તો જોયું કે સૂફી તો એક ચાદર ઓઢીને બેઠા છે! સૈનિકો તેમની પાસે ગયા, તેમના શરીરને ઉઠાવવાની કોશિશ કરી ત્યારે ખબર પડી કે અરે, આ તો માત્ર મૃતદેહ છે! સૂફીએ રાતે જ સમાધિસ્થ થઈને જીવ ત્યજી દીધો હતો! ઈરાનની ભૂમિ પર તેમની સ્મશાનયાત્રા નીકળી. 1915થી તેમની મૃત્યુભૂમિ પર લોકો ફૂલ ચઢાવવા જાય છે અને વર્ષે એક વાર મેળો ભરાય છે. આજે એ સ્થાન હશે? ભારત સરકારે ઈરાન સરકાર પાસે માગણી કરવી જોઈએ અને વિદેશમાં શહીદ સૂફીનું સ્મારક બનાવવું જોઈએ.
અફઘાનિસ્તાનમાં તો સૌથી પહેલી આઝાદ હિંદ સરકાર રચાઇ હતી, જે રાજા મહેન્દ્ર પ્રતાપનો પુરુષાર્થ હતો. તે ‘કાબુલ મિશન’ના નામે જાણીતો છે. 1914થી રાજા મહેન્દ્ર પ્રતાપ સંયુક્ત પ્રાંતની પોતાની નાની સરખી રિયાસત છોડીને વિદેશોમાં ગદર આંદોલનમાં જોડાઈ ગયા હતા. તેઓ બર્લિનથી અફઘાનિસ્તાન ગયા. તેમની સાથે મૌલાના બરકતુલ્લા પણ હતા. ડો. વોર્નર હેટિંગ અને કેપ્ટન કાસીમ પણ જોડાયા. ઈરાનના વેરાન રણને પાર કરવામાં ભારે મુસીબત નડી. છેક ચાર મહિના પછી કાબુલ પહોંચ્યા. ડિસેમ્બર, 1915માં અસ્થાયી હિન્દુસ્તાન સરકારની સ્થાપના કરી. તેના રાષ્ટ્રપતિ રાજા મહેન્દ્ર પ્રતાપ હતા. કાબુલથી સાન ફ્રાન્સિસ્કો સુધીની તેમની અદભુત ક્રાંતિ યાત્રા રહી.
... અને તુર્કીમાં તો રામપ્રસાદ બિસ્મિલના નામે એક રસ્તો અને એક ગામ પણ છે! અમેરિકા-કેનેડા એટલે ગદરની ઐતિહાસિક કથાની ભૂમિ. લાલા હરદયાળે ‘યુગાંતર આશ્રમ’ની સ્થાપના કરી. તારકનાથ દાસ જેવા પ્રખર બૌદ્ધિકનો સાથ મળ્યો. અનેક યુનિવર્સિટીમાં તેમનાં વ્યાખ્યાનો થતાં. કેનેડાના શીખ તેમની સાથે ભળ્યા. કોમાગાટા મારુ અને બીજાં જહાજોમાં ભારતમાં મુક્તિયોદ્ધા મોકલવાની વ્યવસ્થા થઈ. ચાર ભાષામાં ‘ગદર’ અખબાર શરૂ કર્યું, જેમાંનું એક ગુજરાતી ભાષામાં હતું. તેનો તંત્રી પોરબંદરથી વેંકુવર પહોંચેલો છગન ખેરાજ વર્મા હતો, જેને 1920માં સિંગાપુરમાં ફાંસી મળી.
અહીં જ ક્રાંતિકાર્ય કરનારા ભાઈ ભગવાનસિંહ, મેવા સિંઘ, કરતાર સિંહ સરાબા, ભાઈ પરમાનંદ, બળવંતસિંઘ, પંડિત કાશીરામ, કેસરસિંઘ, ભાઈ સંતોખ સિંઘ, સોહનસિંઘ ભકના, સરદાર અજીતસિંઘ (સરદાર ભગતસિંઘના કાકા), ગુરુદત્ત કુમાર, હરનામસિંઘ કાહરી, નિધાનસિંઘ, રામચંદ્ર પેશાવરી, પંડિત જગતરામ, ડો. મથુરાસિંહ, વતનસિંઘ... આ બધા અમેરિકા-કેનેડામાં ભારતીય સ્વાતંત્ર્ય માટેના લડાયક ગદર-વીરો હતા. તેમાંના કેટલાકને ફાંસી મળી, કેટલાક ઠાર થયા, બીજા જેલોમાં ધકેલાયા. આજે કેનેડામાં ખાલિસ્તાની શીખો છે, તેવું ત્યારે નહોતું.
તે પછીનું અમેરિકામાં ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષનું પ્રકરણ ભારે રોચક છે. ઉમરાળા, ભાવનગર, અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ (અહીં પ્રાણજીવનદાસ મહેતાનું નામકરણ ધરાવતી જગ્યા તો છે, શ્રીધરાણી વિશે કંઈક થવું જોઈએ. શ્રીધરાણી તો અહીંથી યુવા વયે ગાંધીજીની દાંડીયાત્રામાં સાથે ગયા હતા અને ગાંધીજી વિશે એક કાવ્ય પણ ‘સપૂત’ લખ્યું હતું) અને શાંતિનિકેતન થઈને અમેરિકા વધુ અભ્યાસ માટે ગયા. ત્યાં ભારતીય સ્વતંત્રતા માટે જાગૃત એક ટોળી તૈયાર થઈ.
શ્રીધરાણી, હરિદાસ મઝુમદાર, અનુપસિંહ, તારકનાથ દાસે સાથે મળીને સ્વાતંત્ર્ય અભિયાન શરૂ કર્યું. ‘વોઇસ ઓફ ઈન્ડિયા’ અખબારની સ્થાપના કરી, સમગ્ર ખંડમાં યાત્રા કરી, ‘માય ઈન્ડિયા, માય અમેરિકા’ પુસ્તક લખ્યું, પરિષદો કરી, બેઠકો કરી, ‘નેશનલ કમિટી ફોર ઈન્ડિયા ફ્રીડમ’ સંસ્થા ઊભી કરી. અમેરિકાના ખ્યાત પત્રકારોથી માંડીને અમેરિકાના પ્રમુખ સુધીના લોકો શ્રીધરાણીના સંપર્કમાં હતા, એટલે ભારત તરફી વાતાવરણ સર્જાયું. સ્વતંત્રતા પછી તેઓ દિલ્હી રહ્યા, પણ અમેરિકામાં તેમણે જે કાર્ય કર્યું તે ભારે મહત્ત્વનું છે.
ભલે ક્રાંતિતીર્થ શબ્દ મોટો અને આકરો લાગે, આ દેશોમાં તેઓ જ્યાં રહ્યા, જે કામ કર્યું, તે આપણાં માટે ઐતિહાસિક પ્રેરણાનાં સ્થાનો છે.
Read Original Article →