વસુંધરાના વહાલાં દવલાં:ઝેરી ખેતી: પ્લેટમાં પીરસાઈ રહ્યું છે ધીમું ઝેર?

Magazine4/8/2026, 12:50:00 AM
વસુંધરાના વહાલાં દવલાં:ઝેરી ખેતી: પ્લેટમાં પીરસાઈ રહ્યું છે ધીમું ઝેર?
ભારત એક કૃષિપ્રધાન દેશ છે, પરંતુ શું આપણી આ ખેતી હવે ઝેર ઓકી રહી છે? તાજેતરમાં જર્મનીની યુનિવર્સિટી ઓફ કૈસર્સલૌટર્ન-લેન્ડૌના સંશોધકો દ્વારા સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે લાલ બત્તી ધરી છે. આ અહેવાલ મુજબ, વિશ્વમાં ફેલાતી કુલ જંતુનાશક ઝેરી અસરમાં 53થી 68 ટકા હિસ્સો માત્ર ચાર દેશોનો છે, જેમાં ભારત, ચીન, બ્રાઝિલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. ચિંતાજનક આંકડા અને વાસ્તવિકતા અત્યાર સુધી આપણે જંતુનાશકોના માત્ર જથ્થા એટલે કે તેના વજન પર જ ધ્યાન આપતા હતા, પરંતુ આ નવા અભ્યાસે ટોટલ એપ્લાઇડ ટોક્સિસિટી એટલે કે કુલ પ્રયોજિત ઝેરી અસરના માપદંડનો ઉપયોગ કર્યો છે. ભારત સરકારના આંકડા મુજબ, 2014-15માં જંતુનાશકોનો વપરાશ 57,353 ટન હતો જે 2024-25 સુધીમાં વધીને 67,221 ટન થયો છે. એટલે કે 10 વર્ષમાં 20 ટકાનો વધારો. પરંતુ ચિંતાજનક બાબત એ છે કે આ જંતુનાશકોની ઝેરી તીવ્રતા તેના જથ્થા કરતાં પણ વધુ ઝડપથી વધી રહી છે. પર્યાવરણ અને જૈવવિવિધતા પર પ્રહાર જંતુનાશકો માત્ર પાકને નુકસાન પહોંચાડતી જીવાતોને જ નથી મારતા, પરંતુ તે પ્રકૃતિનાં રક્ષકો એવા મધમાખી જેવા પરાગનયન કરતા કીટકો, જમીનમાં રહેલાં અળસિયાં અને જળચર જીવોનો પણ નાશ કરી રહ્યાં છે. અભ્યાસ મુજબ, જમીનમાં રહેતા સજીવો પર ઝેરી અસર વાર્ષિક 4.6 ટકાના દરે વધી રહી છે. જો આ જ ગતિ ચાલુ રહી, તો આવનારા સમયમાં જમીન અને ખેતી માટે ચિંતાનો સમય છે. ભારતમાં ખાસ કરીને ગંગાના મેદાની પ્રદેશો, પંજાબ, હરિયાણા અને ગુજરાતના ખેતીલાયક વિસ્તારોમાં ઝેરી અસરો ઘણી વધારે જોવા મળી છે. કપાસ, ડાંગર અને શેરડી જેવા પાકોમાં સૌથી વધુ જંતુનાશકોનો ઉપયોગ થાય છે. ચોકસાઈપૂર્વકની ટેક્નોલોજીની જરૂરિયાત ભારત સરકારે તાજેતરમાં પેસ્ટિસાઇડ મેનેજમેન્ટ બિલ 2025 રજૂ કર્યું છે, પરંતુ નિષ્ણાતો તેને અપૂરતું માની રહ્યા છે. પેસ્ટિસાઈડ એક્શન નેટવર્ક જેવાં સંગઠનોનું કહેવું છે કે, ભારતના કાયદામાં જંતુનાશકોની નોંધણી વખતે તેની જૈવવિવિધતા પર થતી અસરનો કોઈ ગંભીર અભ્યાસ કરવામાં આવતો નથી. આપણે માત્ર જંતુનાશકોના વજનને બદલે તેની ઝેરી તીવ્રતાને માપવી જોઈએ. નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી દ્વારા કોઈપણ નવા જંતુનાશકને મંજૂરી આપતાં પહેલાં તેની પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન ફરજિયાત હોવું જોઈએ. રાસાયણિક ખેતીના વિકલ્પ તરીકે સંકલિત જૈવિક ઉકેલો અને ચોકસાઈપૂર્વકની ટેક્નોલોજીનો ઉપયોગ વધારવો જોઈએ. ખેડૂત, સરકાર અને સમાજ ત્રણેયે જાગવાની જરૂર જો આપણે 2030 સુધીમાં જંતુનાશકોના જોખમને અડધું કરવાના વૈશ્વિક લક્ષ્યને હાંસલ કરવા માંગતા હોઈએ, તો આપણે કૃષિ ક્ષેત્રે પદ્ધતિસરના પરિવર્તનની જરૂર છે. ખેડૂત, સરકાર અને સમાજ ત્રણેયે જાગવાની જરૂર છે, નહીંતર, જે પાક આપણું પેટ ભરે છે, તે જ એક દિવસ આપણા વિનાશનું કારણ બનશે. ગાય આધારિત ખેતી: ગુજરાતનું આધુનિક અમૃત એક તરફ વિશ્વમાં ઝેરી ખેતીની ચર્ચા છે, બીજી તરફ આપણા ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને સફળતા પાછળ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું માર્ગદર્શન એક પાયાનું બળ સાબિત થયું છે. તેમના અથાક પ્રયત્નો અને ‘ગાય આધારિત ખેતી’ના મિશનને કારણે ગુજરાત આજે દેશમાં પ્રાકૃતિક ખેતીનું રોલ મોડલ બન્યું છે. આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો, અત્યાર સુધીમાં ગુજરાતના આશરે 9 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, જે એક વિક્રમજનક સિદ્ધિ છે. રાજ્યના આશરે 8 લાખ એકરથી વધુ વિસ્તારમાં અત્યારે કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક વગર ખેતી થઈ રહી છે. ખાસ કરીને ડાંગ જિલ્લો દેશનો પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો પણ બની ચૂક્યો છે, જે આ ઝુંબેશની મોટી સફળતા છે. સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સહાય પણ આપવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ખર્ચ શૂન્ય થાય છે.
Read Original Article →